ગાંધીનગરઃ મહાત્મા ગાંધી દ્વારા 1917માં અમદાવાદના કાપડ મજૂરોને સંગઠિત કરવા માટે મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી હતી. આ સંઘ દ્વારા ગુજરાતની બંધ મિલોના કામદારોના બાકી વળતર સહિતની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે છે. હાલ આર્યોદય મિલના કામદારો અને તેમના વારસદારોને નાણા ચૂકવવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. રાજ્યમાં મજૂર મહાજન સંઘ દ્વારા વહીવટી ફાળા પેટે ઉઘરાવવામાં આવતી રકમનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ઉઠ્યો હતો.
કયા ધારાસભ્યએ પૂછ્યો પ્રશ્ન
અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછ્યું કે, 31-12-2025ની સ્થિતિએ મજૂર મહાજન સંઘ દ્વારા બંધ મિલના કામદારો પાસેથી વહીવટી ફાળા પેટે 5 ટકા રમક ઉઘરાવવામાં આવે છે તે હકીકત સાચી છે કે કેમ? જો હા તો આ રકમ કયા નિયમ હેઠળ ઉઘરાવવામાં આવે છે અને ના તો આવી રકમ ઉઘરાવા અંગેની કેટલી ફરિયાદો છેલ્લા એક વર્ષમાં સરકારને મળી, તેમજ આ ફરિયાદો અન્વયે મજૂર મહાજન સંઘના હોદ્દેદારો સામે શું કાર્યવાહી કરવામાં આવી?

સરકારે શું આપ્યો જવાબ
આ અંગેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, બંધ મિલોના નાણાંની લેણી રકમ ગુજરાત હાઈ કોર્ટના હુકમ મુજબ વહેંચાય છે અને ક્લેમ ફોર્મ ભરાય ત્યારે મજૂર મહાજન સંઘ દ્વારા સ્વૈચ્છિક ફાળા તરીકે લેવામાં આવે છે. મજૂર મહાજન સંઘની 10-04-2019ના મળેલી બંધ મિલ કમિટીની મીટિંગમાં કરેલા ઠરાવ મુજબ ઉઘરાવવામાં આવે છે.
છેલ્લા એક વર્ષમાં રકમ ઉઘરાવવા અંગેની 6 ફરિયાદ સરકારને મળી છે. સરકારે મજૂર મહાજન સંઘના હોદ્દેદારો સામે શું કાર્યવાહી કરવામાં આવી તે અંગેનો જવાબ આપતાં જણાવ્યું, આ ફાળાની રકમ સ્વૈચ્છિક છે અને બંધ મિલના કામદારોના બાકી નાણાં મેળવવા બાબતે કરવાની થતી કાર્યવાહીના ખર્ચને પહોંચી વળવા માટેની છે. આ નાણાં ઉઘરાવવા બાબતે કોઈ તકરાર હોય તો ઓફિશિયલ લિક્વિડેટર અથવા ગુજરાત હાઈ કોર્ટનું ધ્યાન દોરી શકાય છે. મળલી ફરિયાદો અંગે શ્રમ આયુક્ત, અમદાવાદ દ્વારા મજૂર મહાજન સંઘ પાસેથી પ્રત્યુત્તર મેળવવામાં આવ્યો છે.