Fri Apr 17 2026

Logo

ભુજમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજી: 'ભાડા' દ્વારા એક વર્ષમાં ૮૫ ટકા પ્રોજેક્ટ્સને મંજૂરીની લીલીઝંડી

4 days ago
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: કચ્છના પાટનગર ભુજમાં વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ શરૂ થયેલી નવનિર્માણની પ્રક્રિયા હવે આધુનિક મહાનગરના સપનાને સાકાર કરી રહી છે. ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ભાડા) દ્વારા છેલ્લા એક વર્ષમાં વિકાસલક્ષી પ્રક્રિયાને વેગ અપાતા બાંધકામ ક્ષેત્રે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સત્તા મંડળ સમક્ષ રજૂ થયેલી કુલ ૨૩૦૦ અરજીઓ પૈકી ૮૫ ટકા એટલે કે ૧૯૫૦ જેટલા પ્રકલ્પોના બાંધકામ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે.

શહેરી વિકાસના આંકડાકીય વિશ્લેષણ મુજબ,  ભુજમાં વસ્તી વધારાની સાથે આધુનિક રહેઠાણોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. કુલ રજૂ થયેલી ૨૩૦૦ અરજીઓના વિભાજનમાં કુલ ૧૬૧૦ અરજીઓ નવા આવાસ કે હયાત મકાનોમાં ફેરફાર માટે મળી હતી, જયારે આર્થિક ગતિવિધિઓના વિસ્તરણને પગલે કોમર્શિયલ અને અન્ય હેતુઓ માટે ૬૯૦ અરજીઓ પ્રાપ્ત થઈ હતી.

ભાડા દ્વારા ટેકનિકલ ચકાસણી અને દસ્તાવેજી પુરાવાઓની ઝીણવટભરી તપાસ બાદ મંજૂરી આપવામાં આવે છે. નિયમોના ઉલ્લંઘન, નકશામાં ક્ષતિ કે અપૂરતા દસ્તાવેજોને કારણે કુલ ૩૫૦ જેટલી અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ હેઠળ નિર્ધારિત માપદંડોને આધારે જ મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેથી ભુજનું આયોજનબદ્ધ અને સુરક્ષિત રીતે વિસ્તરણ થઈ શકે.

દરમ્યાન, વિનાશક ભૂકંપ બાદ ટાઉન પ્લાનિંગ સ્કીમ (ટીપી) દ્વારા જે વૈજ્ઞાનિક ઢબે શહેરનું રિ-ડેવલપમેન્ટ કરાયું હતું, તે જ પરંપરાને જાળવી રાખીને હાલમાં કામગીરી ચાલી રહી છે. બાંધકામ મંજૂરીની આ સક્રિયતાને કારણે ભુજના સીમાડાઓ હવે નવા વિસ્તારો સુધી પહોંચ્યા છે. આંતરમાળખાગત સુવિધાઓ વધુ સુદ્રઢ બનતા આગામી સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટા પાયે રોકાણ આવવાની અને નાગરિકોનું જીવનધોરણ વધુ સુવિધાજનક બનવાની પ્રબળ શક્યતાઓ ઉભી થઇ રહી છે.

(ઉત્સવ વૈદ્ય)