Fri Apr 17 2026

Logo

ગુજરાતમાં શ્રીહરિકોટા જેવું સેટેલાઈટ લોન્ચ સેન્ટર બનશે, સૌરાષ્ટ્રના આ વિસ્તારની થઈ પસંદગી

1 month ago
Author: MayurKumar Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાતમાં શ્રીહરિકોટા જેવું સેટેલાઈટ લોન્ચ સેન્ટર બનશે. રાજ્ય સરકારનું દીવ અને કોડીનાર વચ્ચે સેટેલાઈટ લોન્ચપેડ  સ્થાપવાનું આયોજન છે.  વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન અર્જુન મોઢવાડિયાએ સોમવારે વિધાનસભામાં જાણકારી આપી હતી કે, અવકાશ ક્ષેત્રને મજબૂત કરવા માટે રાજ્ય સરકાર ગીર સોમનાથ જિલ્લામાં કોડિનાર પાસે સેટેલાઇટ લોન્ચપેડ સ્થાપવાની યોજના બનાવી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, દીવ અને કોડિનાર વચ્ચે આવેલી આ સૂચિત જગ્યા સેટેલાઇટને ભ્રમણકક્ષામાં લોન્ચ કરવા માટે દેશના મુખ્ય લોન્ચ સેન્ટર 'સતીશ ધવન સ્પેસ સેન્ટર' (શ્રીહરિકોટા) જેવી જ અનુકૂળ હોવાનું માલૂમ પડ્યું છે.

ગુજરાત સ્પેસટેક પોલિસી અને સ્પેસ પાર્ક

અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર સાથે પરામર્શ કર્યા બાદ આ સ્થળની પસંદગી કરવામાં આવી છે.   એપ્રિલ 2025માં 'ગુજરાત સ્પેસટેક પોલિસી' લોન્ચ કર્યા પછી, ગુજરાત સ્પેસ ટેકનોલોજી ઇકોસિસ્ટમ માટે સમર્પિત નીતિ રજૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.  

આ ઉપરાંત સાણંદ પાસે 100 એકર જમીનમાં સ્પેસ પાર્ક સ્થાપવામાં આવી રહ્યો છે.  એઝિસ્ટા એરોસ્પેસ દ્વારા આ પાર્કમાં રૂ. 500 કરોડના રોકાણ સાથે સેટેલાઇટ ઉત્પાદન યુનિટનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પ્લાન્ટ સેટેલાઇટ ડિઝાઇન, એન્જિનિયરિંગ, એસેમ્બલી અને ટેસ્ટિંગ જેવી તમામ કામગીરી સંભાળશે.