Fri Apr 17 2026

Logo

શકીરાના ચાહકોને માટે ખુશખબર: ભારતમાં યોજાશે બે નહીં ત્રણ શો, જાણો ક્યારે આવશે?

1 month ago
Author: Tejas Soni
Article Image

મુંબઈ: દુનિયાભરમાં પોતાની ગાયકી અને અનોખા ડાન્સ સ્ટેપ્સથી લાખોના દિલ જીતનારી પોપ ક્વીન શકીરા આગામી મહિનાથી ભારતના પ્રવાસે આવી રહી છે. ભારતીય ચાહકોમાં આ ટૂરને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. અગાઉ માત્ર બે જ શો યોજાવાના હતા, પરંતુ ચાહકોના ઉત્સાહ અને ટિકિટોની ભારે માંગને જોતા હવે કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. શકીરાએ ભારતીય ફેન્સને સરપ્રાઈઝ આપતા મુંબઈમાં વધુ એક લાઈવ કોન્સર્ટની જાહેરાત કરી દેવામાં આવ્યો છે, જેના કારણે હવે ભારતમાં કુલ ત્રણ ધમાકેદાર શોનું આયોજન કરવામાં આવશે.

શકીરાના ઈન્ડિયા ટૂરના શેડ્યૂલ પર નજર કરીએ તો, તે 10 એપ્રિલે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે પોતાનો પ્રથમ શો કરશે. ત્યારબાદ ભારે માંગને કારણે 11 એપ્રિલે તે જ સ્થળે બીજો શો યોજવા જઈ રહ્યો છે. મુંબઈ બાદ 15 એપ્રિલે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં શકીરાનું પરફોર્મન્સ જોવા મળશે. આ ટૂરની સૌથી મોટી હાઈલાઈટ એ છે કે પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંજ પણ શકીરા સાથે સ્ટેજ શેર કરી શકે છે, જોકે આ અંગે હજુ સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

પોપ આઈકન શકીરા

પોપ આઈકન શકીરા લગભગ 19 વર્ષ બાદ ભારતની ધરતી પર પરફોર્મ કરવા જઈ રહી છે. અગાઉ તેણે 2007માં મુંબઈમાં પરફોર્મન્સ આપ્યું હતું. 4 ગ્રેમી અને 15 લેટિન ગ્રેમી એવોર્ડ વિજેતા શકીરા આ વખતે એક ઉમદા હેતુ સાથે ભારત આવી રહી છે. તેના કોન્સર્ટમાંથી થનારી કમાણી 'ફીડિંગ ઈન્ડિયા' નામની સંસ્થાને દાનમાં આપવામાં આવશે, જે બાળકોના પોષણ માટે કાર્ય કરે છે. શકીરાએ પોતે પણ નિવેદન આપ્યું છે કે ભારતીય ચાહકો સાથે જોડાવા માટે તે ખૂબ જ ઉત્સાહિત છે.

શકીરાના કોન્સર્ટની ટિકિટોની કિંમત ₹6,000 થી શરૂ થઈને ₹32,000 સુધી રાખવામાં આવી છે. 1 માર્ચથી ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે. 'લેટિન મ્યુઝિકની ક્વીન' તરીકે ઓળખાતી શકીરાએ માત્ર 14 વર્ષની ઉંમરે પોતાની સંગીત સફર શરૂ કરી હતી. ભલે તેના શરૂઆતના આલ્બમ્સ ફ્લોપ રહ્યા, પરંતુ 'લાઉન્ડ્રી સર્વિસ' અને 'વાકા વાકા' જેવા ગીતોએ તેને વિશ્વસ્તરે ઓળખ અપાવી. આજે શકીરા માત્ર એક ગાયિકા જ નહીં પણ એક ગ્લોબલ આઈકન છે, જેની એક ઝલક મેળવવા ભારતીય ફેન્સ આતુર છે.