Sat Apr 18 2026

Logo

મનોરંજનનું મેઘધનુષ: રાજકુમાર રાવ

13 hours ago
Author: Umesh Trivedi
Article Image

મનોજ બાજપાઈને જોઈ ફિલ્મોમાં અભિનય કરવાનું નક્કી કર્યું 

ઉમેશ ત્રિવેદી
રાજકુમાર રાવને અત્યારે કોણ નથી ઓળખતું? એક પ્રતિભાશાળી અભિનેતા તરીકે અત્યારે લોકો તેને ઓળખે છે, પણ, 2010માં તેણે જે પહેલી ફિલ્મ કરી એ ‘મલ્ટિસ્ટારર’ હતી અને તેમાં તેની ભૂમિકા ખૂબ જ નાની હતી, તે એટલે સુધી કે એ ફિલ્મમાં રાજકુમાર રાવ ક્યારે આવે છે? એવો પ્રશ્ર્ન પણ થાય.

રામગોપાલ વર્માની એ ફિલ્મ હતી ‘રણ’. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રિતેશ દેશમુખ, પરેશ રાવલ, મોહનીશ બહલ, રાજપાલ યાદવ, સુચિતા કૃષ્ણમૂર્તિ, ગુલ પનાગ, ઈત્યાદિ જેવા જાણીતાં કલાકારો હતાં અને તેમાં રાજકુમાર રાવે એક ‘ન્યૂઝ રિપોર્ટર’ની નાનકડી ભૂમિકા કરી હતી.

પહેલી જ ફિલ્મમાં માત્ર બે-ત્રણ દૃશ્યો આવ્યાં હતાં અને સામે આવા દિગ્ગજ કલાકારો હતા એટલે રાજકુમાર રાવની નોંધ ન લેવાઈ. પણ પ્રતિભાશાળી કલાકાર લાંબો સમય સુધી ગુમનામ રહી શકતો નથી અને રાજકુમાર રાવે તો પુણેમાં આવેલી ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા’માં તાલીમ લીધી હતી.


રાજકુમાર રાવનું ખરું નામ રાજકુમાર યાદવ છે. હરિયાણાના ગુડગાંવમાં તેનો જન્મ થયો છે. 1984માં જન્મેલા રાજકુમારે દિલ્હીમાં શિક્ષણ પૂરું કર્યું છે, દિલ્હી યુનિવર્સિટીની આત્મારામ સનાતન ધર્મ કોલેજમાં ભણતી વખતે તેણે ક્ષિતિજ ગ્રૂપમાં નાટકોમાં ભાગ લીધો હતો. પણ ત્યાં સુધી તેણે અભિનેતા બનવાનો વિચાર કર્યો નહોતો. એ દરમિયાન તેણે મનોજ બાજપાઈને એક ફિલ્મમાં જોયો હતો.


મનોજ બાજપાઈનો અભિનય જોઈને તેને થયું કે તે પણ આ રીતે અભિનેતા બની શકે એમ છે અને તેણે અભિનયની તાલીમ મેળવવા માટે ‘એફટીઆઈઆઈ’નો કોર્સ પૂરો કર્યો અને પછી મુંબઈ આવીને લગભગ એક વર્ષ સુધી તેણે નિર્માતા-દિગ્દર્શકોની ઓફિસના ચક્કર કાપ્યા હતા. તેમાં 2010માં રામગોપાલ વર્માની રાજકીય કાવાદાવા ધરાવતી ફિલ્મ ‘રણ’માં નાનકડી ભૂમિકા મળી તો સ્વીકારી લીધી. 


આ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન જ તેને એકતા કપૂરની ફિલ્મ ‘લવ, સેક્સ એન્ડ ધોખા’માં કામ મળ્યું અને આ ફિલ્મથી તેની કારકિર્દીને વેગ મળ્યો. ફિલ્મ ‘લવ, સેક્સ એન્ડ ધોખા’ માટે તેણે છ કિલો વજન ઉતાર્યું હતું. એમાં તેની નોંધ લેવાઈ અને એવી છાપ ઊભી થઈ કે આ અભિનેતા ફિલ્મની ભૂમિકા માટે કોઈ પણ જાતની મહેનત કરવા તૈયાર છે.


અત્યાર સુધીની કારકિર્દી દરમિયાન રાજકુમાર રાવે એક નેશનલ એવોર્ડ અને પાંચ વાર ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા છે. 2012માં આવેલી ‘શાહિદ’ નામની ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડ મળ્યો હતો. અભિનય કારકિર્દીની શરૂઆત 2010માં કરી અને માત્ર બે જ વર્ષની કારકિર્દીમાં જ એટલે કે 2012માં તેણે આ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મેળવીને પોતાને સાબિત કરી આપ્યો હતો.


રાજકુમારે તેની મૂળ અટક યાદવ બદલીને રાવ 2014માં કરી છે. આટલું જ નહીં, તેણે પોતાના નામમાં એક વધારાનો ‘એમ’ ઉમેર્યો છે. રાજકુમારે આ માટે તેની માતાને જવાબદાર ગણી છે. તેની માતા શિક્ષિકા હતી અને તે ન્યુમરોલોજીમાં માનતી હતી એટલે તેનાં કહેવાથી રાજકુમારે તેનાં નામનાં એક ‘એમ’ ઉમેર્યો છે.


આ દરમિયાન રાજકુમાર રાવની કારકિર્દી શરૂ થઈ ત્યારથી જ તે અને પત્રલેખા એકબીજાને ઓળખતાં હતાં. આ ઓળખાણ પ્રેમમાં પરિણમી અને લગભગ 11 વર્ષના પ્રેમસંબંધ પછી તેમણે 15મી નવેમ્બર-2021ના પારંપરિક હિન્દુ વિધિ પ્રમાણે ચંડીગઢમાં લગ્ન કર્યા છે અને 2025માં તેમના ઘરે પુત્રીનો જન્મ થયો છે.


રાજકુમાર રાવ અને પત્રલેખાએ 2014માં આવેલી હંસલ મહેતા દિગ્દર્શિત ફિલ્મ ‘સિટી લાઈટ્સ’માં સાથે કામ કર્યું હતું. ત્યાર પછી 2017માં આવેલી વેબ સીરિઝ ‘બોઝ: ડેડ ઓર અલાઈવ’માં પણ સાથે કામ કર્યું હતું, જે રાજકુમારની પહેલી વેબ સીરિઝ હતી.

કારકિર્દીની શરૂઆતથી જ રાજકુમારે પોતાની અલગ જગ્યા ઊભી કરી દીધી છે. ‘શાહિદ’ ફિલ્મ પછી 2024માં આવેલી ‘શ્રીકાંત’ ફિલ્મમાં પણ રાજકુમાર રાવે એક જીવંત વ્યક્તિ આધારિત પાત્ર ભજવ્યું હતું. તેમાં પણ તેનાં અભિનયના ખૂબ જ વખાણ થયા હતા. આ ફિલ્મ એવા ઉદ્યોગપતિના જીવન પર હતી જે લગભગ દૃષ્ટિહીન છે, પણ જીવનમાં સંઘર્ષ કરીને તે આગળ વધે છે અને એક ઉદ્યોગપતિ તરીકે નામના મેળવે છે.


2024માં આવેલી આ ફિલ્મના થોડાં સમય પછી જ રાજકુમાર રાવની ‘સ્ત્રી-ટુ’ ફિલ્મ આવી હતી. આ ફિલ્મ અને શ્રીકાંત વચ્ચે જરાય સામ્ય નહોતું. પણ રાજકુમારે બંને ભૂમિકાને ન્યાય આપ્યો હતો.


‘સ્ત્રી-ટુ’ ફિલ્મ માત્ર 105 કરોડના બજેટ સાથે બની હતી અને એ ફિલ્મે બોક્સ ઓફિસ ગજાવી રૂ. 874 કરોડની કમાણી કરી હતી. જે રાજકુમાર રાવની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મ ગણાય છે.


રાજકુમારે 15 વર્ષમાં લાંબી મજલ કાપી છે અને તેણે પણ ‘ફલોપ’ અને ‘હીટ’નું ચક્કર જોયું છે. જોકે, ફિલ્મમાં પણ રાજકુમારના અભિનયના વખાણ થાય જ છે એટલે એક અભિનેતા તરીકે તે પોતાને સાબિત કરી શકયો છે.


આજે રાજકુમાર રાવ કમર્શિયલી હીટ ફિલ્મ આપનાર કલાકાર તરીકે આગળ પડતો છે, ત્યારે જ આ 15 એપ્રિલે તેની નવી ફિલ્મ ‘ટોસ્ટર’ સીધી ઓટીટી પર રજૂ થાય તો નવાઈ લાગે છે.


OTTનું હોટસ્પોટઃ 17થી 24 એપ્રિલ દરમિયાન શું શું જોવા જેવું છે....

આગામી અઠવાડિયે એટલે કે 17થી 24 એપ્રિલ દરમિયાન અનેક નવી અંગ્રેજી ફિલ્મો અને સીરિઝનું આગમન થઈ રહ્યું છે.

*ઝી ફાઈવ:  આ ઓટીટી ચેનલ પર અત્યારની સૌથી વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી-ટુ’નું 24મીએ પ્રસારણ થવાનું છે. વિપુલ અમૃતલાલ શાહ લીખિત અને નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન કામાખ્યા નારાયણ સિંહનું છે અને મુખ્ય ભૂમિકા ઉલ્કા ગુપ્તા, ઐશ્ર્વર્યા ઓઝા અને અદિતિ ભાટિયાની છે. ‘ધુરંધર-ટુ’ની આંધી વચ્ચે પણ આ ફિલ્મ ટકી રહી છે.


*નેટફિલક્સ: આ ઓટીટી ચેનલ પર 15 એપ્રિલથી ‘ટોસ્ટર’નું પ્રસારણ શરૂ થઈ ચૂક્યું છે. આ સિવાય 24 એપ્રિલે થ્રીલર ‘એપેક્સ’ 21 એપ્રિલે થ્રીલર ‘અનચોઝન’ અને 23 એપ્રિલે ‘સ્ટ્રેન્જર થિંગ્સ ટેલ્સ ફ્રોમ 85’ નામની એનિમેશન ફિલ્મ રજૂ થશે અને 23 એપ્રિલે જ કોમેડી ક્રાઈમ ડ્રામા ‘ફલન્કડ’ રજૂ થશે.


*એમેઝોન પ્રાઈમ: અહીં 19 એપ્રિલે ‘ફ્રોમ’ની ચોથી સીઝનની શરૂઆત થશે. 20 એપ્રિલે ‘કેવિન’ની પહેલી સીઝનની શરૂઆત થશે, તો 24 એપ્રિલથી ‘નોટી બિઝનેસ’ નામની કોમેડી સીરિઝ શરૂ થવાની છે.


* જિયો હોટસ્ટાર: અહીં 18 એપ્રિલે ‘કોમેડી કૂકસ’ નામની સીરિઝ શરૂ થઈ રહી છે.

આ સિવાય ‘વીક એન્ડ’માં આઈપીએલની ચાર મેચનો જે રોમાંચ માણવા મળે એ નફામાં !