Fri Apr 17 2026

Logo

ભારત પાસે કેટલા દિવસ ચાલે એટલું ઈંધણ વધ્યું? સંસદીય સમિતિએ રજૂ કર્યો ચોંકાવનારો રિપોર્ટ...

4 weeks ago
Author: Vimal Prajapati
Article Image

AI Generated Images


નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે સંસદીય સમિતિએ ભારતની ઉર્જા સુરક્ષા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) પ્રોજેક્ટની પ્રગતિ ધીમી પડી છે અને બજેટનો ઉપયોગ પણ ઓછો થઈ રહ્યો છે. આ કારણે તેલ સપ્લાયમાં વિક્ષેપની શક્યતા વધી છે. મહત્વની વાત એ છે કે, સંસદીય સ્થાયી સમિતિએ પોતાના અહેવાલમાં, સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) પ્રોજેક્ટ્સની ધીમી પ્રગતિ અને બજેટ ફાળવણીના ઓછા ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. જેથી ઉર્જા ક્ષેત્ર અંગે ચિંતા થાય તે સ્વાભાવિક છે. 

ભારતની ઉર્જા સુરક્ષા હેઠળ SPR પ્રોજેક્ટમાં વિલંબ

સંસદીય સમિતિના રિપોર્ટ પ્રમાણે વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા દેશે 90 દિવસના વપરાશ જેટલો પેટ્રોલિયમ ઉત્પાદનોનો અનામત રાખવો જોઈએ. પરંતુ સ્થિતિ કંઈક અલગ હોવાના દાવો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના આંકડા પ્રમાણે ભારતમાં 9.5 દિવસનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત (SPR) છે, જ્યારે સરકારી તેલ કંપનીઓ પાસે 64.5 દિવસનો અનામત છે, એટલે કે, અત્યારે ભારત પાસે કુલ 74 દિવસનો પેટ્રોલિયમ ઉત્પાદનોનો અનામત જથ્થો છે. 

ભારત પાસે કેટલો તેલ ભંડાર પડ્યો છે?

વધારે વિગતે વાત કરવામાં આવે તો,ભારત પાસે વિશાખાપટ્ટનમ, મેંગલુરુ અને પાદુરમાં સ્થિત 53.3 લાખ મેટ્રિક ટનની ક્ષમતા જેટલે ભંડાર પડ્યો છે, જેનું સંચાલન ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (ISPRL) દ્વારા કરવામાં આવે છે. હવે SPR ની વાત કરવામાં આવે તો, તો તે કટોકટીના સમયે તેલના ભંડાર માટે બનાવવામાં આવે છે. ભારતે વિશાખાપટ્ટનમ, મેંગલુરુ અને પાડુરમાં ત્રણ ભૂગર્ભ તેલ ભંડાર બનાવ્યા છે, જેમાં 53.3 લાખ ટન ક્રૂડ તેલ રાખી શકાય છે. આ ભંડાર દેશની 9.5 દિવસની જરૂરિયાત પૂરી કરી શકે છે. ફેઝ-2 હેઠળ ઓડિશાના ચંદીખોલ અને પાડુર વિસ્તારથી ક્ષમતા બમણી થશે. 

પાંચ વર્ષ બાદ ફેઝ-2 પ્રોજેક્ટનું કામ અધવચ્ચે કેમ?

સંસદીય સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો તેમાં એક ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. ફેઝ-2 પ્રોજેક્ટ માટે 2 જુલાઈ 2021માં ઓડિશાના ચાંદીખોલ અને કર્ણાટકના પાડુરમાં 65 લાખ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતી બે નવી સ્ટોરેજ સુવિધાઓના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ પાંચ વર્ષ બાદ પણ અહીં કામ પૂર્ણ થયું નથી. આ યોજના માટે પ્રત્યેક નાણાકીય વર્ષમાં બજેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હોવાનો સંસદીય સ્ટેન્ડિંગ કમિટીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. 

સંસદીય સ્ટેન્ડિંગ કમિટીએ શું સલાહ આપી?

આ કમિટી દ્વારા આગામી સમયમાં આ યોજના માટે વ્યવસ્થિત બજેટ તૈયાર કરવામાં આવે તેવી પણ સલાહ આપવામાં આવી છે. કારણ કે, જે પણ બજેટ ફાળવવામાં આવે છે તેમાંથી માત્ર 60થી 70 ટકા રકમનો જ ખર્ચ કરવામાં આવે છે. જે ચિંતાજનક બાબત છે. મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે આ ઉર્જા સુરક્ષા અંગે ધ્યાન રાખવું અતિઆવશ્યક બની જાય છેય કારણ કે સ્થિતિ ક્યારે સામાન્ય થશે તેનો કોઈ અંદાજ નથી.