Fri Apr 17 2026

Logo

ગુજરાતમાં માવઠું, અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાંપટા

2 weeks ago
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ સતત બીજા દિવસે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો અને ભરઉનાળે ગાજવીજ અને વંટોળ સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં પણ મોડી સાંજે વરસાદી ઝાંપટા આવ્યા હતા. ખાસ કરીને  દ્વારકા, પોરબંદર, જામનગર અને ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. 

જિલ્લામાં દ્વારકા, ખંભાળિયા અને કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ પડ્યો. કલ્યાણપુરમાં સૌથી વધુ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે ખંભાળિયામાં લગભગ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જામ કલ્યાણપુરના પિંડારા ગામમાં, મંડપ પાણીથી ભરાઈ જવાને કારણે ધાર્મિક કાર્યક્રમ મુલત્વી રાખવાની ફરજ પડી હતી. ભાટિયા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદની જાણ થઈ હતી. 

પોરબંદર શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારો તેમજ બરડા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવનને કારણે શહેરમાં એક મોબાઇલ ટાવર ધરાશાયી થયો હતો. કચ્છમાં, ગાંધીધામ, આદિપુર, ભચાઉ, અંજાર, મુન્દ્રા અને વરસામેડીમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ભચાઉમાં, વરસાદે સ્થાનિક મીઠા ઉદ્યોગ માટે ચિંતા વધારી હોવાનું લોકો જણાવી રહ્યા છે. 

ગીર સોમનાથના વેરાવળમાં, સટ્ટા બજાર વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. જામનગર શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં અચાનક હવામાનમાં ફેરફાર અને કમોસમી વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે રાજકોટ શહેર અને જેતપુરમાં પણ વરસાદ પડ્યો હતો. થાનેસરા, તડાવ, ચંદનગઢ, રાણા, કુંડારીયા અને કરલી જેવા ગામો સહિત ઉત્તર ગુજરાતના વાવ-થરાદ અને બનાસકાંઠા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. 

આ કમોસમી વરસાદને કારણે, આ ખેડૂતોના પાકને નુકસાન થવાની પૂરી શક્યતા છે.  વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ ગયા છે, જેના કારણે મગ, તલ, મગફળી અને જીરું જેવા ઉનાળુ પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.  કેટલાક વિસ્તારોમાં કેરીના બગીચાઓને પણ અસર થઈ છે, ભારે પવનને કારણે ફળો  પડી ગયા છે. દ્વારકાના ભાટિયા ગામમાં, માર્કેટિંગ યાર્ડમાં  પાક લાવનારા ખેડૂતોએ અપૂરતી  સુવિધાઓને કારણે તેમના પાક ભીંજાઈ ગયા હતા.

આ સાથે ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક માટે યલો એલર્ટ જારી કર્યું છે, જેમાં 15 જિલ્લામાં હળવા વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ સહિતના સ્થળોએ વરસાદની શક્યતા છે.