Fri Apr 17 2026

Logo

પીએમ મોદી મંગળવારે અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે નું લોકાર્પણ કરશે, ભાવનગરનું અંતર ઘટશે

2 weeks ago
Author: Chandrakant Kanoja
Article Image

અમદાવાદ : ગુજરાતની મુલાકાતે આવી વડાપ્રધાન  નરેન્દ્ર મોદી 31 માર્ચના રોજ ₹5100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત, 109 કિમી લાંબા 'અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે' (NE-8)નું લોકાર્પણ કરશે. આ અત્યાધુનિક હાઈવેના કારણે હવે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે.

60 લાખ ટન કચરાનો પુનઃઉપયોગ કરવામાં આવ્યો

પર્યાવરણલક્ષી અભિગમ સાથે બનેલા આ પ્રોજેક્ટમાં આશરે 60 લાખ ટન કચરાનો પુનઃઉપયોગ કરવામાં આવ્યો છે. આ એક્સપ્રેસ-વે ધોલેરા SIR અને આગામી ઇન્ટરનેશનલ એરપોર્ટને સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે, જે લોજિસ્ટિક્સ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની સાથે સમગ્ર પ્રદેશના આર્થિક વિકાસને નવી ગતિ આપશે.

ધોલેરાને ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે

ગુજરાતમાં ધોલેરાને ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. તે પરિવહનના તમામ મોડ, એરપોર્ટ, સીપોર્ટ, રોડ અને મેટ્રો સાથે જોડાયેલ હશે. આ કામમાં અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ મહત્વની ભૂમિકા ભજવશે. દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરનો એક ભાગ હોવાને કારણે અહીં એક નવું અત્યાધુનિક એરપોર્ટ પણ આવી રહ્યું છે.

8 લેન સુધી વિસ્તરણ ક્ષમતા 

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે પર 11 ઇન્ટરચેન્જ, 14 ફ્લાયઓવર, 86 અન્ડરપાસ અને આધુનિક વે-સાઈડ સુવિધા ઊભી કરવામાં આવી છે. આ હાઈવે સીધો ધોલેરા સ્માર્ટ સિટી અને એરપોર્ટ સાથે જોડાણ ધરાવે છે. તેમજ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે માટે 8 લેન સુધી વિસ્તરણની ક્ષમતા રાખવામાં આવી છે.