Fri Apr 17 2026

Logo

ભૂલી જજો કે યુદ્ધ અટકતા જ મોંઘવારી ઘટશે! તેલ પુરવઠો સામાન્ય થતાં લાગશે મહિનાઓ; આ રહ્યા મુખ્ય કારણો..

3 weeks ago
Author: Darshna Visaria
Article Image

મધ્ય પૂર્વ (Middle East)માં ચાલી રહેલો ભીષણ સંઘર્ષ અત્યારે ચરમસીમા પર છે. મિસાઈલ અને ડ્રોન હુમલાઓ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સાથેની ડીલ અંગેના સકારાત્મક સંકેતોએ શાંતિની આશા જગાવી છે. પરંતુ, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આજે જ યુદ્ધ વિરામ થઈ જાય, તો શું વિશ્વભરમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો અને કિંમતો તરત જ સામાન્ય થઈ જશે? આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે વિસ્તારથી ચર્ચા કરીશુ... 

નિષ્ણાતોના મતે, યુદ્ધ રોકાયા પછી પણ તેલ પુરવઠાને પાટા પર આવતા મહિનાઓનો સમય લાગી શકે છે. નિષ્ણાતો અને તેલ વિશ્લેષકોની સપ્લાય ચેઈન પુનઃસ્થાપિત કરવા માટે નીચેના તબક્કાઓમાંથી પસાર થવું પડશે. તેલ પુરવઠાની રિકવરી માટે સૌથી પહેલું પગલું પર્સિયન ગલ્ફ (Persian Gulf)માં જહાજોની અવરજવર સુરક્ષિત બનાવવી પડશે. જો યુદ્ધ આજે અટકે, તો પણ દરિયાઈ માર્ગે શિપિંગ સેવાઓ સામાન્ય થતા અંદાજે બે અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. 

એક વખત શિપિંગ શરૂ થઈ જાય એ પછી પણ તેલના ઉત્પાદનને યુદ્ધ પહેલાંના સ્તર પર લાવવા માટે ઓછામાં ઓછા બે મહિનાનો સમયગાળો તો લાગી જ જશે. યુદ્ધ દરમિયાન ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર પડી હોય છે, જેને પુનઃજીવિત કરવામાં ટેકનિકલ પડકારો નડે છે એટલે પૂરવઠો પૂર્વવત્ થવા માટે સમય લાગે છે. 

ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ફાટી નીકળેલું આ યુદ્ધ સત્તાવાર રીતે બંધ થયા પછી પણ ખતરો ટળી જશે એવું વિચારી રહ્યા હોવ તો એવું નથી. ઈરાન સમર્થિત જૂથો 'હોર્મુઝની સામુદ્રધુની'માંથી પસાર થતા જહાજોને નાના ડ્રોન કે સસ્તા હથિયારોથી નિશાન બનાવી શકે છે, જે સતત ડરનો માહોલ જાળવી રાખશે.

વાત કરીએ વર્તમાન ઓઈલ સ્ટોરેજ અને પ્રોડક્શનની સ્થિતિની યુદ્ધને કારણે ખાડી દેશોમાં તેલના સંગ્રહની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. સાઉદી અરેબિયાની વાત કરીએ તો અહીં ઓઈલ રિઝર્વની ક્ષમતા લગભગ પૂરી થઈ ગઈ છે. જો સંગ્રહ કરવાની જગ્યા નહીં વધે, તો સાઉદીએ ઉત્પાદન બંધ કરવું પડી શકે છે. આ સિવાય ઈરાકમાં પણ સંગ્રહ ક્ષમતા ખતમ થઈ રહી છે. અહીં ઉત્પાદન પહેલાથી જ 70 ટકાથી ઘટીને માત્ર 13 લાખ બેરલ પ્રતિ દિવસ રહી ગયું છે. 

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હાલમાં પરિસ્થિતિ તણાવથી ભરપૂર હોવાને કારણે પાઈપલાઈન દ્વારા તેલ મોકલવાના વિકલ્પો મર્યાદિત છે અને સુરક્ષાની દૃષ્ટિએ જોખમી છે. ટૂંકમાં કહેવાનું થાય તો જો યુદ્ધ આજે પણ રોકાઈ જાય તો પણ પરિસ્થિતીને થાળે પડતાં એટલિસ્ટ બેથી ત્રણ મહિના તો થઈ જ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી...