હનોઈ: વિયેતનામના હનોઈમાં ભારતીય દૂતાવાસે વિયેતનામની મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ફુ ક્વોક ટાપુ માટે વિઝા નિયમોની જાણકારી આપવામાં આવી છે, આ સાથે મુસાફરી દરમિયાન પાસપોર્ટ ખોવાઈ જવાના જોખમો અંગે સાવધ રહેવાની વિનંતી કરવામાં આવી છે.
વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસીને કારણે ફુ ક્વોક ટાપુ વિદેશી નાગરિકો માટે એક લોકપ્રિય પર્યટન સ્થળ બન્યું છે, દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો આ ટાપુની મુલાકત લે છે. જોકે, હનોઈમાં દૂતાવાસે ચેતવણી આપી હતી કે વિઝા મુક્તિ સાથે કેટલીક કડક મર્યાદાઓ પણ છે.
વિઝા-ફ્રી એન્ટ્રી ફક્ત ટાપુ સુધી મર્યાદિત:
એડવાઈઝરીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિઝા-ફ્રી એન્ટ્રી ફક્ત ફુ ક્વોક ટાપુ સુધી મર્યાદિત છે, ત્યાંથી વિયેતનામની મુખ્ય ભૂમિ પર વિઝા વગર પ્રવેશ મળતો નથી. માન્ય વિયેતનામી વિઝા વગર ભારતીય પ્રવાસીઓ હો ચી મિન્હ સિટી અથવા હનોઈ જેવા શહેરોની મુલાકાત લઈ શકતા નથી.
દૂતાવાસે ચેતવણી આપી હતી કે અણધાર્યા સંજોગોને કારણે મુશ્કેલી ઉભી થઇ શકે છે. મેડીકલ ઈમરજન્સી, ફ્લાઇટ વિક્ષેપ અથવા અન્ય ઈમરજન્સી કારણોસર મુસાફરોને ટાપુ છોડવાની જરૂર પડી શકે છે. આવા કિસ્સાઓમાં, વિયેતનામની મુખ્ય ભૂમિ માટે માન્ય વિઝા વગર મુસાફરોને મુશ્કેલી પડી શકે છે. આવી સ્થિતિમાં મેડિકલ સારવાર મેળવવામાં વિલંબ થઇ શકે છે.
દુતાવસે મુસાફરોને સલાહ આપી છે કે ફુ ક્વોકની મુસાફરી કરતા પહેલા વિયેતનામના યોગ્ય વિઝા મળવી લે, ભલે તેઓ માત્ર ફુ ક્વોક ટાપુની મુલાકાતે આવતા હોય.
વધુમાં જણાવવામાં આવ્યું કે જે લોકો વિઝા વગર મુસાફરી કરી રહ્યા છે, તેમને ટાપુની બહાર મુસાફરી કરવાની જરૂર પડે તો ઇમિગ્રેશન-સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થવું જોઈએ.
પાસપોર્ટ ખોવાઈ જાય તો....:
દૂતાવાસે એડવાઇઝરીમાં એમ પણ જણાવ્યું કે વિયેતનામમાં મુસાફરી કરતી વખતે ભારતીય નાગરિકોના પાસપોર્ટ ખોવાઈ જવાના કિસ્સા બન્યા છે. એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું કે પાસપોર્ટ ખોવાઈ જવાના કિસ્સામાં પ્રવાસીઓએ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવે. આ ફરિયાદની એક કોપી હનોઈમાં ભારતીય દૂતાવાસ અથવા હો ચી મિન્હ સિટીમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલને સબમિટ કરવી જરૂરી છે.
દુતાવસે એમ પણ જણાવ્યું કે ભારતીય અધિકારીઓ વહેલી તકે મુસાફરો માટે ઇમરજન્સી સર્ટીફીકેટ અથવા ટ્રાવેલ ડોકયુમેન્ટ પુરા પાડશે.