અમદાવાદ: રાજ્ય સરકાર સંચાલિત સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA)માં પૂર્વ પરીક્ષા તાલીમ મેળવીને યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીસ પરીક્ષા-2025માં સફળતા મેળવેલા 35 યુવાઓએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્ય પ્રધાને આ યુવાઓ સાથે સહજ સંવાદ કરતા તેમને ભવિષ્યમાં ઉચ્ચ અધિકારી તરીકેની મળનારી સેવા તકને વંચિત, છેવાડાના અને સામાન્ય માનવીની સેવા કરવાની સંવેદના તક તરીકે અપનાવાની શીખ આપી હતી.
ભૂપેન્દ્ર પટેલે આ યુવાઓને સરકાર અને પ્રજા વચ્ચે સૌહાર્દ જળવાય તથા રાજ્ય સેવાથી રાષ્ટ્ર સેવાનું દાયિત્વ જ તેમની પ્રાથમિકતા રહે તેવું આહવાન કર્યું હતું અને ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવેલા આ યુવાઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ આપી હતી.
અખિલ ભારતીય મુલ્કી સેવામાં રાજ્યના યુવાનોનું પ્રતિનિધિત્વ વધે અને તેમાં રાજયના યુવાનો વધુને વધુ પસંદગી પામે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ૧૯૯૨થી ‘સ્પીપા' અમદાવાદ ખાતે "યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ સ્ટડી સેન્ટર” શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર મારફતે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષાના પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યુ માટે વિનામૂલ્યે પ્રશિક્ષણ વર્ગ કાર્યરત છે. યુ.પી.એસ.સી. દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૫માં SPIPAના સૌથી વધુ કુલ ૩૫ ઉમેદવારો ઓલ ઇન્ડિયા સર્વિસ અને સેન્ટ્રલ સિવિલ સર્વિસ માટે આખરી પસંદગી પામ્યા છે.
1992થી વર્ષ 2026 સુધીમાં એટલે કે, છેલ્લા 34 વર્ષમાં સ્પીપા, અમદાવાદમાંથી કુલ 348 ઉમેદવારોએ યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝમાં અંતિમ પસંદગી પામીને IAS, IPS, IFS, IRS જેવી વિવિધ કેડરો પ્રાપ્ત કરી છે.