Fri Apr 17 2026

Logo

ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં બ્રેક: નવા પ્રોજેક્ટ્સના રજીસ્ટ્રેશનમાં કોરોના કાળ પછીનો સૌથી મોટો ઘટાડો

1 week ago
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદ: ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નવા પ્રોજેક્ટ્સના રજીસ્ટ્રેશનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. GujRERAના ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2026 માં નવા પ્રોજેક્ટ્સની સંખ્યા ઘટીને 1,610 થઈ ગઈ છે, જે કોરોના પ્રભાવિત વર્ષ 2021 પછીનો સૌથી નીચો આંકડો છે. ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે, મહામારી પછીના સતત ચાર વર્ષની મજબૂત માંગ બાદ હવે બજારમાં ઠંડક જોવા મળી રહી છે. નવા લોન્ચિંગમાં આવેલો આ ઘટાડો માર્કેટમાં વધુ પડતા સપ્લાય અને ડેવલપર્સ દ્વારા અપનાવવામાં આવેલી સાવચેતીભરી નીતિ દર્શાવે છે. 

ગુજરાતના કુલ રજીસ્ટ્રેશનમાં અમદાવાદ 506 પ્રોજેક્ટ્સ સાથે મોખરે રહ્યું છે.વર્ષ 2021 થી, રાજ્યમાં વાર્ષિક પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન સતત 1,700 થી ઉપર રહ્યું હતું. જોકે, નાણાકીય વર્ષ 2026 માં અગાઉના વર્ષની સરખામણીએ લગભગ 211 પ્રોજેક્ટ્સનો ઘટાડો નોંધાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં મોટી સંખ્યામાં પ્રોજેક્ટ્સ લોન્ચ થયા છે, જેમાંથી ઘણા હજુ નિર્માણ હેઠળ છે. સામાન્ય રીતે પ્રોજેક્ટ પૂરો થતા ત્રણ વર્ષનો સમય લાગે છે, તેથી ડેવલપર્સ હવે નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં ઉતાવળ કરવાના બદલે સાવચેતી રાખી રહ્યા છે. જોકે, અમદાવાદ 2030 માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાનું હોવાથી, નાણાકીય વર્ષ 2027માં નવા લોન્ચિંગમાં ઉછાળો આવવાની આશા છે.

કયા શહેરમાં કેટલા પ્રોજેક્ટ્સ?

શહેરમાં નવા પ્રોજેક્ટ્સની સંખ્યામાંઅમદાવાદ 506 પ્રોજેક્ટ્સ સાથે મોખરે છે. સુરતમાં 328, વડોદરામાં 209, ગાંધીનગરમાં 169 રાજકોટમાં 109, ભાવનગરમાં 87 પ્રોજેકટ્સ છે.  સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ 663 પ્રોજેક્ટ્સ રહેણાંક ક્ષેત્રે નોંધાયા છે. બીજા ક્રમે મિક્સ યુઝ કેટેગરી હતી. તેમાં 518 પ્રોજેક્ટ છે. જ્યારે 233 કોમર્શિયલ પ્રોજેક્ટ્સ નોંધાયા છે. પ્લોટેડ ડેવલપમેન્ટમાં સુરત 124 પ્લોટેડ પ્રોજેક્ટ્સ સાથે રાજ્યમાં સૌથી આગળ રહ્યું છે.

ડેટા સ્પષ્ટ કરે છે કે રહેણાંક મકાનોમાં હજુ પણ અમદાવાદ 223 પ્રોજેક્ટ્સ અને વડોદરા 123 પ્રોજેક્ટ્સનું વર્ચસ્વ છે, જ્યારે કોમર્શિયલ સેગમેન્ટમાં પણ અમદાવાદ અને સુરત અગ્રેસર છે. માર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાથી પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાના કારણે રિયલ એસ્ટેટ માર્કેટ અત્યારે થોભો અને રાહ જુઓની સ્થિતિમાં છે.