Fri Apr 17 2026

Logo

ગુજરાત પોલીસ ભરતીમાં ઉમેદવારોની  ઉંચાઇનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો, કોર્ટે પુન: ઉંચાઇ માપવા આદેશ આપ્યો

1 month ago
Author: Chandrakant Kanoja
Article Image

અમદાવાદ : ગુજરાત પોલીસ ભરતી દરમિયાન ઉમેદવારોની ઉંચાઇના મુદ્દે વિવાદ સર્જાયો છે. તેમજ આ મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. આ અંગે ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ભરતી પ્રક્રિયા દરમિયાન ઉંચાઇનું માપદંડ અંગે  દાદ માંગી છે. આ વિવાદ  શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET) દરમિયાન શરૂ થઈ હતી, જેમાં ઓછામાં ઓછી 165 સેન્ટિમીટર  ઉંચાઇ જરૂરી છે. જોકે, થોડા સમય પૂર્વે  165 સેન્ટિમીટર  ઉંચાઇ ધરાવતા કેટલાક ઉમેદવારોને આ વખતે  તેમની ઉંચાઇ ઓછી હોવાનું કહીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. 

ઓછી ઉંચાઇને કારણે ઉમેદવારોને  બાકાત રાખવામાં આવ્યા

આ અંગે અરજદારોની દલીલ છે કે, થોડા વર્ષે પૂર્વે  ભરતી પ્રક્રિયા દરમિયાન  તેમની ઉંચાઇ 165  સેન્ટિમીટર કે તેથી વધુ હતી અને તેમને આગામી તબક્કા માટે મંજૂરી આપવામાં આવી હતી. હવે  આ વખતે તેમની ઓછી ઉંચાઇને કારણે તેમને બાકાત રાખવામાં આવ્યા છે.

ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજી કરી 

આ અંગે કોર્ટમાં ગાંધીનગર જિલ્લાના તુષાર ભાલિયા અને ગોવિંદ સિંધવ, બનાસકાંઠાના પપ્પુ પરમાર અને અમદાવાદના મુકેશ ચૌહાણે અરજી કરી હતી. તેમણે પોલીસ વિભાગમાં વિવિધ હોદ્દા માટે અરજી કરી હતી અને અગાઉ તેમની ઉંચાઇના આધારે તેમને લાયક જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, આ વખતે તેમની ઉંચાઇ 165 સેન્ટિમીટરથી ઓછી હોવાનું જાણવા મળ્યું હતું અને તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

હાઇકોર્ટે ઉમેદવારોને 10,000 રૂપિયા જમા કરાવવાવા આદેશ આપ્યો 

આ અંગે સમાન અરજીઓ દાખલ કરવામાં આવતા ન્યાયાધીશ નિર્જર મહેતાએ એક સરળ નિયમ લાગુ કર્યો હતો. તેમણે જણાવ્યું કે દરેક અરજદારે કોર્ટ રજિસ્ટ્રીમાં 10,000 રૂપિયા જમા કરાવવા પડશે. તેમજ જો  ઉંચાઇનો દાવો સાચો સાબિત થાય તો પરત કરવામાં આવશે.  આ મુદ્દાના ઉકેલ માટે, હાઈકોર્ટે તબીબી દેખરેખ હેઠળ પુનઃ માપનનો આદેશ આપ્યો હતો. ઉમેદવારોને 19 ફેબ્રુઆરીએ સોલા GMERS સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર સમક્ષ તેમની ડિપોઝિટના પુરાવા સાથે હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હોસ્પિટલ સત્તાવાળાઓને જરૂરી વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે.

સમગ્ર પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ કરવા આદેશ 

આ ઉપરાંત ઇંચ અને સેન્ટિમીટર પર વધુ કોઈ વિવાદ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યા છે. કોર્ટે  આદેશ આપ્યો કે સમગ્ર પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે અને 23 ફેબ્રુઆરી 2026 ની નિર્ધારિત તારીખે આ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે.