વાવ : પીએમ મોદીએ ગુજરાતના વાવ-થરાદ જિલ્લાને રૂપિયા 20,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. આ પ્રસંગે તેમણે ડીસા એરબેઝનો ઉલ્લેખ કર્યો જ્યાં તેમનું વિમાન ઉતર્યું હતું. આ દરમિયાન તેમણે મિડલ ઈસ્ટના યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે વૈશ્વિક સંકટ હોવા છતાં દેશમાં સ્થિતી નિયંત્રણમાં છે.
મા અંબાના ચરણોમાં પ્રણામ કરું છું
પીએમ મોદીએ જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે થોડા દિવસો પૂર્વ જે નવરાત્રી પૂર્ણ થઇ છે.મા અંબાની કૃપાથી જ મને આજે તેમના પવિત્ર ચરણોમાં દર્શન કરવાનો લહાવો મળ્યો છે. મા અંબાના ચરણોમાં પ્રણામ કરું છું. આજે આપણે ભગવાન મહાવીર જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. આપણો આ પ્રદેશ અસંખ્ય જૈન તીર્થસ્થાનોની ભૂમિ છે. હું ભગવાન મહાવીરને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને લોકકલ્યાણના આ પવિત્ર દિવસે મહાવીર જયંતિની શુભેચ્છાઓ પાઠવું છું.
ડીસામાં એક વિશાળ વાયુસેના બેઝ સ્થાપિત
તેમણે ડીસા એરબેઝનો ઉલ્લેખ કર્યો જ્યાં તેમનું વિમાન ઉતર્યું હતું. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખાસ કરીને ભારતની પશ્ચિમી સરહદના સંરક્ષણ માટે ડીસા ખૂબ જ વ્યૂહાત્મક મહત્વનું સ્થાન ધરાવે છે. જોકે, વર્ષો સુધી દિલ્હીમાં સત્તા સંભાળનારાઓએ ગુજરાત પ્રત્યે ઓરમાયું વર્તન રાખ્યું હતું.
જેના લીધે આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સુરક્ષા પ્રોજેક્ટ પણ વર્ષો સુધી અમલદારશાહી ફાઇલોમાં અટવાયેલો રહ્યો. જોકે, જ્યારે તમે મને દિલ્હી મોકલ્યો ત્યારે મેં તે ફાઇલો મેળવી અને આજે પરિણામ એ છે કે ડીસામાં એક વિશાળ વાયુસેના બેઝ સ્થાપિત થઈ ગયો છે.
20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં ઉર્જા, માર્ગ, રેલ્વે અને આવાસ ક્ષેત્રોના પ્રોજેકટો છે. હું ગુજરાતને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. વાવ-થરાદ અને બનાસકાંઠા લોકો માટેની મારી લાગણી સવિશેષ છે.