અમદાવાદઃ કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગઈકાલે ₹ 1.60 લાખ કરોડનાં પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી. નવી દિલ્હીમાં સાઉથ બ્લોક ખાતેની છેલ્લી બેઠકમાં રેલવે, નેશનલ હાઈવ, મેટ્રો વિસ્તરણ, શહેરી સુધારા અને સ્ટાર્ટ અપ ફંડિંગ સહિતના અનેક પ્રોજેક્ટોને મંજૂરી અપાઈ હતી. ગુજરાતમાં નેશનલ હાઇવે ફોર-લેન કરવા ₹4,583 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.
આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ ₹4,583.54 કરોડના ખર્ચે દાહોદ, છોટા ઉદેપુર અને તાપીમાંથી પસાર થતાં નેશનલ હાઇવે-58ના બે મહત્ત્વના સેક્શનને ફોર-લેન કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. નેશનલ હાઇવેના આ બે સેક્શનમાં ધમસિયા-બિટાડા/મોવી (47 48 કિમી) તથા નસરપોર-માલોથા (60.21 કિમી)નો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ નેશનલ હાઇવે-56નો એક હિસ્સો છે, જે રાજસ્થાનના નિમ્બાહેડાથી શરૂ થાય છે અને ગુજરાતના દાહોદ જિલ્લા, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાંથી પસાર થાય છે અને પછી છોટા ઉદેપુર નજીક ગુજરાતમાં ફરી ચાલુ થાય છે. તે વાપી નજીક પૂરો થાય છે. આ પ્રોજેકટથી દાહોદ, છોટા ઉદેપુર, તાપી અને ભરુચના આદિવાસી વિસ્તારોમાં તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની કનેક્ટિવિટીમાં સુધારો થશે.
Cabinet approval for the upgradation of Dhamasiya-Bitada/ Movi and Nasarpore-Malotha Sections of National Highway-56 to Four-Lane Standard will further connectivity, especially in remote and tribal areas of Gujarat. At the same time, it will enable more people to visit Statue of…
— Narendra Modi (@narendramodi) February 14, 2026
આ પ્રોજેક્ટ 100 કિમી/કલાકની ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેનાથી વાહનોની સરેરાશ ઝડપ 70 કિમી/કલાક રહેશે અને મુસાફરીના સમયમાં 40% નો ઘટાડો થશે — એટલે કે 2.5 કલાકની મુસાફરી હવે માત્ર 1.5 કલાકમાં પૂર્ણ થશે. આ ઉપરાંત, સૂચિત કોરિડોરની આસપાસ આર્થિક પ્રવૃત્તિઓ વધવાથી રોજગારીની વધારાની તકો પણ ઉભી થશે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માધ્યમથી, NH-56 (175 કિમી) ના ભારે ટ્રાફિક ધરાવતા જાંબુગામ (બોડેલી) થી મલોથા સેક્શનને ચાર પેકેજ હેઠળ ફોર-લેન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાંબુગામ (બોડેલી) થી ધમાસિયા અને મોવી થી નાસરાપોર સુધીના પટ્ટાના કામો પહેલેથી જ ફાળવી દેવામાં આવ્યા છે, અને તેનું બાંધકામ નવેમ્બર 2025 માં શરૂ થઈ ગયું છે, જે બે વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. વર્તમાન પ્રોજેક્ટ પેકેજો પૂર્ણ થયા પછી, બોડેલી થી મલોથા સુધી સતત ફોર-લેન કનેક્ટિવિટી સ્થાપિત થશે, જેનાથી NH-56 પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને NH-53, NH-48 તથા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (NE-4) સાથેનું જોડાણ વધુ મજબૂત બનશે.