Fri Apr 17 2026

Logo

મોરબીનો સિરામિક ઉદ્યોગમાં સંકટમાં, હોર્મુઝની ખાડીથી ગેસ સપ્લાય ઠપ્પ થતા 25 દિવસનું વેકેશન જાહેર

4 weeks ago
Author: MayurKumar Patel
Article Image

મોરબીઃ ઇરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગેસ ન મળવાથી સૌથી વધુ અસર સિરામિક ઉદ્યોગો પર પડી છે. ગેસ કટોકટીને કારણે મોરબીમાં હાલમાં 200જેટલા  એકમો બંધ થઇ જતા આ એકમોમાં કામ કરતા હજારો  શ્રમિકોની રોજીરોટી પર માઠી અસર પડી  છે. હોર્મુઝની ખાડી બંધ થવાને કારણે મોરબીને મળતો ગેસ સપ્લાય ખોરવાઈ ગયો છે, જેના પરિણામે આ વિસ્તારના મોટાભાગના સિરામિક એકમોમાં ઉત્પાદન અટકી પડ્યું છે. ગેસની અછતને કારણે ઘણા એકમો અગાઉથી જ બંધ થઈ ગયા હતા, ત્યારે હવે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા બાકીના એકમોમાં પણ કામકાજ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિશ્વના ત્રણ સૌથી મોટા સિરામિક ક્લસ્ટરમાં સ્થાન

મોરબી વિશ્વના ત્રણ સૌથી મોટા સિરામિક ક્લસ્ટરોમાં સ્થાન ધરાવે છે, જ્યાં ફ્લોર અને વોલ ટાઇલ્સ, વિટ્રિફાઇડ ટાઇલ્સ, સેનિટરી વેર અને ઇન્ડસ્ટ્રિયલ સિરામિક્સ જેવી વિવિધ પ્રોડક્ટ્સનું ઉત્પાદન થાય છે. આ ઉદ્યોગ સંપૂર્ણપણે કુદરતી ગેસ પર નિર્ભર છે, જે મુખ્યત્વે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ  દેશોમાંથી મેળવવામાં આવે છે.

25 દિવસનું વેકેશન જાહેર

સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં મોરબીમાં કુલ 627 સિરામિક ઉત્પાદક એકમો છે. તેમાંથી 430 ટાઇલ્સ ઉત્પાદક એકમો ગેસના અભાવે પહેલેથી જ બંધ થઈ ગયા છે. આશરે 150 જેટલા સેનિટરી વેર એકમો હાલમાં ચાલુ છે, કારણ કે તેમની ગેસની જરૂરિયાત પ્રમાણમાં ઓછી છે. તેમણે ઉમેર્યું હતું કે મંગળવારે મળેલી એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એસોસિએશને આગામી 20 થી 25 દિવસ માટે બાકીના તમામ સિરામિક એકમોમાં કામગીરી સ્થગિત રાખવાનું નક્કી કર્યું છે. 10 થી 15 એપ્રિલની આસપાસ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.  પ્રાદેશિક તણાવ ઓછો થયા પછી ગલ્ફ દેશો તરફથી માંગ ફરી વધી શકે છે તેવી આશા રાખવામાં આવી રહી છે. 

પરપ્રાંતીયોએ શરૂ કરી હિજરત

મોરબી સિરામિક ઉદ્યોગમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા અને રાજસ્થાન સહિતના રાજ્યમાંથી શ્રમિકો રોજીરોટી અર્થે આવતા હોય છે. એકમો બંધ થવાના કારણે અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકોની મોટી હિજરત શરૂ થઈ ગઈ છે.  

5 લાખથુ વધુ લોકોને રોજગારી

મોરબીનો સિરામિક ઉદ્યોગ 5 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે, જેમાં 50,000 લોકો પ્રત્યક્ષ રીતે જોડાયેલા છે. તેનું વાર્ષિક ઉત્પાદન રૂ. 60,000 કરોડથી વધુ છે, જેમાંથી રૂ. 20,000 કરોડની નિકાસ થાય છે. માત્ર 20 દિવસનો બંધ પણ મહેસૂલ અને વિદેશી હૂંડિયામણમાં મોટું નુકસાન પહોંચાડી શકે છે, જે દર્શાવે છે કે આ વૈશ્વિક સ્તરનું ઉદ્યોગ કેન્દ્ર ઊર્જા પુરવઠામાં આવતા વિક્ષેપો પ્રત્યે કેટલું સંવેદનશીલ છે.  વિશ્વભરમાં જાણીતા મોરબીના સિરામિક ઉદ્યોગમાં પ્રતિદિન અગાઉ સરેરાશ 8000  જેટલા ટ્રકોની અવરજવર રહેતી હતી, જે ઘટીને હાલમાં માત્ર 200 ટ્રકો જ થઈ ગઈ છે.