`કંઇક બદબૂ આવે છે.' રાધારાણીએ શ્વાનની જેમ નાકના ફોયણા સંકોરતાં કહ્યું. રાધારાણીએ નાક પર દુપટ્ટાનો ડાટો લગાવ્યો. કારની બારી ખોલી નાખી.
`મને વાસ આવતી નથી.' મે કાંઇક સૂંઘવાની કોશિશ કરીને નિવેદન કર્યું. મેં કારની બારીના કાચ પાછા ચડાવ્યા અને એસીની સ્પિડ વધારી.
`તમારે મગજ તો ઊડી ગયું છે. હવે નાક પણ ગયું.' રાધારાણીએ મારી ખીલી ઉડાવી.
`રાધુ, તમે પરમ દિવસે સકરટેટી અને ચીભડાં લીધા હતા. એ રાતભર ગાડીમાં પડી રહેલા. આ વાસ તેની હોય એવું તમને લાગતું નથી?' અમે શંકા વ્યક્ત કરી.
`કપાળ તમાં, સકરટેટી અને ચીભડાંની વાસ તો હર્બલ અને ઓર્ગેનિક હોય. આ તો સડેલ મડદા જેવી વાસ આવે છે. જુવો, કારમાં માખી પણ કેટલી બણબણે છે.?' આ બાઇ ફોરેન્સિક એકસપર્ટની માફક કોણ જાણે કેટકેટલી ગંધ-બદબૂ-સુગંધ લેતી હશે?
`મારૂ પેટ બગડે ત્યારે આવી જ બદબૂ આવે છે. જોકે આજકાલ મારું પેટ બગડ્યું નથી.' અમે બચાવનામું રજૂ કર્યું.
સમસ્યા આજકાલ ડ્રોન, મિસાઇલ કે કલસ્ટર બોમ્બ પર બેસીને આવતી નથી, પરંતુ, કીડીની પીઠ પર બેસીને મંદ ગતિએ આવતી હોય છે. જેનો સામનો કરવો એ સાત કોઠા વીંધવા કરતાં પણ કપરું કામ છે.
`ગિધુ, માનો ન માના, કારમાં ઉંદરડું મરી ગયું લાગે છે.' આમ કહીને રાધારાણીએ ગરજ કે સાથે છીંટે એટલે કે ઊલ્ટીવર્ષા કરી. તેમની ઊલ્ટીથી અમે પણ કારણ વગર ખરડાયા. કારની સીટ સાફ કરવી પડે એ લટકામાં.
`રાધુ, બદબૂને હટાવવા તીવ્ર સુંગધનો મારો કરવો પડે.' આમ કહી અમે ડીયો, આફટર શેવ લોશન, રૂમ ફ્રેશનર, સ્પ્રે , અત્તર જે કાંઇ અમારી હડફેટે આવ્યું તેનો મારો ચલાવ્યો. ત્રીસ જાતની અગરબતી અને ધૂપ પેટાવ્યા... પણ મરેલા ઉંદરડાની બદબૂ પાવરફૂલ હતી. જેથી અમારી હાલત બેહદ ખરાબ થઇ ગઇ.
ઉંદરડા આજકાલ પ્લેનમાં ઘૂસી જાય છે. હા, મને ચૂંચી આંખ કરી, મૂંછ હલાવતું મારું હાળું ઉંદરડું બિવડાવે છે. રેલવેના પાટા પર તો ગલૂડિયાંની સાઇઝના ઉંદરો બેખૌફ ફરતા હોય છે. માનો કે પૂર્વ ભવના રેલ્વેના આલા અફસરલોગ ન હોય! બિહારમાં પોલીસના મુદ્દામાલરૂમમાં મુકેલ રૂપિયા ત્રણ કરોડનો દારૂ ઉંદરડા ગટગટાવી ગયેલ. આપણે ત્યાં કેનાલનું કોક્રિટ ઉંદરડાએ કાગળની જેમ કાતરી કાઢ્યું હતું. ક્યાંક સિત્તેર હજાર કિલો ગાંજો ચલમમાં ભરી પી ગયા હતા. ઉંદરડા અને નેતામાં એક સામ્ય છે. બંને ફૂંકી ફૂંકી કરડે છે.
અમારી કારમાં ઉંદરડું છે તે જાણ્યા પછી અમારા સગાસંબંધી, મિત્રો, હિતેચ્છુઓ ઝાલ્યા રહે એમણે સલાહ કે સ્વાનુભવોનો ધોધ વહેડાવ્યો, જેમકે... `ગિરધરલાલ, એક કામ કરો. કારનું બોનેટ ખોલી મૂકી કપૂર કાચલી મૂકી દો. ઉંદર તો ઠીક, ઉંદરડી પણ આવશે નહીં.' એક ઉંદર વિશેષજ્ઞે સલાહ આપી.
`ભૈ તમે મોડા પડયા. તમારી સલાહ ચોવીસ કેરેટનું સોનું છે. ઓલ રેડી ઉંદરે ગાડી મહી આત્મહત્યા કરી લીધી છે.' અમે તેમને અધ્યતન પરિસ્થિતિથી વાકેફ કર્યા.
`બોસ, તમને અકસીર ઉપાય બતાવું. તમે ફટકડીના પાણીનો છંટકાવ કરો.' બીજા સૂંઠના ગાંગડે ઉંદર વિશેષજ્ઞે બનેલ વ્યક્તિ વિશેષ સલાહસ્ત્રાવ કર્યો.
`તમે, ગોમૂત્રનો સ્પ્રે કરો. થોડું ગોબર લગાવો.' ત્રીજા ઉંદર વિશેષજ્ઞે સોનેરી સલાહ આપી.
`તમે એક કામ ન કરી શકો? તમે એક બિલાડી પાળો. ઉંદર ઊભી પૂંછડીએ ભાંગશે.' ચોથા ઉંદર વિશેષજ્ઞે સલાહ આપી.
(બિલાડી કારમાં મળમૂત્ર ત્યાગ કરી ગાડીની મા પૈણી નાખશે તેનું શું? એ બાબતે સલાહકારે મૌન ધારણ કર્યું.)
`તમે સાપની કાંચળી ગાડીમાં રાખો.' પાંચમા ઉંદર વિશેષજ્ઞે સલાહ આપી.
`કારમાં લસણ ડુંગળીના ફોતરા રાખો. નવાણુ ટકા ઉંદર નહીં જ આવે. (ઉંદર સાત્ત્વિક પ્રકૃતિનો હોય અને લસણ ડુંગળીનું ભક્ષણ ન કરતો હોય એવું કયા ગ્રંથમાં લખ્યું છે?)
આવા ઉપાયોથી કારની બદબૂ ઘટનાને બદલે વધી. અંતે અમે સર્વિસ સેન્ટર શરણમ્ ગચ્છામિ કર્યું. અમે એપોઇન્ટમેન્ટ બુક કરાવી. અમારા સર્વિસ સલાહકારનું નામ ધ્રુવ હતું.
`સાહેબ, તમારી ગાડીમાં ઉંદરડો કેવી રીતે આવ્યો?' ધ્રુવનો સણસણતો સવાલ. અમને ખબર હોય તો તારી પાસે શું કામ આવીએ?
`મારી પાસે સત્તર વરસથી કાર છે. કારમાં કોઇ દિવસ ઉંદર ઘૂસેલા નથી. અમે સિઝન માટે ઘઉં, ચોખા, તેલ, કઠોળ મોલમાંથી ખરીદેલ. તેના કટ્ટામાં ઉંદરડું હશે. અમને ખરીદી સાથે સ્કિમમાં તદન ફ્રી ઉંદરડું મોલવાળાએ આપ્યું લાગે છે.' અમે ઉંદરાગમનની સંભવિત શક્યતા ઉજાગર કરી.
`તો તો તમે ફસાઇ ગયા સાહેબ.' ધ્રુવે તારણ કાઢ્યું .
`એ તો બરાબર, પરંતુ, તમે ઉંદર કેવી રીતે શોધશો?' અમે કુતૂહલ વ્યક્ત કર્યું. અમને એમ કે એમની પાસે મેટલ ડિટેકટર કે રેટ સ્કેનર જેવું યંત્ર હશે? જેના લીધે ઉંદર બોનેટ, બમ્પર કે સાઇડ પેનલ પૈકી કયાં ફસાયો છે તેની ખબર પડતી હશે.
`સાહેબ, તમે તો ભારે કોમેડી કરો છો. આપણો દેશ આટલો આગળ વધ્યો નથી. ઓનલાઇન ઉંદર ન શોધી શકાય. ઉંદરનું પગેં દબાવીને ઓફલાઇન શોધવો પડે. એક સાહેબની ગાડીની પાંચમા દિવસની ખાંખાંખોળા પછી ઉપરની છતમાંથી મરેલો ઉંદર નીકળેલો. ઉંદરડો એટલી દુર્ગંધ મારતો હતો કે તેની ગંધ નાકમાં જતાં ત્રણ મિકેનિકને ઊલ્ટી થઇ ગયેલ. એક વાર અમે રૂફ પેનલ કાપીને જીવતો ઉંદર કાઢ્યો પછી અમે મુઠીઓ વાળીને ભાગેલ.' ધ્રુવે મૂષક મહાભારત સંભળાવ્યું
`તમે ઉંદર શોધીને અમારી કાર ક્યારે આપશો?' અમે વાજબી સવાલ પૂછયો.
`સાહેબ, જ્યારે જીવતો કે મરેલો ઉંદર જડશે એટલે તમને ફોન કરીશું' ધ્રુવે અગસ્ત્ય મુનિ જેવો વાયદો કર્યો.
એક દિવસ ધ્રુવે અમારી કારમાંથી ગોતી કાઢેલ ઉંદરડાનો ફોટો મોકલ્યો. ઉંદરડો છૂંદાઈ ગયેલ. ધ્રુવના કહેવા મુજબ ઉંદર એસીના ડકમાં ફસાયેલ. જેના લીધે જ્યારે એસી ઓન કરીએ ત્યારે મરેલા ઉંદરડાની બદબૂનો ધોધ વછૂટતો હતો. બે પાંચ રૂપિયાના ઉંદરને કારમાંથી શોધવાનું બિલ રૂપિયા અઢી હજાર આવ્યું.
લાગે છે કે ઉંદરડાને અમારી કાર સાથે ગોઠી ગયું છે. એક પછી એક ચાર વાર નાની-મોટી સાઇઝના ઉંદરડા ગુપ્ત ધોરી માર્ગે વિદેશી આક્રાંતા શક, હૂંણ, કુષાણની જેમ ઘૂસતા રહ્યા. તેમને શોધવાનું બિલ અઢી હજારથી વધીને પંદર હજાર રૂપિયા સુધી થયું. પછી અમે એક અંતિમ ફેંસલો લીધો. અમે અશ્રુભીની આંખે અમારી જૂની-વ્હાલી કાર વેચી નાખીને સાઇકલ લઇ લીધી છે...