ગાંધીનગર: ગુજરાતે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં હાલમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 15.197 મેગાવોટ અને સૌર ઊર્જાની ક્ષમતા 27,486 મેગાવોટ પર પહોંચી છે. આમ, કુલ 44,916 મેગાવોટની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. રાજ્ય સરકાર વર્ષ 2047 સુધીમાં નેટ-ઝીરો લક્ષ્યાંક હાંસલ કરવા માટે કટિબદ્ધ છે. ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરીને વર્ષ 2026-27 માટે રૂ. 429 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમ વર્ષ 2026-27 માટે ક્લાયમેટ ચેન્જ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.
ક્લાઈમેટ એક્શન ડેશબોર્ડ કાર્યરત
પર્યાવરણ સુરક્ષામાં ટેકનોલોજીના ઉપયોગ અંગે માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું કે 'ગુજરાત ક્લાઈમેટ એક્શન ટ્રેકર' પોર્ટલ દ્વારા દેશનું પ્રથમ જિલ્લા સ્તરીય ક્લાઈમેટ એક્શન ડેશબોર્ડ કાર્યરત કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન અને સ્વચ્છ મોબિલિટીનો ડેટા પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવી નાગરિકો અને સંશોધકોને ડેટા આધારિત નિર્ણય લેવા સક્ષમ બનાવવામાં આવ્યા છે. રાજ્યની સરકારી ઇમારતોને સૌર ઊર્જાથી સજ્જ કરવાની ઝૂંબેશ હેઠળ અત્યાર સુધીમાં 5377 ઇમારતો પર 87 મેગાવોટ સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે.
ઊર્જાની બચત માટે 669 થી વધુ બાયોગેસ પ્લાન્ટ
જયારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2015થી શરૂ કરાયેલ સબસિડી યોજના હેઠળ અત્યાર સુધી 56,000 થી વધુ વિદ્યાર્થીઓને રૂ. 63 કરોડની સીધી સહાય પૂરી પાડવામાં આવી છે. ત્રિ-ચક્રી વાહનો માટે પણ રૂ. 48,000 પ્રતિ વાહન સબસિડી આપવામાં આવે છે, જેનો લાભ હજારો નાગરિકોએ લીધો છે. ગ્રામીણ અને સંસ્થાકીય સ્તરે ઊર્જાની બચત માટે 669 થી વધુ બાયોગેસ પ્લાન્ટ અને 10,817 થી વધુ સુધારેલી સ્મશાનભઠ્ઠીઓ સ્થાપવામાં આવી છે, જે લાકડાના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.
સોલાર વોટર હીટિંગ સિસ્ટમ કાર્યરત
આ ઉપરાંત, આદર્શ નિવાસી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે 22.92 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતાની સોલાર વોટર હીટિંગ સિસ્ટમ કાર્યરત છે, જે પ્રદૂષણ ઘટાડવા સાથે વીજળીની બચત પણ કરે છે. મિશન LiFE અંતર્ગત જનજાગૃતિ લાવવા માટે કલેક્ટર મારફત જિલ્લા સ્તરે ગ્રાન્ટ ફાળવીને કામગીરી કરવામાં આવી રહી છે. પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર 19 વ્યક્તિઓ અને સંસ્થાઓને ગત વર્ષે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પર્યાવરણ ક્ષેત્રે નવીનતાને પ્રોત્સાહન માટે 5 કરોડની ફાળવણી
તેમજ મિશન લાઇફ મોડ્યુલ્સ મિશન લાઇફ હેઠળ ક્લાઇમેટ ચેન્જ અંગેના શૈક્ષણિક અને જાગૃતિ મોડ્યુલો બનાવવા માટે રૂ. 9.3 કરોડ ની જોગવાઈ ગ્રીન સ્ટાર્ટઅપ એક્સેલરેશન સ્કીમ (GSAS)પર્યાવરણ ક્ષેત્રે નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રૂ.5 કરોડ ફાળવવામાં આવ્યા છે