પુણે: પુણે જિલ્લાના પિંપરી-ચિંચવડમાં ક્ધસ્ટ્રકશન સાઇટ પર ઇંટનું માળખું તૂટી પડતાં દંપતીનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર મજૂરને ઇજા પહોચી હતી. તલાવડે વિસ્તારમાં ખુલ્લા પ્લોટ પર શુક્રવારે સાંજના 4.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જ્યાં અંડરગ્રાઉન્ડ ટાંકીઓ માટે ખાડામાં ઇંટનું માળખું બનાવવામાં આવી રહ્યું હતું.
અધિકારીના જણાવ્યા અનુસાર પ્લોટના માલિકે અંડરગ્રાઉન્ડ ટાંકીઓ માટે ખાડા ખોદવા કંપનીને કોન્ટ્રેક્ટ આપ્યો હતો અને કોન્ટ્રેક્ટર આ કામ માટે મજૂરોને લાવ્યો હતો. દરમિયાન મજૂરો ખાડામાં ઇંટનું માળખું બનાવી રહ્યા હતા ત્યારે જેસીબીનો ધક્કો લાગવાને કારણે તે તૂટીને મજૂરો પર પડ્યું હતું અને મજૂરો તેમાં દબાઇ ગયા હતા.
આ ઘટનામાં સચિન શંકર રાઠોડ (30) અને તેની પત્ની કોમલ (25)ના ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે મનોહર ભીખુ ચવાણ (38) સહિત ચાર મજૂર ઘાયલ થયાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલું દંપતી ચાકણ વિસ્તારમાં રહેતું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દેહુ રોડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિક્રમ સનસોડેએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ કોન્ટ્રેક્ટર વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)