Fri Apr 17 2026

Logo

પાટનગરમાં NSA અજિત ડોભાલે દેશની સુરક્ષા અંગે વિધાર્થીઓને આપ્યો ગુરુ મંત્ર

2 days ago
Author: Vimal Prajapati
Article Image

ગાંધીનગરઃ ગુજરાતમાં આવેલ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ના દિક્ષાંત સમારોહમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ભાષણ આપ્યું અને દેશની સુરક્ષા અંગે કઈ બાબતો વધારે મહત્વપૂર્ણ છે તે અંગે વાત કરી હતી. દિક્ષાંત સમારોહને સંબોધિત કરતા અજિત ડોભાલે કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા એ માત્ર સેના અને પોલીસની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. લોકોનું મનોબળ મજબૂત હોય તો કોઈ પણ રાષ્ટ્ર સુરક્ષિત રહી શકે છે. 

દિક્ષાંત સમારોહમાં અજિત ડોભાલે આપ્યું ધારદાર ભાષણ

અજિત ડોભાલે કહ્યું કે, બધા યુદ્ધોનો એકમાત્ર ઉદ્દેશ્ય દુશ્મનના મનોબળને તોડવાનો છે. લશ્કરી તાકાતમાં વિવિધ બાબતોને સમાવેશ થાય છે જેના આધારે તેની એકંદર ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રશિયાને અફઘાનિસ્તાનમાંથી અને યુનાઇટેડ સ્ટેટ્સને વિયેતનામમાંથી પાછી જવાની ફરજ પાડી, જો યુએસ અફઘાનિસ્તાનમાં તેના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જયું, તો તે સંસાધનોના અભાવને કારણે નહોતું; ટેકનોલોજી, લશ્કરી શક્તિ અને એકંદર સંપત્તિ તો તેમની પાસે ઘણી હતી પરંતુ ત્યાના લોકોને મનોબળને તેઓ તોડી શક્યાં નહીં. અજિત ડોભાલે ભાર મૂક્યો કે ઉચ્ચ મનોબળ રાખવું સર્વોપરી છે.

NSA અજિત દોભાલે રાષ્ટ્રીય સુરક્ષાને આજેના સમયમાં ઉત્પાદન, ટેકનોલોજી અને આર્થિક સ્વાવલંબન સાથે જોડી રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, સૈન્ય શક્તિ હોવી પર્યાપ્ત નથી. આ કાર્ય ફક્ત સૈન્ય કર્મચારીઓ, પોલીસ દળો અને ગુપ્તચર એજન્સીઓની જવાબદારી નથી. પરંતુ આ ક્ષેત્રમાં કામ કરતા લોકોનું જ્ઞાન, ખાસ કરીને તકનીકી કુશળતા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. 

આજીવન સેવા બદલ 'માનદ ડોક્ટરેટ'થી સન્માનિત કરાયું

RRU દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને રાષ્ટ્રપતિએ રાષ્ટ્ર પ્રત્યેની તેમની આજીવન સેવા બદલ 'માનદ ડોક્ટરેટ'થી સન્માનિત કર્યાં હતાં. આ સન્માન તેમના દૂરંદેશી નેતૃત્વ, વ્યૂહાત્મક કુશળતા અને ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાનની પ્રશંસામાં આપવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અજિત ડોભાલ 2014 થી દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. તેમને ભારતના જેમ્સ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ ડોભાલે સાત વર્ષ સુધી પાકિસ્તાનમાં ગુપ્ત એજન્ટ તરીકે પણ કામ કર્યું છે. જેના કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અજિત ડોભાલ પર ખૂબ વિશ્વાસ કરે છે.