Sat Apr 25 2026

Logo

સ્પોર્ટ્સમૅનઃ પ્રતિભાશાળી ઍથ્લીટો-ખેલાડીઓની ભરમાર ભારતમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે

8 hours ago
Author: Shasha
Article Image

 

સાશા

આપણો દેશ વર્ષ 2036 સુધીમાં વિશ્વના ટોચનાં 10 ખેલકૂદ રાષ્ટ્રોમાં ગણાતો થઈ જશે અને 2047નું વર્ષ કે જ્યારે ભારતે આઝાદીના 100 વર્ષ પૂરા કર્યા હશે ત્યારે શ્રેષ્ઠ પાંચ દેશમાં સૌને ભારતનું નામ અચૂક જોવા મળશે એવું કેન્દ્રના ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયા ગઈ કાલે જમ્મુ-કાશ્મીર રાજ્યના બડગામમાં પત્રકારો સાથેની વાતચીતમાં કરી એને બંધ બેસતી કહી શકાય એવી એક વિશ્લેષણમાં કરવામાં આવી છે. 

એમાં જણાવાયું છે કે 2024માં યોજાઈ ગયેલી પૅરિસ ઑલિમ્પિક ગેમ્સ ભારત માટે માત્ર એક સ્પર્ધા નહોતી, પણ ખેલકૂદની બાબતમાં ભારતના મનોવિજ્ઞાન માટે એક મહત્ત્વપૂર્ણ વળાંક પણ હતી. એમાં ચંદ્રક જીતનાર અને ન જીતી શકનાર આપણા ઍથ્લીટોએ દેશને વિશ્વાસ અપાવ્યો કે ભારત હવે માત્ર ભાગ લેવાની રીતરસમ અદા નથી કરતું, પરંતુ સતતપણે જીતવાની ક્ષમતા બતાવવામાં માને છે.

અહીં સવાલ એ છે કે ઑલિમ્પિક્સ પછીના બે વર્ષ બાદ (2026માં) આપણે પૅરિસના પર્ફોર્મન્સ પરથી જે સંકલ્પ લીધો હતો એમાં આપણે ખરેખર આગળ વધ્યા છીએ? શું આપણે ખેલકૂદની બાબતમાં આપણે આપણું માળખું બદલ્યું છે? એમાં કોઈ શંકા નથી કે પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતના નીરજ ચોપડાએ ઐતિહાસિક સફળતા હાંસલ કરીને રમતગમતના ક્ષેત્રે આપણી પારંપારિક માનસિકતા બદલી નાખી. 

અગાઉ વિશ્વની સૌથી મોટી સ્પર્ધા ઑલિમ્પિક ગેમ્સમાં આપણને માંડ એકાદ મેડલ મળતો હતો ત્યારે આજે એક નહીં, પણ અનેક મેડલ જીતવાની મહત્ત્વકાંક્ષા આપણા ખેલ સંબંધિત મનોવિજ્ઞાનનો હિસ્સો બની ગઈ છે. એ જ કારણ છે કે એક સમયે ઍથ્લેટિક્સ ભારતની ખેલ-દુનિયાનો સૌથી ઉપેક્ષિત હિસ્સો હતો એ આજે અનેક ઍથ્લીટોની આશાઓથી ઝગમગી રહ્યો છે.

ભલે ઘણી આશાઓ હજી હકીકતમાં નથી પરિણમી, પરંતુ અગાઉ કરતાં આ બાબતમાં (ઍથ્લેટિક્સમાં) આપણા ઍથ્લીટો દાવેદાર અને પડકારરૂપ બન્યા છે. આ જ વાત કુસ્તી, મુક્કાબાજી, નિશાનબાજી જેવી રમતોને પણ લાગુ પડે છે. 2024ની ઑલિમ્પિક્સ બાદ આપણા ઍથ્લીટ-જગતમાં `ફીયર ઑફ ફૅલ્યૉર'ની જગ્યાએ `હંગર ટૂ વિન'નો મંત્ર સાંભળવા મળી રહ્યો છે. આ દૃઢતા માત્ર ઍથ્લીટોમાં જ નહીં, પ્રશિક્ષકો (કોચ), સ્પોર્ટ્સ ફેડરેશન તથા પ્રેક્ષકો-દર્શકો સુધી ફેલાઈ ચૂકી છે.

સૌથી મોટો બદલાવ મહિલા ઍથ્લીટોમાં જોવા મળ્યો છે. પૅરિસ ઑલિમ્પિક્સ બાદ સંઘર્ષગાથાની, સફળતાની અને આશા-અપેક્ષાઓની સૌથી વધુ સ્ટોરીઓ મહિલા ઍથ્લીટોના મોઢે સાંભળવા મળી છે. પૅરિસના સૌથી મોટા રમતોત્સવ બાદ વેઇટલિફ્ટિંગ, બૉક્સિંગ, બૅડમિન્ટન અને હૉકીમાં ભારતીય મહિલાઓના પર્ફોર્મન્સમાં સતતપણે સુધારો જોવા મળ્યો છે. નાનાં શહેરો તેમ જ ગામડાઓમાંથી આવતી છોકરીઓએ સામાજિક વિઘ્નો ભેદીને ખેલકૂદના આકાશમાં નવી ઊંચાઈ સર કરવામાં જાણે હરીફાઈ કરી છે. 

છોકરીઓની ખેલકૂદ પ્રત્યે જે રુચિ વધી છે એ બાબતમાં પરિવારો અને સમાજનો દૃષ્ટિકોણ પણ બદલાયો છે. છોકરીઓ અને યુવતીઓ માત્ર મેડલ જીતવા માટે જ નહીં, પણ ખેલકૂદના વૈશ્વિક ફલક પર ચમકવા માટે જે તનતોડ પ્રયાસો કરી રહી છે એ એના પરથી સ્પષ્ટ થાય છે કે આ બદલાવ ભારતને ભવિષ્યમાં ખેલકૂદમાં મહાશક્તિ બનાવવા માટે જ થઈ રહ્યો છે. 2030માં કૉમનવેલ્થ ગેમ્સ ભારતમાં (અમદાવાદમાં) યોજાવાની છે અને એના આયોજન સાથે ભારતીય ખેલકૂદ ક્ષેત્રે વિકાસગાથા વધુ વેગીલી બનશે.

આપણા દેશમાં છેલ્લાં થોડાં વર્ષોથી ખેલ સંબંધિત નીતિઓ તેમ જ માળખાકીય સગવડો ઊભી કરવા બાબતમાં જે પરિવર્તન જોવા મળ્યું છે એ અગાઉ ક્યારેય નહોતું જોવા મળ્યું. કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોની સરકાર ખેલકૂદને લગતી નવી નીતિઓ શરૂ કરી છે અને અમુક નીતિઓ જે અગાઉ શરૂ કરવામાં આવી હતી એને નવા રૂપમાં રજૂ કરી રહી છે. `ખેલો ઇન્ડિયા' અભિયાન હેઠળ હવે દેશના દૂર-દૂરના વિસ્તારોમાંથી પાયાના સ્તરે પ્રતિભાશાળી ઍથ્લીટો અને ખેલાડીઓની ખોજ કરવામાં આવી રહી છે.

 એ જ રીતે ટાર્ગેટ ઑલિમ્પિક સ્કીમ (ટૉપ્સ)માં હવે ભારતના ટોચના ઍથ્લીટોને જે રીતે સપોર્ટ કરવામાં આવી રહ્યા છે એવું અગાઉ નહોતું જોવા મળતું. આ પરિવર્તનની અસર પણ જોવા મળી રહી છે. નીચલા સ્તરનાં ક્ષેત્રોમાંથી મળતા ટૅલન્ટેડ ઍથ્લીટોને હવે વધુ સારી તાલીમ અપાય છે, તેમને પૌષ્ટિક ડાયટ આપવા પર ધ્યાન અપાય છે અને તેમને જરૂરી ઇન્ટરનૅશનલ એક્પોઝર મળી રહે એની તકેદારી રાખવામાં આવે છે.

ઉદ્યોગ વર્ગ અગાઉ ભારતીય રમતોમાં સહાયકર્તાના રૂપમાં સક્રિય હતો, પરંતુ હવે પ્રાઇવેટ સેક્ટર ઇતિહાસના કોઈ પણ તબક્કાની તુલનામાં હવે રમતોમાં અનેક ગણો વધુ વિકાસ કરવાની તરફેણમાં છે અને વિકાસકાર્યોમાં આ ક્ષેત્ર તરફથી ઘણી મદદ પણ મળી રહી છે. અગાઉ આપણા મોટા ભાગના ઍથ્લીટોની બાબતમાં મોટાં શહેરોની બોલબાલા હતી. જોકે આજે રમતગમતોની શક્તિના રૂપમાં ઊભરી રહેલા ભારતમાં નાનાં શહેરો તેમ જ ગામડાઓના ખેલાડીઓના પણ મોટાં યોગદાનો જોવા મળી રહ્યા છે. 

અગાઉ મોટા ભાગે હરિયાણા, ઉત્તર પ્રદેશ, મણિપુર, મહારાષ્ટ્ર તથા ઓડિશા જેવાં રાજ્યોમાંથી ઍથ્લીટો-ખેલાડીઓ ચમકતા જોવા મળતા હતા, પરંતુ હવે એ રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યો તેમ જ વિદર્ભ જેવાં પ્રાન્તોના નામ પણ ઉમેરાયા છે. આવનારાં વર્ષોમાં ભારતમાં સ્ટેડિયમોની સંખ્યા બમણી કરવાની સરકારની નેમ છે. એટલું જ નહીં, આ સ્ટેડિયમોમાં સંબંધિત રમતને લગતા તમામ આધુનિક ઉપકરણો અને આવશ્યક કોચિંગ-સ્ટાફ જોવા મળશે. ભારત જેમ જેમ આર્થિક વિકાસની બાબતમાં મજબૂત થાય છે એમ ખેલકૂદમાં પણ પ્રગતિ અચૂક જોવા મળશે જ.