Fri Apr 17 2026

Logo

ગુજરાત સરકાર સાણંદ-બેચરાજીને EV હબ તરીકે વિકસાવશે, નવી પોલિસી ટૂંક સમયમાં થશે જાહેર

2 weeks ago
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ ઈરાન યુદ્ધના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ગમે ત્યારો ભડકો થાય તેવા એંધાણ છે. કેટલીક કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે.  28 ફેબ્રુઆરીથી ઈરાન યુદ્ધની શરૂઆત થયા બાદ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે.  ઈંધણની અછતની ચિંતા અને ટેક્સ ઇન્સેન્ટિવ્સ પૂરા થતા પહેલા તેનો લાભ લેવાની દોડને કારણે માર્ચ મહિનામાં ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 75.5%નો વધારો થયો હતો. આ દરમિયાન રાજ્ય સરકારે આ સાણંદ અને માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજયનને ઈલેક્ટ્રિક વ્હીકલ હબ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે.

શું છે સરકારની યોજના
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા દોઢ દાયકામાં અમદાવાદ નજીક આવેલું સાણંદ અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન  ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગના હબ તરીકે ઉભરી આવ્યા છે. અહીં ઘણી અગ્રણી ઓટોમોબાઇલ કંપનીઓએ રોકાણ કર્યું છે અને કેટલીક કંપનીઓ રોકાણ કરવા ઈચ્છી રહી છે. ઇલેક્ટ્રિક વાહનોના ઝડપથી વધતા પ્રચલન સાથે, ગુજરાત સરકારે આ બે ઓટોમોબાઇલ ઉદ્યોગ હબને EV અને EV કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ તેમજ EV બિઝનેસ સપ્લાય ચેઇન હબ તરીકે પ્રદર્શિત કરવાની યોજના તૈયાર કરી છે.

પ્રોત્સાહન યોજના ટૂંક સમયમાં થઈ શકે છે જાહેર

સૂત્રોએ જણાવ્યું હતું કે, EV મેન્યુફેક્ચરિંગ અને EV કમ્પોનન્ટ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આગામી નવી ઔદ્યોગિક નીતિમાં વિશેષ પ્રોત્સાહક યોજનાઓની શ્રેણી શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. સૂત્રએ જણાવ્યું હતું કે, સરકાર સાણંદ અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનને સમર્પિત EV અને સંબંધિત ઉદ્યોગ હબ તરીકે વિકસાવવાની યોજના ધરાવે છે. સાણંદ અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનમાં EV અને સંબંધિત ઉદ્યોગો માટે પ્રાથમિકતાના ધોરણે જમીન ફાળવવામાં આવશે. EV ક્ષેત્ર માટે પ્રોત્સાહન યોજના ટૂંક સમયમાં આવવાની ધારણા છે. હાલની ઓટો કંપનીઓને તેમના EV સાહસો અથવા વિસ્તરણ યોજનાઓ માટે નવા ઇન્સેન્ટિવ્સ મળી શકે છે. પ્રોત્સાહનોના આ નવા સેટમાં EV બેટરી અને બેટરી ઘટકોનું ઉત્પાદન કરતી કંપનીઓને પણ આવરી લેવામાં આવશે.

દોઢ દાયકામાં ગુજરાતના ઓટોમોબાઈલ ઉત્પાદનમાં વૃદ્ધિ

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતે છેલ્લા દોઢ દાયકામાં ઓટોમોબાઇલ ઉત્પાદનમાં જંગી વૃદ્ધિ જોઈ છે. છેલ્લા 15 વર્ષમાં ઉત્પાદન આશરે 22 ગણું વધ્યું છે, જે તેને ભારતના ટોચના ઓટો હબ પૈકીનું એક બનાવે છે. ઓટોમોબાઇલ કંપનીઓ માટે સાણંદ અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન  પસંદગીના સ્થળો સાબિત થયા છે.  

આ દિગ્ગજ કંપનીઓના છે પ્લાન્ટ

સાણંદ અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન માં ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, હોન્ડા, હીરો મોટોકોર્પ અને અન્ય મોટી કંપનીઓ કાર્યરત છે. આમાંની કેટલીક ઓટો દિગ્ગજ કંપનીઓએ આ બે ઓટો હબ પર EV મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પહેલેથી જ સ્થાપી દીધા છે. અનેક મુખ્ય ઓટો કમ્પોનન્ટ ઉત્પાદકોએ પણ આ બે હબમાં પોતાના યુનિટ્સ સ્થાપ્યા છે, જે સાણંદ અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનમાં પ્લાન્ટ ધરાવતા મોટા ઓટોમોબાઇલ ઉત્પાદકો માટે અનુકૂળ ઇકોસિસ્ટમ પૂરી પાડે છે.