ગાંધીનગર : ગુજરાતમાં જળ સંચયના પ્રથમ અને દ્વિતીય તબક્કા હેઠળ કુલ 2.75 લાખથી વધુ કામો હાથ ધરાયા છે. જેમાં દેશના ટોચના 10 જિલ્લામાં રાજ્યના સુરત જિલ્લાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જયારે દેશની ટોચની 10 મહાનગરપાલિકામાં અમદાવાદ, સુરત અને જામનગર મહાનગરપાલિકાએ ક્રમશ ત્રીજા, ચોથા અને સાતમા ક્રમે રહી છે.
ગુજરાતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી
ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્યે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, જળ સંચયના કામોમાં ગુજરાત રાજ્ય હાલ સમગ્ર દેશમાં છઠ્ઠા સ્થાને છે. દેશમાં અનિયમિત વરસાદ અને વધતી જતી પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા "જળ સંચય જન ભાગીદારી " અભિયાનમાં ગુજરાતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
દેશની ટોચની 10 મહાનગરપાલિકાઓમાં ગુજરાતની ત્રણ મહાનગરપાલિકા
મંત્રીએ જણાવ્યું હતું કે, જળ સંચય અભિયાન હેઠળ દેશની ટોચની 10 મહાનગરપાલિકાઓમાં ગુજરાતની ત્રણ મહાનગરપાલિકાઓએ સ્થાન મેળવ્યું છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાએ ત્રીજો, સુરત મહાનગરપાલિકાએ ચોથો અને જામનગર મહાનગરપાલિકાએ સાતમો ક્રમ હાંસલ કર્યો છે. આ ઉપરાંત દેશના ટોચના 10 જિલ્લાઓમાં પણ ગુજરાતના સુરત જિલ્લાએ સાતમો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
જળ સંચય અભિયાનનો દ્વિતીય તબક્કો
વધુ વિગતો આપતા મંત્રીએ કહ્યું કે, જળ સંચય અભિયાનના પ્રથમ તબક્કા દરમિયાન ગુજરાતમાં કુલ 1,33,522 જળ સંચયના કામો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા હતા. હાલમાં જળ સંચય અભિયાનનો દ્વિતીય તબક્કો ચાલી રહ્યો છે. આ દ્વિતીય તબક્કામાં પણ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,41,821 કામો હાથ ધરવામાં આવ્યા છે.
ઉદ્દેશ્ય વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવાનો
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવાનો છે. આ કાર્યમાં સરકાર સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, ખેડૂત મંડળો, NGOs અને સામાન્ય નાગરિકો "શ્રમદાન" દ્વારા સીધી સહભાગિતા નોંધાવી રહ્યા છે.આ અભિયાન અંતર્ગત બોરવેલ રિચાર્જ, ચેક ડેમ, રૂફ ટોપ વોટર હારવેસ્ટીંગ, તળાવો ઊંડા કરવા અને પંચાયત-ગ્રામ વિકાસ જેવા વિવિધ વિભાગોના સંકલનથી કુલ 17 પ્રકારના વિવિધ જળ સંચયના કામો કરવામાં આવી રહ્યા છે.