Fri Apr 17 2026

Logo

ઉનાવામાં કાર ડિવાઈડર સાથે અથડાતા એક જ પરિવારના 4 લોકોના મોતથી અરેરાટી

1 month ago
Author: Mumbaisamachar Team
Article Image

મહેસાણાઃ ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. ગઈકાલે કપરાડાના કુંભઘાટ પર ટ્રક અને કાર વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના 7 સભ્યોના કરૂણ મોત થયા હતા. આજે ઊંઝા-મહેસાણા હાઇવે પર ઉનાવા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઇડર સાથે અથડાતા જતા બે પુરુષો, એક સ્ત્રી અને એક બાળક સહિત 4ના ઘટનાસ્થળે મોત થયા હતા.

કેવી રીતે થયો અકસ્માત

મળતી વિગત પ્રમાણે, અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતો એક પરિવાર રાજસ્થાનમાં લગ્ન સમારંભમાં હાજરી આપીને પરત ફરતો હતો. આ દરમિયાન ઊંઝા-મહેસાણા હાઇવે પર ઉનાવા નજીક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કાર પડીકું વળી ગઈ હતી. 

આ અકસ્માતમાં બે પુરુષ, એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકોનાં મોત થયા હતા. મૃતકોની ઓળખ રામલાલ કુમાવત, કૈલાશભાઈ કુમાવત, કોમલ કુમાવત તરીકે થઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. 

વલસાડના કપરાડામાં એક  જ પરિવારના 7 લોકોનાં મોત

ગઈકાલે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી ટ્રક અને કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક જ પરિવારના 7 સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા ચકચાર મચી ગઈ હતી. 

ગમખ્વાર અકસ્માતમાં કારની અંદર રહેલા પરિવારના સભ્યો ચગદાઈ જતા  મોત નિપજ્યું હતું.  આંબા જંગલ ગામના એક જ પરિવારના સામૂહિક મોતના સમાચાર મળતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.