Fri Apr 17 2026

Logo

ભારતમાં સાત વર્ષ બાદ ઈરાની ક્રૂડની એન્ટ્રીઃ 2 સુપર ટેન્કર ગુજરાત અને ઓડિશાના બંદરે પહોંચ્યા

4 days ago
Author: Mumbai Samachar Team
Article Image

અમેરિકી પ્રતિબંધોમાં છૂટછાટ વચ્ચે 40 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ભારત આવ્યું, સિક્કા અને પારાદીપ બંદરે લંગરાયા જહાજ
 
નવી દિલ્હીઃ ઇરાની ક્રૂડ લઇને આવેલા બે સુપર ટેન્કર ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારાના બંદરો ખાતે પહોંચી ગયા છે. જે લગભગ સાત વર્ષોમાં આ પ્રકારનો પ્રથમ પુરવઠો છે. આ જાણકારી શીપ-ટ્રેકિંગ ડેટામાં આપવામાં આવી છે.

નેશનલ ઇરાની ટેન્કર કંપની દ્વારા સંચાલિત 'ફેલિસિટી' નામનું ખૂબ મોટું ક્રૂડ કેરિયર રવિવારે મોડી રાત્રે ગુજરાતના સિક્કા બંદરે પહોંચ્યું હતું. આ માલવાહક જહાજમાં લગભગ ૨૦ લાખ બેરલ કાચું તેલ છે. જે માર્ચના મધ્યમાં ખાર્ગ ટાપુથી ભરાઇને રવાના થયું હતું. ગત મહિને અમેરિકા દ્વારા જારી કરવામાં આવેલા પ્રતિબંધોમાં છૂટછાટને કારણે લગભગ સાત વર્ષમાં ભારતીય દરિયાકાંઠે પહોંચનાર આ ઇરાની ક્રૂડનો પહેલો જથ્થો છે.

જ્યારે બીજુ ટેન્કર 'જયા' લગભગ તે જ સમયે ઓડિશાના પારાદીપ બંદરે પહોંચ્યું હતું. આ માલવાહક પણ લગભગ સમાન જથ્થામાં ક્રૂડ લઇને પહોંચ્યું છે. જેને ફેબ્રુઆરીના અંતમાં ખાર્ગ ટાપુથી ભરીને રવાના કરવામાં આવ્યું હતું. આ તેલ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર લશ્કરી હુમલાઓ અને તેહરાનની જવાબી કાર્યવાહી પહેલા ભરવામાં આવ્યું હતું.

ભારતીય દરિયાકાંઠાઓ સુધી પહોંચેલા આ માલના ખરીદદારોની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. જો કે પારાદીપ બંદર મુખ્યત્વે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે, જેણે એક ઇરાની શીપમેન્ટ ખરીદવાની પુષ્ટિ કરી છે. જ્યારે સિક્કા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન બંને માટે એક મુખ્ય ક્રૂડ હેન્ડલિંગ હબ છે. બંને પાસે આ વિસ્તારમાં પોતાની માળખાકીય સુવિધાઓ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત ઐતિહાસિક રીતે ઇરાની તેલનો મોટો ખરીદદાર રહ્યો છે. રિફાઇનરીઓ સાથે શ્રેષ્ઠ સુસંગતતા અને અનુકૂળ વ્યાપારી શરતોને કારણે ભારત મોટી માત્રામાં ઇરાનના હળવા અને ભારે ગ્રેડ બંને પ્રકારના તેલની આયાત કરતું રહ્યું છે.

જો કે વર્ષ ૨૦૧૮માં પ્રતિબંધો કડક થયા બાદ મે ૨૦૧૯થી આયાત બંધ થઇ ગઇ હતી. ત્યારબાદ પશ્ચિમ એશિયા, અમેરિકા તથા અન્ય સ્ત્રોતોમાંથી આયાતની શરૂઆત થઇ હતી. એક સમયે ભારતની કુલ આયાતમાં ઇરાની તેલનો હિસ્સો ૧૧.૫ ટકા હતો. ભારતીય રિફાઇનરીઓ મુખ્યત્વે 'ઇરાન લાઇટ' અને 'ઇરાન હેવી' શ્રેણીનું તેલ ખરીદતી હતી.