ભુજઃકચ્છના મુંદ્રા બંદર પરથી વર્ષ ૨૦૨૧માં ઝડપાયેલા રૂા. ૩,૦૦૦ કરોડના હેરોઈનના ચકચારી કેસમાં ગુજરાત હાઈ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. નામદાર અદાલતે આ કેસના ત્રીજા આરોપી હરપ્રિતસિંહ તલવાર ઉર્ફે કબીરને 'ટ્રાયલમાં થયેલા અસાધારણ વિલંબ'ને મુખ્ય ગ્રાઉન્ડ ગણીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર ૨૦૨૧માં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા મુંદ્રા બંદર પર દરોડો પાડીને અફઘાનિસ્તાનથી ટેલકમ પાવડરની આડમાં લાવવામાં આવેલું ૨,૯૮૮ કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ૩,૦૦૦ કરોડની કિંમત ધરાવતા આ ડ્રગ્સ કન્સાઈનમેન્ટની તપાસ બાદમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી હતી.
જામીન અરજી પરની સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે તપાસ એજન્સીની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઉઠાવતા નોંધ્યું હતું કે, તમામ ૨૩ સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ટ્રાયલ પૂરી થવામાં હજુ અનિશ્ચિત સમય લાગે તેમ છે. અદાલતે મક્કમપણે જણાવ્યું હતું કે, માત્ર ગુનાની ગંભીરતાને આધારે કોઈ પણ આરોપીને અનંતકાળ સુધી જેલમાં રાખી શકાય નહીં. આટલા મોટા આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં કાર્યવાહી શરૂ કરવામાં થયેલો વિલંબ ન્યાયિક દ્રષ્ટિએ ચિંતાનો વિષય છે.
આરોપી હરપ્રિતસિંહની ભૂમિકા સંદર્ભે તમામ સાક્ષીઓની ઉલટતપાસ પૂરી થઈ ગઈ હોવાથી કોર્ટે તેને જામીન પર મુક્ત કરવા મંજૂરી આપી છે. કાનૂની નિષ્ણાતો માની રહ્યા છે કે હાઈ કોર્ટનો આ ચુકાદો આગામી સમયમાં એનડીપીએસ એક્ટ હેઠળના અન્ય ગંભીર કેસોમાં એક મહત્વની ન્યાયિક ઉદાહરણ બની રહેશે.
(ઉત્સવ વૈદ્ય)