રાણીપની 17 વર્ષીય સગીરાને કોલ્ડડ્રિંકમાં નશો આપી નરાધમે આચર્યું દુષ્કર્મ, 3 મહિના બાદ વીડિયો બહાર આવતા ફૂટ્યો ભાંડો
અમદાવાદ: શહેરની 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટનાએ સમગ્ર સમાજ માટે આંખ ઊઘાડનાર સાબિત થયો છે. સોશિયલ મીડિયામાં થયેલી દોસ્તી સગીરાને ભારે પડી છે. અત્યારે સોશિયલ મીડિયા બાળકો એટલું હાવી થઈ ગયું છે કે, તેમાંય સાચા કે ખોટાનું ભાન રહેતું નથી. આ સગીરા સાથે પણ આવું જ થયું હતું. આ સગીરાને ઇન્સ્ટાગ્રામમાં એક 14 વર્ષની છોકરી સાથે દોસ્તી થાય છે. આ દોસ્તીની કિંમત સગીરાને ભારે પડી ગઈ છે. ચાલો જોઈએ શું છે સમગ્ર ઘટના.
રાણીપમાં રહેતી સગીરા બની ભોગ
અમદાવાદના રાણીપમાં રહેતી સગીરાને ગાંધીનગરના કલોલમાં રહેતી એક 14 વર્ષની છોકરા સાથે દોસ્તી થઈ હતી. પહેલા ઇન્સ્ટાગ્રામમાં વાતો થતી અને પછી મળવાનું શરૂ થયું હતું. એના પછી બંને વચ્ચેની દોસ્તી ખૂબ ખાસ બની ગઈ હતી. પછી 14 વર્ષીય બેનપણીએ 30 ડિસેમ્બર 2025ના ફોન કર્યો અને માઉન્ટ આબુમાં જઈને નવા વર્ષની ઉજવણી કરવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ સગીરાને ખબર નહોતી કે અહીં જવું તેની જિંદગીની મોટી ભૂલ સાબિત થશે.
ફ્રેન્ડ સાથે માઉન્ટ આબુ જવાનું ભારે પડ્યું
30 તારીખે આ સગીરા તેની 14 વર્ષીય બહેનપણી અને તેના દિવ્યેશ (22) નામના મિત્ર સાથે ટ્રેનથી રાજસ્થાનના માઉન્ટ આબુ પહોંચી હતી. અહીં ત્રણેય સાથે એક રૂમ રાખ્યો હતો. એટલું જ નહીં, પરંતુ સાથે દારૂ પાર્ટી કરવાનું પણ નક્કી કર્યું હતું. જોકે, સગીરાએ દારૂ પીવાની ના પાડી હતી. એટલે આ લોકોએ તેને કોલ્ડડ્રિંકમાં દારૂ મિક્સ કરીને આપ્યો હતો. સગીરાને એ પણ ખબર પડી નહીં કે પીવાય કે નહીં પણ કોલ્ડ્રિંકના નામે પી ગઈ.
બહેનપણીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો
કોલ્ડડ્રિંક પીધાના થોડા જ સમયમાં તેને ઊંઘ આવી ગઈ હતી. આ દરમિયાન દિવ્યેશ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, પરંતુ 14 વર્ષીય બહેનપણીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જ્યારે સવારે સગીરા જાગી ત્યારે તેની કપડાં વિખેરાયેલા હતા, એટલે તેને શક થયો કે તેની સાથે કંઈક ખોટું થયું છે. આ બાબતે સગીરાએ પહેલા લોકોને પૂછ્યું તો કઈ જવાબ આપ્યો નહીં, એટલે સગીરા એકલી જ ટ્રેનમાં પાછી અમદાવાદ આવી ગઈ હતી.
રાણીપ પોલીસે 22 વર્ષીય દિવ્યેશ ધરપકડ કરી
ઘરે આવ્યાં બાદ પણ તેને કંઈ ખબર ના પડી કે તેની સાથે શું થયું હતું, પરંતુ ઘટનાના ત્રણ મહિના પછી તેને ઇન્સ્ટાગ્રામ એક વીડિયો આવ્યો તે જોયા પછી તેના હોશ ઉડી ગયાં હતા. કારણે કે, આ વીડિયોમાં 22 વર્ષીય દિવ્યેશ તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો, અને તેની બેનપણી તેમાં તેનો સાથ આપી રહી હતી. જેથી આ મામલે સગીરાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી દિવ્યેશની ધરપકડ કરીને સામૂહિક દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે. સાથે 14 વર્ષીય બેનપણીને પણ આરોપી બનાવવામાં આવી છે.