Fri Apr 17 2026

Logo

ગીર ગઢડામાં સિંહોનું 'રોડ શો': દ્રશ્યો જોઈને તમે પણ કહી ઉઠશો 'વાહ ગીરની શાન'!

2 months ago
Author: Devayat Khatana
Article Image

ગીર ગઢડા: એશિયાટિક સિંહ એટલે સાવજનું એકમાત્ર નિવાસ સ્થાન છે સૌરાષ્ટ્રનું ગીર. ગીર નેશનલ પાર્ક અને પાનિયા, મિતિયાળા અભયારણ્ય સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈને જંગલ, ખેતર, ગામ, પાધરમાં સાવજો વિહરે છે. વર્ષ 2025માં વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા એશિયાઈ સિંહોના 16માં વસ્તી અંદાજ-2025ના આંકડામાં સિંહોની સંખ્યા 891 નોંધાઈ હતી. ત્યારે હવે સાવજો માત્ર ગીર જંગલ કે અભ્યારણ સુધી નહીં પણ બૃહદ ગીર અને તે સિવાયના કાઠીયાવાડના ભાગમાં વિહરી રહ્યા છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એકસાથે પાંચથી સાત જેટલા સાવજો રોડ ક્રોસ કરતાં નજરે પડી રહ્યા છે. 

હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો ગીર સોમનાથ જિલ્લાનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગીર ગઢડા નજીકના ઇટવાયા અને ફાટસર ગામને જોડતા રોડ પર વાહનચાલકો પસાર થઈ રહ્યા હતા અને આ દરમિયાન ગીરનો રાજવી પરિવાર અચાનક રસ્તા પર આવી ચડે છે. એક પછી એક સસાવજ રોડ પરથી પસાર થાય છે અને વાહનચાલકો સાવજ પરિવારની સવારીને નિહાળી રહ્યા હોય તેવા દ્રશ્યો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ દ્રશ્ય જોઈને એક વાહન ચાલકના મોઢામાંથી  ઉદગાર સરી પડે છે કે "આહાહા! ગાંડી ગીર હો ભાઈ". 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સિંહોના રોડ ક્રોસિંગનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં વન વિભાગે 11 એશિયાઈ સિંહોને સુરક્ષિત રીતે રોડ  ક્રોસિંગ કરાવતા નજરે પડી રહ્યા હતા. આ વીડિયો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા નજીકનો હોવાનું કહેવાયું હતું. જેમાં  એકસાથે 11 એશિયાઈ સિંહોની સવારી રોડ પરથી પસાર થઈ હતી અને તેના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ વીડિયો રાજ્યના વન પ્રધાન અર્જુન મોઢવાડીયાએ તેમના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો, તેમણે લખ્યું હતું કે વનવિભાગના અધિકારીઓએ સુરક્ષિત રીતે 1 એશિયાઈ સિંહોને રોડ ક્રોસ કરાવ્યો હતો. 

વીડિયોના દ્રશ્ય જોઈને રોમાંચિત થઈ જવાય કારણ કે જાણે કોઈ ગોવાળ તેના ઢોરને લાકડીથી હાંકી રહ્યો હોય તેમ વનવિભાગના અધિકારીઓ નજરે પડ્યા હતા. વનવિભાગના કર્મીઓ રોડ પર આવી રહેલા અન્ય વાહન ચાલકોને રોકીને જંગલના રાજવી પરિવારની સવારીને રોડ ક્રોસ કરાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે ગીરમાં સાવજોની વસ્તી વધી છે અને આથી હવે સાવજો ગીર જંગલની બહાર નીકળીને બૃહદ ગીરના પણ સીમાડા વટાવીને છેક પાંચાળના ડુંગળાઓ સુધી પહોંચી ગયા હોવાના અહેવાલો મીડિયામાં આવી ચૂક્યા છે. હવે સાવજો જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાય રાજકોટ, ભાવનગર, પોરબંદર, જામનગર જિલ્લામાં પણ જોવા મળ્યા છે.