મોરબીઃ ઈરાન યુદ્ધની અસર ગુજરાતના મોટાભાગના વેપાર ધંધા પર પડી છે.મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાનામાં ગેસના અભાવ અને ઊંચા ભાવને કારણે વેકેશન લંબાવવામાં આવ્યું છે. સિરામિક વોલ ટાઇલ્સ એસોસિએશનની બેઠકમાં 1 મે, 2026 સુધી કારખાના બંધ રાખવાનો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેની મોરબીના સિરામિક ઉદ્યોગ પર માઠી અસર પડી છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતો પ્રોપેન ગેસ અગાઉ મળતો બંધ થયો હતો જેથી 450 જેટલા કારખાના બંધ થઈ ગયા હતા, ત્યારબાદ નેચરલ ગેસ પણ પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાથી ઉદ્યોગકારોની મુશ્કેલી વધી ગઈ હતી. યુદ્ધ પહેલા જે નેચરલ ગેસ રૂ. 41 પ્રતિ ક્યુબિક મીટરના ભાવે મળતો હતો, તેનો ભાવ હાલમાં રૂ. 92 થી રૂ. 94 થયો છે. ટેક્સ સાથે આ ભાવ રૂ. 104 થી રૂ. 105 પ્રતિ ક્યુબિક મીટર પહોંચવાની શક્યતા છે.
મોરબીમાં 161 જેટલા વોલ ટાઇલ્સના કારખાના છે તે તમામ ઉદ્યોગકારોની મીટિંગ મળી હતી. જેમાં યુદ્ધના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાને રાખીને સિરામિક કારખાનોઓ અગાઉ 15 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તેમાં વધુ 15 દિવસનો વધારો કરીને આગામી 1 મે સુધી તમામ કારખાના બંધ રાખવા માટેનો નિર્ણય કરાયો હતો. આવી જ રીતે પાર્કિંગ ટાઈલ્સ, પોરસોલીન ટાઈલ્સ અને ડબલ ચાર્જ ટાઈલ્સ બનાવતા યુનિટ પણ 1 મે સુધી બંધ રાખવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું કે, મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો ભાવ ઘણો વધી ગયો છે. અગાઉ જે ગેસ 41 રૂપિયાના ભાવથી મળતો હતો તે હવે ટેક્સ સાથે 104 થી 105 રૂપિયાના ભાવે મળે તેવી શક્યતા છે. આ ભાવથી ગેસ મેળવીને જો કારખાના ચાલુ કરવામાં આવે અને સિરામિક પ્રોડક્ટ ઉપર ભાવ વધારો કરવામાં આવે તો માર્કેટમાં પ્રતિસાદ મળે તેવું હાલ લાગતું નથી. જેથી પ્લાન શરૂ કરવાના બાદલે ગેસના ભાવ ઘટે અને સરકાર વેટમાં રાહત આપે ત્યારે 1 મેથી પ્રોડક્શન શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.