ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે ગુજરાત લોક સેવા આયોગમાં કરવામાં આવતી ભરતી વિશે પુછાયેલા પ્રશ્નોના જવાબ આપતાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની યુવાશક્તિને સરકારી સેવામાં જોડાવાની ઉમદા તક પૂરી પાડવા ગુજરાત સરકાર મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. રાજ્ય સરકારની વહીવટી કાર્યક્ષમતા વધારવા અને યુવાનોને રોજગારી આપવા અમારી સરકાર કટિબદ્ધ છે.
વર્ષ 2024માં 73 અને વર્ષ 2025માં 233 જગ્યાઓનો સમાવેશ
મંત્રી ઈશ્વરસિંહ પટેલે એ જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગ ને વર્ગ-1 અને વર્ગ-2 ની કુલ 306 જગ્યાઓ માટે માંગણાપત્રક મોકલવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2024માં 73 અને વર્ષ 2025માં 233 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ પૈકી 240 જગ્યાઓ માટેની પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાઓ પૂર્ણ થઈ ચૂકી છે, જેના પરિણામો જાહેર કરી ટૂંક સમયમાં જ ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
30,000 થી વધુ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત
સરકારી ભરતીમાં સાતત્ય અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા 10 વર્ષીય ભરતી કેલેન્ડર પ્રસિદ્ધ કર્યું છે. આ આયોજન હેઠળ વર્ષ 2024 થી 2033 દરમિયાન કુલ 2,10,582 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. ગત વર્ષમાં જ 30,000 થી વધુ સફળ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે.
સમાજના દરેક વર્ગને ન્યાય આપવા કટિબદ્ધ
રાજ્યમાં ઉચ્ચ વહીવટી સ્તરે ખાલી જગ્યાઓ ભરવાની કામગીરી પણ વેગવંતી છે. હાલની સ્થિતિ પ્રમાણે વર્ગ-1 ની કુલ 13,803 મંજૂર જગ્યાઓ સામે 7535 જગ્યાઓ તથા વર્ગ-2 ની કુલ 34,335 મંજૂર જગ્યાઓ સામે 22,857 જગ્યાઓ ભરાયેલી છે. રાજ્ય સરકાર માત્ર સામાન્ય ભરતી જ નહીં, પરંતુ સમાજના દરેક વર્ગને ન્યાય આપવા કટિબદ્ધ છે. ખાસ કરીને દિવ્યાંગો માટેની ખાલી જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા 'ખાસ ઝુંબેશ' હાથ ધરવામાં આવી છે, જેના હેઠળ વિવિધ સંવર્ગોમાં અનામત જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે.