Fri Apr 17 2026

Logo

યુદ્ધના મેદાનમાંથી ભારત પહોંચશે બે LPG ટેન્કર, 62 લાખથી વધુ સિલિન્ડર ભરાશે

3 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને દરિયાઈ માર્ગો પરના જોખમો વચ્ચે ભારત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. એલપીજી ગેસથી ભરેલા બે વિશાળ ભારતીય ટેન્કરો આગામી 48 થી 60 કલાકમાં ભારતીય બંદરો પર પહોંચવા જઈ રહ્યા છે.

આ બંને જહાજોએ યુદ્ધગ્રસ્ત 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' જેવા જોખમી વિસ્તારને સુરક્ષિત રીતે પાર કરી લીધો છે. ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજો આ ટેન્કરોને દરિયામાં સતત સુરક્ષા કવચ (એસ્કોર્ટ) પૂરું પાડી રહ્યા છે, જેથી પુરવઠામાં કોઈ વિક્ષેપ ન પડે.

આ બે ટેન્કરોમાં 'પાઈન ગેસ' અને 'જગ વસંત'નો સમાવેશ થાય છે. પાઈન ગેસ ટેન્કર 45 હજાર ટન LPG સાથે 27 માર્ચ સુધીમાં ન્યૂ મેંગ્લોર પોર્ટ પહોંચશે, જેમાં 27 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર છે. જ્યારે બીજું ટેન્કર 'જગ વસંત' 46 હજાર ટન ગેસ લઈને 26 માર્ચે કંડલા પોર્ટ પર લંગારાશે, જેમાં 33 ભારતીયો સવાર છે.

પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હજુ પણ હોર્મુઝની આસપાસ 20 ભારતીય જહાજો અને 540 નાગરિકો છે, જેમના પર નૌસેનાના વોરશિપ સતત નજર રાખી રહ્યા છે.

આ બંને ટેન્કરોમાં રહેલા ગેસના જથ્થાનું ગણિત માંડીએ તો તે આશ્ચર્યજનક છે. પાઈન ગેસ અને જગ વસંતમાં કુલ મળીને એટલો ગેસ છે કે તેનાથી દેશના અંદાજે 62 થી 63 લાખ ઘરેલુ રાંધણ ગેસના સિલિન્ડર ભરી શકાય તેમ છે. પાઈન ગેસના જથ્થામાંથી અંદાજે 31 લાખ અને જગ વસંતના જથ્થામાંથી પણ લગભગ તેટલા જ સિલિન્ડર રિફિલ થઈ શકશે.
 
સરકારના જણાવ્યા મુજબ, દેશમાં હાલમાં ઘરેલુ LPGનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે અને ક્યાંય પણ સિલિન્ડરની અછતના અહેવાલ નથી. પશ્ચિમ એશિયાના સંકટ છતાં ભારતની રિફાઇનરીઓએ ગેસનું ઉત્પાદન પહેલા કરતા 40% વધારી દીધું છે. આ ઉપરાંત, કોમર્શિયલ ગેસનો સપ્લાય પણ ધીમે ધીમે પૂર્વવત કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં 16,000 મેટ્રિક ટન કોમર્શિયલ LPG પૂરો પાડવામાં આવ્યો છે. ડિજિટલ બુકિંગમાં પણ વધારો થતા પૅનિક બુકિંગમાં ઘટાડો થયો છે.