Fri Apr 17 2026

Logo

ધોળાવીરાની વિરાસત જોઈ સુધા મૂર્તિ અભિભૂત, 5000 વર્ષ જૂની સભ્યતા જોઈને કહી આ મોટી વાત

1 week ago
Article Image

ભુજઃ જાણીતા લેખિકા અને રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિએ તાજેતરમાં કચ્છમાં આવેલા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરાની મુલાકાત લીધી હતી અને આ હડ્ડપન નગરીની પ્રાચીન સંસ્કૃતિ અને ત્યાંની વ્યવસ્થાઓ જોઈને તેઓ અભિભૂત થયા હતા. આ મુલાકાત બાદ તેમણે પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કરતા જણાવ્યું હતું કે, પ્રવાસ માત્ર સ્થળોની મુલાકાત પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે જીવન પ્રત્યેનો એક નવો દ્રષ્ટિકોણ આપે છે. 

ધોળાવીરાના ઐતિહાસિક અવશેષો વચ્ચે ઉભા રહીને સુધા મૂર્તિએ એક પ્રેરણાદાયી સંદેશમાં જણાવ્યું કે, આજે આપણે જે 'સસ્ટેનેબલ લિવિંગ' એટલે કે, ટકાઉ જીવનશૈલીની વાતો કરીએ છીએ, તે કોઈ આધુનિક શોધ નથી. પાંચ હજાર વર્ષ પૂર્વે ધોળાવીરાના રહીશોએ જળ વ્યવસ્થાપન, સ્વચ્છતા અને ટાઉન પ્લાનિંગમાં જે નિપુણતા મેળવી હતી તે અદભૂત છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ શહેર બે મોસમી નદીઓ વચ્ચે એવી રીતે વસાવવામાં આવ્યું હતું કે પાણીનો સંગ્રહ અને નિકાલ શ્રેષ્ઠ રીતે થઈ શકે.

સિંધુ ખીણની સભ્યતાના આ મહત્વના સ્થળ વિશે માહિતી આપતા મૂર્તિએ કહ્યું કે, ધોળાવીરા વિશ્વના સૌથી સુરક્ષિત અને સુનિયોજિત પ્રાચીન વસાહતોમાંનું એક છે. ત્યાંના વિશાળ જળાશયો અને આધુનિક ગટર વ્યવસ્થા આજે પણ ઈજનેરો માટે સંશોધનનો વિષય છે. તેમણે આધુનિક પેઢીને અનુરોધ કર્યો હતો કે પર્યાવરણ અને માનવજાતના સંતુલન માટે આપણે આપણા આ પ્રાચીન વારસામાંથી શીખવું જોઈએ.

સુધા મૂર્તિએ સોશિયલ મીડિયા પર શેર કરેલા વિડિયોમાં ભારપૂર્વક જણાવ્યું કે, ધોળાવીરાની મુલાકાત લેવી એ ઈતિહાસમાં પાછા જવા જેવું છે. પર્યાવરણની જાળવણી સાથે કેવી રીતે ભવ્ય નગરનું નિર્માણ થઈ શકે, તેનું ધોળાવીરા શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે આ સ્થળની સ્થાપત્ય કલા અને તે સમયના લોકોની વ્યવહારુ બુદ્ધિની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. 

(ઉત્સવ વૈદ્ય)