(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન 26મી એપ્રિલે છે અને ગણતરી 28મી એપ્રિલે છે. જોકે પરિણામ નહીં, પરંતુ મતદાન પહેલા જ ભાજપમાં ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે. જેમ જેમ ફોર્મ ચકાસણી થઈ રહી છે, તેમ તેમ ભાજપના ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ભાજપ 300 બેઠક પર બિનહરિફ ચૂંટાઈ આવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસ સુધીમાં ભાજપે ૧૩૫ બેઠક પર નિર્વિરોધ જીત મેળવી લીધી હતી. સોમવારે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ, વધુ ૧૬૫ બેઠક ઉમેરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આજે બપોરે ૩ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ હોવાથી આ આંકડો હજુ વધે તેવી સંભાવના છે.
૩૯૩ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની કુલ ૯,૯૯૨ બેઠકમાંથી, ૩૦૦થી વધુ બેઠક ભાજપના નામે થઈ ચૂકી છે. આમાં મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 20, નગરપાલિકાઓમાં 178, જિલ્લા પંચાયતોમાં 12 અને તાલુકા પંચાયતોમાં 90 બેઠકોનો સમાવેશ થાય છે. તેની સરખામણીમાં, 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 221 બેઠકો બિનહરીફ રહી હતી, જેમાંથી 220 બેઠક ભાજપે જીતી હતી.
આવનારી ચૂંટણી માટે અરજી કરવામાં આવેલા 39,387 ઉમેદવારી ફોર્મ (પેટાચૂંટણી સહિત) માંથી 9,520 નામાંકન ફોર્મ રદ કરવામાં આવ્યા હતા, જેના કારણે લગભગ 29,792 ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા હતા. જોકે અંતિમ આંકડો આજે જાણવા મળશે.
કૉંગ્રેસ-આપે સ્થાનિક ચૂંટણીઓમાં પણ રમવુ પડયું રિસોર્ટ પોલિટિક્સ
બીજી બાજુ કૉંગ્રેસ માટે સ્થિતિ ખૂબ જ પડકારજનક સાબિત થઈ રહી છે. એક તો પક્ષના મોડા મેન્ડેટ અને ઉમેદવારોની ભૂલોને કારણે ઉમેદવારીપત્રો રિજેક્ટ થઈ રહ્યા છે. તો બીજી બાજુ કૉંગ્રેસે ઉમેદવારો બચાવવા માટે રિસોર્ટ પોલિટિક્સ કરવાની ફરજ પડી હોવાના અહેવાલો છે. રાજકોટ બાદ કલોલ, નડિયાદ,મોરબી સહિતના શહેરોના ઉમેદવારોને પણ અજ્ઞાત સ્થળે લઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નડિયાદ મનપાના કોંગ્રેસના 25 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા, કલોલના પણ 15થી 20 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાના અહેવાલો છે. મોરબીમાં પણ કૉંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. મોરબી મનપાના 3 ઉમેદવારના અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા.
તાલુકા પંચાયતના ઉમેદવારોને પણ અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. માળિયા તાલુકા પંચાયતના 3 ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. આવું જ પોરબંદર અને રાજકોટમા થયું હોવાના અહેવાલો રવિવારથી વહેતા થયા છે. દરમિયાન અહેવાલો અનુસાર આમ આદમી પાર્ટીએ પણ પોતાના 40 જેટલા ઉમેદવારને અજ્ઞાત સ્થળોએ લઈ જવાની ફરજ પડી હતી. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસો પહેલા બન્ને પક્ષ પોતાના ઉમેદવારોને બચાવી રાખવા મથી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ રીતે ઉમેદવારોને છુપાવવા પડે તેવું લગભગ પહેલીવાર બન્યું હોવાનું જાણકારો કહે છે.