નવી દિલ્હી: અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ ટેરિફ પર આપેલા ચુકાદા બાદ ભારત પણ તેની પર નજર રાખી રહ્યું છે. જે અંગે વાણિજ્ય મંત્રાલયે શનિવારે સ્પષ્ટતા કરી હતી. તેમજ કહ્યું હતું કે અમેરિકન સુપ્રીમ કોર્ટના નિર્ણય અને રાષ્ટ્રપતિ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી ત્યાર બાદની જાહેરાતોની સંભવિત અસરનો નજીકથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય વેપાર અને ઉદ્યોગ પર અસરનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
તમામ દેશો પર 10 ટકા વૈશ્વિક ટેરિફ લગાવવા પર હસ્તાક્ષર કર્યા
અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યા બાદ તેમણે વધુ એક ચોંકાવનારો નિર્ણય લીધો હતો. ટ્રમ્પે તમામ દેશો પર 10 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું, મેં ઑવલ ઓફિસથી તમામ દેશો પર 10 ટકા વૈશ્વિક ટેરિફ લગાવવા પર હસ્તાક્ષર કર્યા છે. જે તાત્કાલિક અસરથી લાગુ થશે. આ જણાવતાં મને આનંદ થઈ રહ્યો છે
ટ્રમ્પે દુનિયાના દેશો પર લગાવેલો ટેરિફ ગેરકાનૂની
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શુક્રવારે સુપ્રીમ કોર્ટે સૌથી મોટો ઝટકો આપ્યો હતો.ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર ટેરિફ ઝીંકીને વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ અસ્થિર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટેરિફ મુદ્દે અમેરિકન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ટ્રમ્પને ટેરિફ લગાવવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી. કોર્ટે કહ્યું છે કે ટ્રમ્પે દુનિયાના દેશો પર લગાવેલો ટેરિફ ગેરકાનૂની છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ ઈમરજન્સી માટે રાખેલા કાયદાનો ઉપયોગ કરીને સૌથી મોટો ટેરિફ વસૂલીને પોતાના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.
ટેરિફને કારણે ટ્રેડ વોરની સ્થિતિ ઊભી થઈ
અમેરિકન કોર્ટે જણાવ્યું કે આ ચુકાદાથી દુનિયા પર અસર પડી શકે છે. ટ્રમ્પે પોતાની બીજી ઈનિંગમાં આક્રમક વિદેશ અને વેપાર નીતિ અપનાવી અને ટેરિફનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. ટ્રમ્પની આ નીતિને કારણે ગ્લોબલ ટ્રેડ વોરની પરિસ્થિતિ પણ ઊભી થઈ.