Fri Apr 17 2026

Logo

જૂનાગઢની 21 વર્ષની યુવતી પોલીસ ભરતીમાં બે માર્ક્સ માટે પસંદ ના થતાં આપઘાત કરી લીધો

1 month ago
Author: Tejas Rajpara
Article Image

જૂનાગઢ:  વર્તમાન સમયમાં સરકારી નોકરી મેળવવાની ઘેલછા અને તેમાં મળતી નિષ્ફળતા ક્યારેક આશાસ્પદ યુવાનોને આત્મઘાતી કદમ ભરવા મજબૂર કરી દે છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના જૂનાગઢના વધાવી ગામમાં સામે આવી છે. અહીં રહેતી 21 વર્ષીય પૂનમ મારડિયાએ પોલીસ ભરતીમાં સફળતા ન મળતા માનસિક તણાવમાં આવી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. એક આશાસ્પદ દીકરીના અકાળે અવસાનથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મૃતક પૂનમ છેલ્લા લાંબા સમયથી પોલીસ દળમાં જોડાવા માટે તનતોડ મહેનત કરી રહી હતી. તે શારીરિક અને માનસિક રીતે મક્કમ હતી, જેનો પુરાવો એ છે કે ગત વર્ષની ભરતીમાં તેણે રાજકોટ ખાતે યોજાયેલી શારીરિક કસોટી (ગ્રાઉન્ડ) પાસ કરી લીધી હતી. જોકે, લેખિત પરીક્ષામાં થોડા ગુણો માટે તે રહી ગઈ હતી. તેમ છતાં હિંમત હાર્યા વગર તેણે ફરી તૈયારી શરૂ કરી હતી, પરંતુ તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલી ફિઝિકલ ટેસ્ટમાં તે ફરી એકવાર નિષ્ફળ રહી હતી.

નિષ્ફળતા બાદ પૂનમ સતત ચિંતામાં રહેતી હતી. તેના મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે આટલી મહેનત કરવા છતાં તે લક્ષ્યની ખૂબ નજીક પહોંચીને પાછી પડી રહી છે. 26 ફેબ્રુઆરીના રોજ જ્યારે પરિવારના સભ્યો ઘરે હાજર ન હતા, ત્યારે માનસિક રીતે ભાંગી પડેલી પૂનમે પંખા સાથે દુપટ્ટો બાંધી પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. પ્રાથમિક તપાસ મુજબ, પરીક્ષામાં માત્ર એક કે બે માર્કસના તફાવતથી અટકી જવાના દુઃખમાં તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે.

આ ઘટનાની જાણ થતા જ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. એ.એસ.આઈ. ડી.એન. ચાચીયા અને તેમની ટીમે જરૂરી પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર પરીક્ષાના દબાણ અને યુવાનોના માનસિક સ્વાસ્થ્ય અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.