ભુજ: વકીલોની પ્રતિષ્ઠિત માતૃ સંસ્થા 'બાર કાઉન્સિલ ઓફ ગુજરાત'ની ચૂંટણી માટે કચ્છ જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લાના નવ મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 71.89 ટકા જેટલું નોંધપાત્ર મતદાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
કચ્છ જિલ્લામાં કુલ 2665 નોંધાયેલા વકીલ મતદારોમાંથી 1916એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અબડાસા તાલુકામાં સૌથી વધુ 85% મતદાન નોંધાયું હતું જયારે અંજારમાં સૌથી ઓછું 67.40% મતદાન નોંધાયું હતું.
ભુજ સહિતના તમામ કોર્ટ પરિસરમાં સવારથી જ વકીલોની લાંબી કતારો જોવા મળી હતી. આ સમગ્ર પ્રક્રિયાને સુચારૂ રીતે પાર પાડવા માટે કચ્છ જિલ્લાના મુખ્ય પોલિંગ ઓફિસર તરીકે એડવોકેટ જિતેન્દ્ર મૂલચંદ ઝવેરીની નિમણૂક કરવામાં આવી હતી.
આ વર્ષે ચૂંટણી જંગમાં કચ્છના પ્રતિનિધિ તરીકે પુનિત દુધરેજિયા અને મગન રાજિયાભ ગઢવીએ ઝંપલાવ્યું છે. આ ઉપરાંત, મૂળ ભચાઉના જાણીતા ધારાશાસ્ત્રી અનિલ કેલા પણ આ ચૂંટણી મેદાનમાં નસીબ અજમાવી રહ્યા છે. આ મહત્વની ચૂંટણીની મતગણતરી આગામી સોમવાર, તા. 9 માર્ચના રોજ સવારથી અમદાવાદ ખાતે હાથ ધરવામાં આવશે.
(ઉત્સવ વૈદ્ય)