Fri Apr 17 2026

Logo

જો ભી હો તુમ ખુદા કી કસમ, લાજવાબ હો!

1 month ago
Author: Mumbaisamachar Team
Article Image

 

હેન્રી શાસ્ત્રી

રવિશંકર શર્મા... 
હિન્દી ફિલ્મ ઉદ્યોગના સુવર્ણ દોરના સંગીતકારોમાં એક નામ રવિ (જન્મ ત્રીજી માર્ચ,1926) તરીકે નામના મેળવનાર સંગીતકારનું સુધ્ધાં હતું. જોકે, નૌશાદ, એસ. ડી. બર્મન, શંકર-જયકિશન ઈત્યાદિ સંગીતકાર જેટલા ગુણગાન રવિના નથી ગવાયા અને તેમના યોગદાનને એટલું ઊંચું નથી આંકવામાં આવ્યું એ હકીકત છે માટે એમની બહુમુખી પ્રતિભા જોતા તેમની સાથે અન્યાય થયો છે એમ કહીએ તો ખોટું નથી...અલબત્ત, સંગીતના સૂક્ષ્મ અભ્યાસુઓના અભિપ્રાય અનુસાર હેમંત કુમારના સહાયક રહ્યા હોવાથી એમની શરૂઆતની ધૂનોમાં હેમંતદાની અસર વર્તાતી હતી. અમુક વખતે તે સ્ટીરિયો ટાઇપ હોવાની દલીલ પણ કરવામાં આવી હતી. આમ છતાં, તેમના વૈવિધ્ય પ્રત્યે આંખ આડા કાન ન કરી શકાય.

એક સમય હતો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે ગીતકાર-સંગીતકારની જોડી જામતી. સંગીતકાર નૌશાદ સાથે યાદગાર જોડી બનાવનારા ગીતકાર શકીલ બદાયૂંની સાથે રવિની પણ જોડી જામી હતી. આ જોડીએ 1960ના દાયકામાં દસેક ફિલ્મ આપી અને ઘણા યાદગાર ગીત આપ્યાં, જેમાંથી અમુક તો આજે પણ લોકો ગણગણતા જોવા મળશે. 

એ જોડીની પ્રથમ ફિલ્મ હતી ‘ચૌદહવી કા ચાંદ’. ગુરુ દત્તના પ્રિય સંગીતકાર તો સચિન દેવ બર્મન હતા. જોકે, ‘કાગઝ કે ફૂલ’ની નિષ્ફળતા પછી બંનેએ સાથે કામ નહીં કરવાનો નિર્ણય લીધો હતો.. લખનઊની ભૂમિ પરની કથા પર આધારિત ફિલ્મમાં લખનવી અંદાજને પકડવામાં કાબેલ શકીલને ગીત લખવાની જવાબદારી સોંપી અને સંગીતનું સુકાન સોંપ્યું રવિને. જોડીએ કમાલ કરી અને અવિસ્મરણીય ગીતો આપ્યાં. 

ટાઈટલ સોંગ ‘ચૌદહવી કા ચાંદ હો યા આફતાબ હો, જો ભી હો તુમ ખુદાકી કસમ લાજવાબ હો’ પ્રિયતમાની પ્રશંસાનું અલાયદું નિરૂપણ છે. વહિદા રેહમાનનું સૌંદર્ય, રફીનો મુલાયમ અવાજ, શકીલસાબની કલમમાંથી નીતરતો સ્નેહ અને રવિની સરળ પણ દિલને સ્પર્શી જનારા સ્વરાંકને ગીતને શાશ્વત બનાવી દીધું છે. 

ફિલ્મના અન્ય ગીત (દિલ કી કહાની રંગ લાઈ હૈ, મિલી ખાક મેં મોહબ્બત, બદલે બદલે સે મેરે સરકાર નઝર આતે હૈં) પણ યાદગાર છે. આ ફિલ્મ પછી ગુરુ દત્તના બેનરમાં બે જ ફિલ્મ (સાહિબ બીબી ઔર ગુલામ અને બહારેં ફિર ભી આયેગી) બનાવી પણ રવિને ફરી તક ન આપી એ હકીકત છે. ડિસ્ટિંકશન સાથે પાસ થયા પછી પણ કોલેજ એડમિશન ન આપે ત્યારે વિદ્યાર્થીને જે લાગણી થાય એવી જ લાગણી રવિએ અનુભવી હશે.

બીજી તરફ બી. આર. ચોપડા એક પ્રભાવી અને આદરણીય નિર્માણ ગૃહ તરીકે પંકાયું હતું. ચોપડા સાહેબ એક ફિલ્મમેકર હતા જેમણે ફિલ્મની કથા-પટકથા-સંવાદ જેટલું જ મહત્ત્વ ફિલ્મના ગીત-સંગીતને આપવાની કાયમ કોશિશ કરી છે. ચોપડા ભાઈઓને (બલદેવ રાજ+યશ) ગીતકાર સાહિર લુધિયાનવી માટે જબરદસ્ત લગાવ હતો. અલબત્ત, તેમની ફિલ્મોમાં સંગીતકાર અલગ અલગ જોવા મળ્યા. તેમના નિર્માણ હેઠળની પ્રથમ ફિલ્મ ‘એક હી રાસ્તા’માં સ્વરાંકન હેમંત કુમારનું હતું. ત્યારબાદ ‘નયા દૌર’માં ઓ.પી. નય્યરની હાજરી હતી. પછીની બે સામાજિક મુદ્દો મૂળમાં ધરાવતા ચિત્રપટમાં સંગીતકાર હતા એસ. ડી. બર્મનના સહાયક તરીકે કામ કરનારા એન. દત્તા. 

1963માં આવેલી ‘ગુમરાહ’માં બી. આર. ચોપડાએ પ્રથમ વાર રવિને મોકો આપ્યો. ‘આપ આયે તો ખયાલ - એ - દિલ - એ - નાશાદ આયા’, ‘ચલો એક બાર ફિર સે અજનબી બન જાએ હમ દોનો’, ‘ઈન હવાઓં મેં ઈન ફિઝાઓં મેં તુજકો મેરા પ્યાર પુકારે’... ફિલ્મ સાથે સંગીત પણ સુપરડુપર હિટ. સંગીતકાર રવિને ચોપડા છાવણીમાં સ્થાન મળી ગયું. રવિ પણ ખીલ્યા અને લાગલગાટ ચાર ફિલ્મોમાં અવિસ્મરણીય સંગીત આપ્યું- ‘વક્ત’ (અય મેરી જોહરા જબી, આગે ભી જાને ના તૂ), ‘હમરાઝ’ (નીલે ગગન કે તલે, ના મૂંહ છુપા કે જીઓ) અને ‘આદમી ઔર ઈન્સાન’ (જાગેગા ઈન્સાન ઝમાના દેખેગા, દિલ કરતા ઓ યારા દિલદારા મેરા દિલ કરતા). 

આ ચારેચાર ફિલ્મોની વાત નીકળે ત્યારે એની સફળતામાં ગીત-સંગીતના નોંધપાત્ર યોગદાનનો અવશ્ય ઉલ્લેખ થાય તેમ છતાં ‘ધૂંદ’ (ઉલઝન સુલઝેના, સંસાર કી હર શય કા) પછી બી. આર. ચોપડાએ રવિના નામ પર ચોકડી મારી દીધી. ‘ધૂંદ’ પછી બી. આર. ફિલ્મ્સના નિર્માણ હેઠળ આઠ ફિલ્મ બની, પણ સમ ખાવા પૂરતી એક સુધ્ધાં ફિલ્મના ગીત-સંગીત યાદગાર સાબિત ન થયા. ‘નિકાહ’થી રવિનું પુનરાગમન થયું અને રવિએ એ સમયે એકદમ અજાણી સલમા આગાને ગાયિકા તરીકે સ્થાપિત કરવામાં મોટું યોગદાન આપ્યું. 

‘દિલ કે અરમાં આંસુઓ મેં બહ ગયે’ ગીતથી સલમા આગાને અફાટ લોકપ્રિયતા મળી. સિવાય ‘ફઝા ભી હૈ જવાં જવાં’ અને ‘ચેહરા છુપા લિયા હૈ કીસીને’ ગીત પણ રસિકોને પસંદ પડ્યા હતા. ત્યારબાદ સલમા આગાએ દસેક હિન્દી ફિલ્મ કરી, પણ એમાંના એક સુધ્ધાં ગીતને ‘નિકાહ’ની 50 ટકા લોકપ્રિયતા પણ ન મળી.

એક કુશળ સંગીતકાર હોવા ઉપરાંત રવિનું ગીતકાર તરીકે યોગદાન કાં તો ધ્યાનમાં જ નથી આવ્યું અથવા એની અવગણના થઈ છે અને એ બાબત સદંતર વિસરાઈ ગઈ છે. સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘વચન’માં આઠ ગીત હતાં, જેમાંથી બે ગીત ખુદ રવિએ લખ્યા હતા અને એ બંને ગીત ફિલ્મના સર્વોત્તમ ગીત સાબિત થયા હતા: ‘ચંદા મામા દૂર કે પૂએપકાએં બૂર કે’ અને ‘ઓ જાને વાલેબાબુ એક પૈસા દે દે’. 

અલબત્ત, એક ખેદજનક વાત એ છે કે રવિએ લખેલા કેટલાક પ્રમુખ ગીતને ‘ભિખારીનાં ગીતો’નું લેબલ મારવામાં આવ્યું હતું, કારણ કે એ ગીતનું પડદા પર ફિલ્માંકન ભિખારીઓ પર કરવામાં આવ્યું હતું. તેમણે રોમેન્ટિક ગીતો (ગોરી તુજે આના પડેગા-અલબેલી) અને હાલરડાં (ટીમ ટીમ કરતે તારે-ચિરાગ કહાં, રોશની કહાં) પણ લખ્યા છે. આમ સંગીતકાર રવિનું યોગદાન એટલું વ્યાપક છે કે એક લેખમાં સમાવી ન શકાય. અન્ય લેખમાં એમના બીજાં યાદગાર ગીતો અને ગાયક સાથેની જોડીની ફરી વાત કરીશું કયારેક્...