ઓલમોસ્ટ 2000 ફીટની ઊંચાઈ પર પુલપિટ રોક પર જો ચોખ્ખો દિવસ હોત તો નીચે તળેટીનું લાયસેયોર્ડ જોવા મળી શક્યું હોત, પણ લાયસેયોર્ડ અમારે સાવ નજીકથી, તેના કાંઠે ઊભાં રહીને જોવાનું આવ્યું. કોને ખબર હતી કે કોવિડ પછી પહેલી વાર યોર્ડ જોવા મળશે ત્યારે આ વોટરબોડી પ્રત્યે આટલો બધો પ્રેમ ઊમટી આવશે. નદીઓ, સરોવરો અને ઈવન દરિયા કિનારો અવારનવાર જોવા મળી જતાં હતાં, બસ આ યોર્ડ જોવા માટે ખાસ સ્કેન્ડિનેવિયા આવવું પડતું હતું. તેમાંય નોર્વેમાં તો 1500થી વધુ યોર્ડ છે. આમ તો યોર્ડનું ઓરિજિન તો દરિયાથી જ થાય છે, પણ આ દરિયાનું પાણી ઇનલેન્ડ આવીને ત્રણ તરફ ખડકોથી ઘેરાયેલું હોય છે.
મોટાભાગનાં યોર્ડ યુ-શેપમાં દરિયા સાથે જોડાયેલાં હોય છે. યોર્ડના ક્રિએશનમાં ગ્લેશિયરનું પાણી પણ હોય છે, એટલે ઉપર ઉપરથી ત્યાં ભલે મીઠું પાણી હોય, મોટાભાગનાં યોર્ડ ઊંડાં અને નીચે દરિયાના ખારા પાણીથી ભરેલાં હોય છે. હજી આ તો ટ્રિપનો પહેલો હાઇકનો દિવસ હતો. હવે મોટાભાગનો સમય એક યા બીજા યોર્ડની આસપાસ જ વિતાવવાનો હતો.
તે દિવસથી ખડકો કે પહાડોના બેકગ્રાઉન્ડમાં યોર્ડનું પાણી અમાં પરમેનેન્ટ બેકગ્રાઉન્ડ બની જવાનું હતું. પહેલાં તો જ્યાંથી ગાડી નીકળતી, બહાર સતત કોઈ ને કોઈ યોર્ડની ઝલક દેખાતી રહેતી. હવે ફોટા પાડવાનું તો ઘણું ઓછું થઈ ગયું હતું. એવામાં પુલપિટ રોક પર ધાર્યા મુજબના ફોટા ન પાડી શકવાનો પણ જરાય અફસોસ ન થયો. ઘણી વાર તો દસ-પંદર મિનિટની ડ્રાઇવમાં ત્રણ-ચાર યોર્ડ દેખાઈ જતાં.
હવે દરેકનું નામ અને હિસ્ટ્રી તો જાણવા ન મળતાં. પણ અહીં દરેક યોર્ડનું નામ તો હતું જ, તેની સાથે લોકવાયકાઓ પણ જોડાયેલી રહેતી. આ પુલપિટ રોકની અને લાયસેયોર્ડની વાર્તા તો આ ખ્યાતનામ ટૂરિસ્ટ એટ્રેક્શનની શોધ સાથે જ જોડાયેલી છે. એક બ્રિટિશ બેન્ક મેનેજર બોટમાં આ યોર્ડ ફરવા નીકળેલો અને તેનો અનોખો શેપ જોઈને ત્યાં હાઇક કરવા પહોંચી ગયો હતો.
આ ખડકો અને યોર્ડ આસપાસનો વિસ્તાર તો દસ હજાર વર્ષોથી પણ વધુ પૌરાણિક છે. વળી અહીં `સોલબાક' ખડકો પર 3000 વર્ષ પહેલાંનાં ભીંત ચિત્રનું વર્ઝન જોઈને લાગે કે અહીં ત્રણેક મિલેનિયાથી તો વસાહત પણ રહી હોવી જોઈએ. સોલબાક ખડકો પરની કોતરણીની નોર્વેના ઠંડા વેધરમાં ખુદ કુદરતે જ તેની એટલી માવજત કરી છે કે આજે પણ તે ભૂખરા ખડકો પર કોતરેલા પાર્ટનો લાલ રંગ સ્પષ્ટ નજરે પડે છે. તે સમયની જિંદગી, તે સમયના કામધંધા વગેરે આ જ ચિત્રોમાં હોડી, માછલી અને સૂર્યની કોતરણીમાં જોવા મળી જાય છે.
પેટ્રોગ્લિસ તરીકે ઓળખાતાં આ કાર્વિંગ્સ છેક બ્રોન્ઝ એજથી અહીં સમયની વાર્તા અકબંધ રાખીને બેઠાં છે. લાયસેયોર્ડની સૌથી જાણીતી સાઇટ ભલે પુલપિટ રોક હોય, ત્યાં એક વાર જોયા પછી સોલબાકનાં ચિત્રો જ ત્યાંની સૌથી મહત્ત્વની સાઈટ જેવાં લાગવા માંડે. પુલપિટ રોકનો થાક અહીં ક્યાંય ભૂલાઈ ગયો હતો. જોકે થાક ઊતરવામાં પુલપિટ રોકના બેઝ પર પાછાં ફરીને ખાધેલા આઇસક્રીમે પણ મોટો ભાગ ભજવ્યો હતો.
લાયસેયોર્ડનો સીધો સીધો અર્થ જ લાઇટ એટલે કે આછા રંગનો યોર્ડ એવો થાય છે. આ નામ પાછળનું મૂળ કારણ પણ છે તેના ખડકોનો આછો રંગ. આ આખોય વિસ્તાર સાહિત્યકાર વિક્ટર હ્યુગોથી માંડીને અભિનેતા ટોમ ક્રુઝનો મનપસંદ રહૃાો છે. અમને પણ ત્યાંથી નીકળવાની ઇચ્છા નહોતી થતી. ત્યાં હજી વધુ રખડીને થાકવું હતું કે પછી ત્યાંનો થાક ત્યાં જ છોડીને જતાં રહેવું હતું તે નક્કી નહોતું કરી શકાતું.
હાઈક પછી કકડીને ભૂખ પણ લાગી હતી. ત્યાં તો માત્ર સ્નેકનો જ બંદોબસ્ત થઈ શકે તેમ હતું. અને સાથે લાવેલો નાસ્તો હજી બીજા દિવસે જ ખાલી કરી નાખવાનો અમારો કોઈ પ્લાન ન હતો. અમે હજી અહીં `જુતુલ્સ' એટલે કે જાયન્ટ્સની શોધમાં વધુ ફરવા તૈયાર હતાં. આમ તો આખું નોર્વે ટ્રોલ્સ અને જાયન્ટ્સની વાતોથી ભરેલું છે. પણ ત્યાંના ખાસ જુતુલ્સ નામે ઓળખાતા જાયન્ટ્સ લાયસેયોર્ડના ખડકોમાં રહેતાં હોવાની વાત હતી.
આખરે લાયસેનો વિસ્તાર છોડ્યા પછી રીફીલ્કે વિસ્તારમાં આગળ ચાલ્યાં. આ રીફીલ્કે આખા રિજનનું નામ છે. અહીં જ પુલપિટ રોક, ક્જેરાગ હાઇક, લોરલી ગામ, આ ત્રણ મુખ્ય સાઇટ્સ છે. તેને રીફીલ્કેનાં `બીગ થ્રી' કહેવાય છે. આસપાસમાં જ સાલમન ફાર્મથી માંડીને સ્થાનિક વસાહતો, આખા વિસ્તારમાં જોવા માટે એટલું બધું છે કે અમારી ફરવાની ક્ષમતાની હવે કસોટી થવા લાગી હતી. વચ્ચે એક નાનકડા સ્ટ્રેચ પર લાયસેયોર્ડમાં એક નાનકડી ફેરી રાઇડ પણ લઈ જોઈ.
હવે માત્ર યોર્ડ સાઇડ ડાઇનિંગ કરવાનું બાકી હતું. સ્થાનિક ફિશ અને રસ્ટિક પોટેટો સાથે નોર્વેજિયન ગ્લોગ ડ્રિંક સાથે મજા કરી. હવે રાત પહેલાં અમારા નેક્સ્ટ ડેસ્ટિનેશન હોમ પર પહોંચવાનું હતું. દર થોડા અંતર પર ગાડીને ફેરીમાં નાખીને ફરી કોઈ યોર્ડ પાર કરવાનું આવી જતું હતું. સવારે હતી તે યોર્ડ માટેની બધી નવીનતા એક જ દિવસમાં હવે પૂરી થઈ ચૂકી હતી.
તે રાત્રે એપાર્ટમેન્ટ પહોંચ્યાં ત્યાં બાલ્કની જ સીધી યોર્ડ પર ખૂલતી હતી. અહીંથી લામ બ્હાન અને બાકીનાં વિસ્તારમાં બે રાત વિતાવવાની હતી. રોજ થોડી હાઇક તો થવાની જ હતી. થોડી બાઇક રાઈડ, થોડી ટ્રેન, બધું જ એક સાથે અનુભવવા મળી ગયું.
નોર્વે રોજ દરેક દિશામાં એકધાં સૌંદર્ય બતાવ્યે જતું હતું, અને છતાંય દરેક દૃશ્ય નવું અને અનોખું લાગતું હતું. અને દરેક દૃશ્યમાં પેલાં સોલબાકનાં પેટ્રોગ્લિફની કોતરણીમાં દેખાયેલાં ચિત્રોનું કોઈ ને કોઈ એલિમેન્ટ જરૂર દેખાઈ જતું હતું.