Fri Apr 17 2026

Logo

'ધ બ્લફ'માં પ્રિયંકા ચોપરાનો પાવરફુલ અવતાર: 'લેડી ધુરંધર' બનીને મચાવી ધૂમ

1 month ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: બોલીવુડથી હોલીવુડ સુધી પોતાની અલગ ઓળખ બનાવનાર પ્રિયંકા ચોપરા જોનાસ ફરી એક વાર ચર્ચામાં આવી છે. રણવીર સિંહની ફિલ્મ ધુરંધરની ચર્ચા વચ્ચે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી પ્રિયંકાની ફિલ્મ 'ધ બ્લફ' જોઈને તેને 'લેડી ધુરંધર' કહેવાનું મન થાય તેમ છે. 

આ ફિલ્મમાં પ્રિયંકાએ એક સમુદ્રી ડાકુ (Pirate) બનીને જે પાવરફુલ પરફોર્મન્સ આપ્યું છે, તેણે હિન્દી ફિલ્મોની એક્શન હિરોઈનોના તમામ ક્રાઈટેરિયા બદલી નાખ્યા છે. એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહેલી આ ફિલ્મમાં પ્રિયંકાનો દબદબો જોવા મળી રહ્યો છે.

ફિલ્મની સ્ટોરી 1846ના સમયગાળાની છે, જ્યારે કેરેબિયન સમુદ્રમાં લૂંટારાઓનો યુગ પૂરો થઈ રહ્યો હતો. પ્રિયંકા ચોપરા અહીં એર્સેલ બોડેન ઉર્ફે મરિયમનું પાત્ર ભજવી રહી છે, જે એક સમયે ખતરનાક લૂંટારી હતી, પરંતુ હવે પોતાના પુત્ર સાથે શાંત જીવન જીવી રહી છે. તેના પતિને કેપ્ટન કોનર (કારલ અર્બન) એ બંધક બનાવ્યો છે, કારણ કે મરિયમ પાસે લૂંટેલું સોનું છે. પોતાના પરિવારને બચાવવા અને પિતાની હત્યાનો બદલો લેવા મરિયમ ફરીથી હથિયાર ઉપાડે છે અને દુશ્મનોનો ખાતમો બોલાવે છે.

'ધ બ્લફ'માં પ્રિયંકાનો અભિનય જોઈને તમે તેની જૂની 'દેશી ગર્લ' વાળી છબી ભૂલી જશો. તે એક ઘાયલ સિંહણ જેવી ઘાતક દેખાય છે. હવામાં ચિત્તા જેવી છલાંગ લગાવવી હોય કે દુશ્મનોના છાતીમાં ખંજર ભોંકવું હોય, પ્રિયંકાએ દરેક એક્શન સીનમાં જીવ રેડી દીધો છે.

હોલીવુડના દિગ્ગજ અભિનેતા કારલ અર્બન સામે તે ક્યાંય ઉણી ઉતરી નથી. ફ્રેન્ક ઈ. ફ્લાવર્સના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં પ્રિયંકાએ માત્ર એક્શન જ નહીં, પણ એક સંવેદનશીલ માતા અને પત્ની તરીકેની લાગણીઓ પણ સુંદર રીતે વ્યક્ત કરી છે.

ઐતિહાસિક રીતે જોઈએ તો 80ના દાયકામાં હેમા માલિની કે ઝીનત અમાન જેવી અભિનેત્રીઓએ છૂટાછવાયા એક્શન સીન કર્યા હતા, પરંતુ આખી ફિલ્મ એક્શન મોડમાં હોય તેવી સિદ્ધિ પ્રિયંકાએ મેળવી છે. આ ફિલ્મ દ્વારા તે હોલીવૂડની ઉમા થુરમન (કિલ બિલ) અને જોડી ફોસ્ટર જેવી અભિનેત્રીઓની હરોળમાં આવી ગઈ છે. 

જોકે ફિલ્મની વાર્તા થોડી જૂની ઘરેડની અને બદલાની ભાવના વાળી લાગે છે, પરંતુ કેરેબિયન ટાપુઓના દ્રશ્યો અને પ્રિયંકાની શાનદાર તલવારબાજી આ ફિલ્મને જોવાલાયક બનાવે છે.