એકસ્ટ્રા અફેરઃ ભરત ભારદ્વાજ
કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીના વિકૃત સેક્સ અપરાધી જેફરી એપસ્ટેઈન સાથેના કહેવાતા સંબંધોના કારણે સંસદમાં મચેલી ધમાલ અને બાંગ્લાદેશમાં પાકિસ્તાનના પીઠ્ઠુ જમાત-એ-ઈસ્લામી પક્ષની હારના સમાચારોમાં એક મહત્ત્વના સમાચાર તરફ લોકોનું બહુ ધ્યાન ગયું નથી. હિમાચલ પ્રદેશમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ની કામગીરીને લગતા એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આક્રોશ ઠાલવ્યો કે, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) મકાન ખરીદદારોની મદદ કરવાને બદલે માત્ર ને માત્ર ડિફોલ્ટર બિલ્ડરોને ફાયદો પહોંચાડી રહી છે એ જોતાં તેને તાળાં મારી દેવાં જોઈએ.
સુપ્રીમ કોર્ટે એવી ટીપ્પણી પણ કરી કે, જે ઉદ્દેશ્ય માટે ‘રેરા’ બનાવવામાં આવી હતી એ ઉદ્દેશ તો પાર પડી જ નથી રહ્યો એ જોતાં ‘રેરા’ ચાલુ રાખવી કે નહીં એ અંગે ફરી વિચાર કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી હિમાચલ પ્રદેશ સરકારના નિર્ણયને લગતા કેસમાં કરી છે. હિમાચલ પ્રદેશ સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને રેરા ઓફિસને સિમલાથી ધર્મશાલા ખસેડી હતી. હાઈ કોર્ટે આ આદેશ પર સ્ટે આપતાં રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના નિર્ણયને માન્ય રાખ્યો છે. સાથે સાથે ઘર ખરીદનારાં લોકોની સુવિધા માટે અપીલ ટ્રિબ્યુનલને પણ ધર્મશાલા ખસેડવા આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટ સંસદે બનાવેલા કાયદા દ્વારા બનેલી સંસ્થાને બંધ કરી દેવાની વાત કરે ત્યારે મામલો ગંભીર જ હોય એ જોતાં સુપ્રીમ કોર્ટની ટીકા બહુ આકરી છે પણ સાવ સાચી છે. નરેન્દ્ર મોદી સરકારે 2016માં રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) બનાવી ત્યારે મોટી મોટી વાતો કરેલી. ‘રેરા’ બનતાં હવે બિલ્ડરોની મનમાની અને છેતરપિંડી નહીં ચાલે એવા દાવા કરાયા હતા.
‘રેરા’ના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં પારદર્શિતા આવશે, બિલ્ડરોની જવાબદારી નક્કી થશે અને ખરીદદારોના હિતોનું રક્ષણ થશે એવી વાતો કરાયેલી. ખરીદનારને તેનું ઘર યોગ્ય સમયે, નિર્ધારિત શરતો અનુસાર અને કોઈપણ છેતરપિંડી વિના મળે એવી સ્થિતિ ‘રેરા’ના કારણે પેદા થશે એવા ફાંકા મરાયા હતા પણ આવું કશું થયું નથી. બિલ્ડરો હજુય સુપર બિલ્ટ અપના નામે લોકોને છેતરે છે અને લોકો પાસેથી નાણાં ઉઘરાવીને સમયસર પઝેશન નથી આપતા.
આ પ્રકારની હજારો ફરિયાદો થાય છે પણ ‘રેરા’ કશું કરતું નથી. બીજું બધુ તો છોડો પણ ‘રેરા’ આવ્યા છતાં હજુય કારપેટ એરીયા ફરજિયાત બતાવવાના અને કારપેટ એરીયા એટલે કે મકાનમાં ગ્રાહકને વાપરવા મળે એટલા વિસ્તારને આધારે કિંમત નક્કી કરવાના સાદા નિયમનું પાલન પણ નથી થતું. બિલ્ડરો આ વાતને ઘોળીને પી ગયા છે છતાં ‘રેરા’ કંઈ કરતું નથી. તેનું કારણ એ કે, ‘રેરા’નો ઉપયોગ લોકોનું ભલું કરવા માટે નથી કરાયો પણ બિલ્ડરો પર ધોંસ જમાવીને તેમને ખંખેરવા માટે કરાયો છે.
આ ઉદ્દેશ પાર પડે છે ને રાજકારણીઓનાં ખિસ્સાં તર રહે છે એટલે તેમને લોકોનું શું થાય છે તેની કોઈ પરવા નથી. પોતાની આખી જિંદગીની બચત લગાવી દેનારા માણસની મૂડી ડૂબી જાય કે સમયસર ઘર ના મળે તો ભાડાં કે લોનના હપ્તા ભરવામાં એ કેવો લાંબો થઈ જાય છે તેની તેમને કોઈ પરવા નથી.
સુપ્રીમ કોર્ટે એક બીજી મહત્ત્વની ટીપ્પણી કરી છે તેની પણ વાત કરવી જરૂરી છે. હિમાચલ પ્રદેશને લગતા કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને જાણ કરાઈ હતી કે, ‘રેરા’માં એક નિવૃત્ત આઈએએસ અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસે આ સાંભળીને કટાક્ષ કર્યો કે, ‘રેરા’ દરેક રાજ્યમાં નિવૃત્ત અમલદારો માટે એક ‘પુનર્વસન કેન્દ્ર’ બની ગયું છે અને આ ઓથોરિટીઝમાં ફક્ત આવા જ લોકો ભરેલા છે.
સુપ્રીમ કોર્ટે આ પ્રકારની ટીપ્પણી પહેલાં પણ કરી હતી. સપ્ટેમ્બર 2024માં ‘રેરા’ને લગતા કેસમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાંની બેન્ચે પણ કહેલું કે, ‘રેરા’ ભૂતપૂર્વ અમલદારોનો અડ્ડો બની ગયો છે અને આ અધિકારીઓએ ‘રેરા’ની સંપૂર્ણ ભાવનાને નષ્ટ કરીને આ કાયદાને જ નિષ્ફળ કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે ‘રેરા’ના સંદર્ભમાં આ વાત કરી છે પણ ભારતમાં મોટા ભાગની સરકારી સંસ્થાઓમાં આ હાલત છે. આ સંસ્થાઓ અસરકારક રીતે કામ કરી શકે એ માટે તેજતર્રાર ને તેજીલા તોખાર જેવા અધિકારીઓને નિમવાના હોય તેના બદલે નિવૃત્ત થઈ ગયેલાં ખાઈબદેલાં ડોહાંડગરાંને મૂકી દેવાય છે. જેમને વખારમાં નાખવાના હોય તેમને સરકારી સંસ્થાઓમાં બેસાડી દેવાય છે તેમાં સારા ઉદ્દેશથી બનાવાયેલી ભલભલી સરકારી સંસ્થાઓ વખાર જેવી થઈ ગઈ છે.
આખી જીંદગી સત્તામાં બેઠેલા લોકોની ચાપલૂસી અને વગદારોની દલાલી કરી ખાનારા અધિકારીઓ માટે આ નિમણૂકો ટાઈમપાસ હોય છે. સરકારી ગાડીમાં ફરી શકાય ને સરકારી પૈસે બાકીની જિંદગી જીવી શકાય એટલે અધિકારીઓ દ્વારા પોતાના માઈ-બાપ જેવા રાજકારણીઓના પગ પકડીને કરાવી આ નિમણૂકોના કારણે નથી દેશનું ભલું થતું કે નથી લોકોનું ભલું થતું.
કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી એ હિસાબે અધિકારીઓ આખી જિંદગી હરામની કમાણી કરવાની ખાવાની આદત પડી ગઈ હોય છે તેથી નવી સંસ્થાઓમાં પણ તેમની દુકાન તો ચાલુ જ હોય છે. ‘રેરા’માં બને છે એમ લોકોના બદલે બિલ્ડરો કે બીજા ધનિકોનાં હિતો સાચવવા માટે અધિકારીઓ કામ કરે છે, લોકો જાય ભાડમાં. આખી જિંદગી હરામની કમાણી ખાધી છે તો હવે ધરવ કરીને લોકોનું ભલું કરીને પાછલી જિંદગીમાં થોડુંક પુણ્ય કમાઈએ એવી ભાવના પણ અધિકારીઓમાં જાગતી નથી.
સુપ્રીમ કોર્ટે ટકોર કરી તેના કારણે આ મુદ્દા તરફ ધ્યાન ખેંચાયું ખરું પણ તેના કારણે સ્થિતિ બદલાવાની નથી કેમ કે રાજકારણીઓ ને અધિકારીઓ બંને સુધરવાના નથી. આઘાતજનક વાત એ છે કે, છેલ્લાં કેટલાંક વરસોથી માત્ર આવી સંસ્થાઓમાં જ નહીં પણ મહત્વના સરકારી હોદ્દાઓ પર પણ આ રીતે નિવૃત્ત અધિકારીઓને ગોઠવી દેવાના ખેલ ચાલે છે.
ગુજરાત બેચના આઈએએસ અધિકારી કે. કૈલાસનાથન તેનું શ્રેષ્ઠ ઉતદાહરણ છે. કૈલાસનાથન નિવૃત્તિના 15 વર્ષ લગી ગુજરાતમાં મુખ્યમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી રહ્યા ને હવે પુડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર છે. મુખ્યમંત્રીઓ આવ્યા ને ગયા પણ કૈલાશનાથન એવા જામી ગયેલા કે કોઈ તેમને હલાવી જ શકતું નહોતું. એ તો કૈલાશનાથન પોતે થાક્યા ત્યારે જગા થઈ, બાકી કૈલાસનાથને ન કહ્યું હોત તો હજુ સીએમઓમાં જ બેઠા હોત.
કૈલાશનાથન તો જાણીતું ઉદાહરણ છે તેથી તેમની વાત કરી, બાકી સુપ્રીમ કોર્ટે કહ્યું તેમ દરેક રાજ્યમાં કૈલાશનાથનો છે અને દરેક રાજકારણીના પોતપોતાના કૈલાશનાથન છે. આ લોકોએ દેશના વહીવટની પત્તર ખાંડીને મૂકી દીધી છે પણ ગાંધી-વૈદનું સહિયારું ચાલે એ રીતે અધિકારીઓ નેતાઓનાં ને નેતાઓ અધિકારીઓનાં હિતો સાચવે છે એટલે સ્થિતિ નહીં બદલાય.