Fri Apr 17 2026

Logo

પેટ્રોલમાં ભડકાની બીકે EVમાં તેજી, ગુજરાતમાં વેચાણમાં 75%નો વધારો

2 weeks ago
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ ઈરાન યુદ્ધના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ગમે ત્યારો ભડકો થાય તેવા એંધાણ છે. કેટલીક કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે.  28 ફેબ્રુઆરીથી ઈરાન યુદ્ધની શરૂઆત થયા બાદ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે.  ઈંધણની અછતની ચિંતા અને ટેક્સ ઇન્સેન્ટિવ્સ પૂરા થતા પહેલા તેનો લાભ લેવાની દોડને કારણે માર્ચ મહિનામાં ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 75.5%નો વધારો થયો છે, જેમાં પ્યોર EV રજિસ્ટ્રેશનમાં બમણાથી વધુ વધારો જોવા મળ્યો છે. રાજ્ય સરકારે હવે EV માટે RTO-લિંક્ડ ટેક્સ ઇન્સેન્ટિવ્સ 31 માર્ચ, 2027 સુધી લંબાવ્યા છે, જે માંગને વધારાનું પ્રોત્સાહન આપશે. 30 માર્ચના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં, સરકારે ઇન્સેન્ટિવની સમયમર્યાદા 31 માર્ચ, 2026 થી બદલીને 31 માર્ચ, 2027 કરી છે. આ નિર્ણયથી ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં વધુ વધારો થવાની અપેક્ષા છે.

અમદાવાદવાસીઓ પેટ્રોલ છોડી પ્લગ તરફ વળ્યા

વૈશ્વિક ઓઈલ માર્કેટમાં અનિશ્ચિતતાને કારણે ઇલેક્ટ્રિક વાહનોની વિક્રમી માંગ જોવા મળી રહી છે, જેમાં વેચાણમાં 50-100% અને ઈન્ક્વાયરીમાં 300%નો વધારો થયો છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે ચૂંટણી પછી ઈંધણના ભાવમાં વધારો થવાની ભીતિ અમદાવાદના ગ્રાહકોને ઇલેક્ટ્રિક વાહનો તરફ ધકેલી રહી છે. શહેરના ડીલરોએ માર્ચમાં EV વેચાણમાં 50 થી 100 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના ડરને કારણે, શહેરમાં ઓટોમોબાઈલ ડીલરોએ આ મહિને ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બંનેમાં EVની ઈન્ક્વાયરી અને વેચાણમાં મોટો ઉછાળો નોંધાયો હતો. માર્ચમાં સરેરાશ EV વેચાણમાં વાર્ષિક ધોરણે 50 ટકાનો અને ઈન્ક્વાયરીમાં 300 ટકાનો વધારો થયો હતો.

રૂ. 1 લાખથી રૂ. 1.5 લાખની કિંમતના ટુ-વ્હીલર્સ સૌથી ઝડપથી વેચાઈ રહ્યા છે. ફોર-વ્હીલર સેગમેન્ટમાં રૂ. 10 લાખથી રૂ. 30 લાખની રેન્જની કારો સારું પ્રદર્શન કરી રહી છે. પ્રીમિયમ EV પણ વધુ ખરીદદારોને આકર્ષી રહી છે.

સૂત્રો મુજબ, પશ્ચિમ એશિયામાં વર્તમાન અનિશ્ચિતતા અને વૈશ્વિક તેલના ભાવમાં અસ્થિરતા ભારતમાં ઓટોમોટિવ સહિતના ઉદ્યોગોને અસર કરી રહી છે. વધતા ઈંધણ ખર્ચને કારણે ગ્રાહકોના સેન્ટિમેન્ટમાં ફેરફાર આવ્યો છે, જેના કારણે માર્ચમાં EV વેચાણમાં 100 ટકાનો વધારો થયો છે. સૂત્રોએ હાલની સ્થિતિને ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે કોવિડ-મોમેન્ટ ગણાવી હતી.

ગુજરાતમાં કેટલા EV વેચાયા

સરકારના બંદર અને વાહનવ્યવહાર વિભાગે EV પરની સબસિડી વધુ એક વર્ષ માટે લંબાવી છે. જાહેરનામા મુજબ, નોન-EV વાહનો પર 6% ના સામાન્ય RTO ટેક્સ સામે EV પર 1% RTO ટેક્સ સબસિડી 31 માર્ચ, 2027 સુધી ચાલુ રહેશે.  માર્ચ 2026 માં 1.92 લાખથી વધુ વાહનો નોંધાયા હતા, જેમાંથી 11,126 EV હતા - જે કુલ વેચાણના 5.79 ટકા હિસ્સો ધરાવે છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના ડેટા અનુસાર, ગુજરાતમાં માર્ચ 2026 માં 12,729 EV વેચાયા હતા, જે માર્ચ 2025 માં 7,252 યુનિટ હતા. કુલ વેચાણમાં પ્યોર EV વેચાણમાં 111% નો વધારો થયો છે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું હતું કે, સબસિડીની સમયમર્યાદા પહેલા માંગમાં તીવ્ર વધારો થયો હતો. ગ્રાહકો સબસિડી પાછી ખેંચવા અને RTO ખર્ચમાં સંભવિત રૂ. 11,000 ના વધારાથી બચવા માટે ઉતાવળ કરી રહ્યા હતા.  રૂફટોપ સોલર ધરાવતા પ્રોફેશનલ્સ ઓફિસ ઉપયોગ માટે ઓછામાં ઓછું એક EV રાખવાનું પસંદ કરી રહ્યા છે. ઇંધણ પુરવઠાની ચિંતાના કારણે લોકો EV તરફ વળી રહ્યા છે.