જેતપુર: રાજકોટ-પોરબંદર હાઈવે પર રફ્તારનો રોમાંચ અંતે લોહિયાળ સાબિત થયો છે. જેતપુર નજીક પેઢલા ચોકડી પાસે એક નવીનક્કોર વર્ના કાર ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટનાની સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે અકસ્માત પૂર્વે યુવકોએ ઈન્સ્ટાગ્રામ પર 125 કિમીની ઝડપે કાર ચલાવવાની રીલ્સ અપલોડ કરી હતી. 'વટમાં જીવવું છે' તેવા ગીત સાથે રીલ્સ મૂક્યાની ગણતરીની મિનિટોમાં જ કાળનો પંજો ત્રાટક્યો હતો અને બે યુવકોના જીવનનો દીપ બુઝાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, 'એપ્લાય ફોર રજીસ્ટ્રેશન' વાળી કાળા રંગની વર્ના કાર જેતપુરથી ધોરાજી તરફ પુરપાટ ઝડપે જઈ રહી હતી. બાલકૃષ્ણ ફાર્મ પાસે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર અને દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી પ્રચંડ હતી કે કારનું બોનેટ અને પાછળનું ટાયર ઉખડીને દૂર ફંગોળાઈ ગયા હતા. કારમાં સવાર ત્રણ મિત્રોમાંથી 20 વર્ષીય અવધ તિવારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે દેવરાજ ગોસાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. અન્ય એક મિત્ર અક્ષય વાઘેલા હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અકસ્માતમાં જીવ ગુમાવનાર અવધ તિવારી અંગે તપાસ કરતા પોલીસ રેકોર્ડમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
અવધ વિરુદ્ધ અગાઉ પાસા (PASA), મારામારી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કેસ, યુવકોમાં હાઈવે પર સ્ટંટ કરવા અને સ્પીડ બતાવવાનો જોખમી શોખ દિવસેને દિવસે વધી રહ્યો છે, જે આવા ભયાનક અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યો છે. કારની ભીષણતા જોઈને કહી શકાય કે જો ઝડપ મર્યાદામાં હોત તો કદાચ આ જાનહાનિ ટાળી શકાઈ હોત.
અકસ્માતની જાણ થતા જ જેતપુર ઉદ્યોગનગર પોલીસના પીઆઈ એમ. એમ. ઠાકોર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તત્કાલ ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનને હટાવી હાઈવે પરનો ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર વાહનચાલકોને ગતિ મર્યાદા જાળવવા અને સોશિયલ મીડિયાના ક્રેઝમાં જીવ જોખમમાં ન મૂકવા માટે લાલબત્તી ધરી છે.