અમદાવાદઃ ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર અત્યાર સુધી અનેક સમિટનું સાક્ષી રહ્યું છે. પરંતુ ટૂંક સમયમાં અહીં લગ્ન, ધાર્મિક મેળાવડા તથા અન્ય સામાજિક કાર્યક્રમો પણ યોજાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ મેગા કન્વેન્શન સેન્ટરને હવે એક આઈકોનિક વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ પ્રમોટ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ સ્થળની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવા માટે સરકારે તેને લગ્ન અને ધાર્મિક પ્રસંગો માટે ભાડે આપવાનો નિર્ણય કર્યો છે. જે ગ્રુપ તેનું મેનેજમેન્ટ કરી રહ્યું છે તેને માર્કેટિંગ સ્ટ્રેટેજી તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર મહાત્મા મંદિરને વેડિંગ ડેસ્ટિનેશન તરીક આક્રમક રીતે પ્રમોટ કરશે.
સૂત્રોએ ઉમેર્યું કે, માહત્મા મંદિર એક ડેસ્ટિનેશન વેડિંગ માટે જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડે છે. મુખ્ય હોલની બેઠક ક્ષમતા 10000 છે તથા અન્ય હોલની કુલ ક્ષમતા પણ 10000 જેટલી છે. અહીં વિશાળ પાર્કિંગ સુવિધા છે. આ સ્થળ એરપોર્ટ અને અમદાવાદ શહેરની નજીક છે, તેમજ તમામ ઋતુમાં લગ્ન માટે આદર્શ સ્થળ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ સરકારી મિલકત હોવાથી તેનું ભાડું ખાનગી પ્લોટ કે સ્થળો કરતાં ઘણું ઓછું હશે. મહાત્મા ગાંધી હોલને ભાડે આપવા સંબંધિત તમામ પાસાઓ પર કામ ચાલી રહ્યું છે.
34 એકરમાં ફેલાયેલું છે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર
સૂત્રોએ જણાવ્યું કે, મહાત્મા મંદિરે વર્ષોથી ગુજરાતના ટોચના સ્થળ તરીકે એક અલગ ઓળખ બનાવી છે, જ્યાં વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે વિશ્વના નેતાઓ આવતા રહ્યા છે. જોકે, વર્ષના મોટાભાગના સમય દરમિયાન તે વણવપરાયેલું રહે છે. સરકારની વર્તમાન નીતિ મુજબ આ હોલ માત્ર સરકારી અને કોર્પોરેટ કાર્યક્રમો માટે જ ભાડે આપી શકાય છે. ગાંધીનગરના સેક્ટર-13માં આવેલું આ સેન્ટર દેશના સૌથી મોટા કન્વેન્શન સેન્ટરોમાંનું એક છે. જે 34 એકરમાં ફેલાયેલું છે. આશરે રૂ. 215 કરોડના ખર્ચે બનેલા આ સેન્ટરનું ઉદ્ઘાટન 2011માં કરવામાં આવ્યું હતું.
બજેટમાં થઈ હતી વેડ ઈન ગુજરાતની જાહેરાત
ઉલ્લેખનીય છે કે રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું બજેટ રજૂ કરતી વખતે વેડ ઇન ગુજરાત પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ગુજરાતના ધાર્મિક વારસા, વિશાળ દરિયાકાંઠા, રણ પ્રદેશ અને ઐતિહાસિક સ્થળોનો ઉપયોગ કરીને રાજ્યને લગ્ન માટેના અગ્રણી સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે.
ગુજરાત સરકાર રાજ્યને વેડિંગ અને ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવા માંગે છે. પરંતુ ગુજરાતમાં દારૂબંધીના કારણે લગભગ 500 શાહી લગ્નો રાજસ્થાનમાં યોજાય છે. જેના કારણે રાજ્યને વેડિંગ બિઝનેસમાં દર વર્ષે અંદાજે રૂ. 1,500 કરોડનું નુકસાન થાય છે.