અમદાવાદ-સાણંદ અને સુરત-નવસારી વચ્ચે ઝડપી કનેક્ટિવિટી મળશે
ગાંધીનગરઃ રાજ્ય સરકાર શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ ભાર મૂકી રહી છે. જે અંતર્ગત અમદાવાદને તેના ઝડપથી વિકસતા આસપાસના વિસ્તારો સાથે જોડવા માટે રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)નું આયોજન શરૂ કર્યું છે. રાજ્ય જ્યારે શહેરી વિસ્તરણના આગામી તબક્કા માટે તૈયાર થઈ રહ્યું છે, ત્યારે સુરત, રાજકોટ અને વડોદરા માટે પણ સમાન RRTS નેટવર્કની કલ્પના કરવામાં આવી રહી છે.
ક્યા શહેરોને જોડવામાં આવશે
સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત નેટવર્ક હેઠળ અમદાવાદને સાણંદ, કલોલ, મહેસાણા અને દહેગામ સાથે જોડવામાં આવે તેવી શક્યતા છે. સુરત માટે સંભવિત જોડાણોમાં નવસારી, બારડોલી અને વલસાડનો સમાવેશ થાય છે, જ્યારે વડોદરાને આણંદ, નડિયાદ અને ડભોઈ સાથે જોડવાની અપેક્ષા છે. રાજકોટના નેટવર્કમાં વાંકાનેર અને ગોંડલનો સમાવેશ થવાની ધારણા છે.

બજેટ અને આયોજન
સરકારે RRTS કોરિડોરના ટેકનિકલ અભ્યાસ અને આયોજન માટે 2026-27ના બજેટમાં ₹10 કરોડ ફાળવ્યા છે. ફિઝિબિલિટી એસેસમેન્ટ માટે અમદાવાદને ઉચ્ચ અગ્રતા ધરાવતા શહેરી પ્રદેશ તરીકે ગણવામાં આવશે. હાલમાં સેપ્ટ યુનિવર્સિટી સૌથી સદ્ધર એલાઈનમેન્ટ અને ટેકનોલોજી વિકલ્પો ઓળખવા માટે 'અલ્ટરનેટિવ એનાલિસિસ રિપોર્ટ' તૈયાર કરી રહી છે.
આ પ્રોજેક્ટના માર્ગદર્શન માટે, રાજ્ય સરકારે નેશનલ કેપિટલ રીજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC)ની મદદ લીધી છે. આ સંસ્થા દિલ્હીની આસપાસ મેરઠ, સોનીપત અને અલવરને જોડતા ત્રણ RRTS કોરિડોરનો અમલ કરી રહી છે. NCRTC ને ગુજરાતના RRTS નેટવર્ક માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે.
2030 સુધીમાં લક્ષ્યાંક
સૂત્રોએ જણાવ્યું હતું કે એકવાર માસ્ટર પ્લાન તૈયાર થઈ જાય પછી, રાજ્ય સરકાર મંજૂરીઓ અને પ્રારંભિક કામગીરીનો આગામી રાઉન્ડ શરૂ કરશે. સૂત્રએ જણાવ્યું હતું કે, અમારો હેતુ 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા RRTS દ્વારા અમદાવાદની આસપાસના નગરોને જોડવાનું ભૌતિક કાર્ય શરૂ કરવાનો છે. ગુજરાતના અનેક મોટા શહેરોથી 40-60 કિમીની અંદર આર્થિક રીતે મહત્વના શહેરી કેન્દ્રો આવેલા છે. આ નગરો તેમના મુખ્ય શહેરો સાથે મજબૂત આર્થિક જોડાણ ધરાવે છે. સાણંદ, કલોલ, મહેસાણા અને દહેગામ અમદાવાદ શહેરી વિસ્તારમાં અગ્રણી કેન્દ્રો તરીકે ઉભરી આવ્યા છે. ઉચ્ચ ગુણવત્તાની કનેક્ટિવિટી સાથે, તેઓ મોટા શહેરી કેન્દ્રો તરીકે વિકસી શકે છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્યમાં વધી રહ્યું છે શહેરીકરણ
ગુજરાતમાં હાલમાં 17 મહાનગરપાલિકાઓ અને 152 નગરપાલિકાઓ સાથે ઝડપી શહેરીકરણ થઈ રહ્યું છે. રાજ્યની લગભગ 48% વસ્તી હવે શહેરી વિસ્તારોમાં રહે છે. આ અગાઉ, રાજ્ય સરકારે મોટા શહેરોની આસપાસ પાંચ સેટેલાઇટ ટાઉન વિકસાવવાની જાહેરાત કરી હતી અને 2025-26ના બજેટમાં આ પહેલ માટે ₹50 કરોડ ફાળવ્યા હતા.
18 ઓક્ટોબર, 2025 ના રોજ, શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગે કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે સૂચિત કર્યા હતા, જે મોટા શહેરોના વિસ્તરણ તરીકે વિકસાવવામાં આવશે.