ભુજ: કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં અકસ્માત અને ડૂબી જવાની પાંચ જેટલી હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે જેમાં અંજાર, ભચાઉ, ગાંધીધામ અને બંદરીય મુંદરા તાલુકામાં પાંચ વ્યક્તિઓએ અકાળે જીવ ગુમાવ્યા છે. જેમાં અંજારના વીડી વિસ્તારમાં આવેલી ઈસ્માઈલની ખાણના પાણી ભરેલા ખાડામાં ગઈકાલે બપોરે 45 વર્ષીય રમેશ ધનજી હડિયા કોઈ કારણોસર ડૂબી ગયા હતા.જેમને બચાવી શકાયા ન હતા. બીજી તરફ, ભચાઉના ચોપડવા પાસે આવેલી કેમફૂડ કંપનીની કોલોનીમાં રહેતા તોમસ રામચંદ્રન મહાલી ઘરની પછીતે આવેલી પાણીની ટાંકીમાં ડૂબી જતાં તેમનું પણ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ગાંધીધામ ઓવરબ્રિજ પર જીવલેણ અકસ્માત
આ ઉપરાંત અન્ય ઘટનામાં ગાંધીધામના ચુંગીનાકા ઓવરબ્રિજ પર ગત મોડી રાત્રે એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં વોંધના રહેવાસી દેવા રાણા રબારી (42) પોતાનું ડમ્પર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ જતાં ટ્રેઈલરના ચાલકે અચાનક બ્રેક મારતાં ડમ્પર પાછળથી ધડાકાભેર અથડાયું હતું. આ ટક્કરમાં દેવાભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મામલે ટ્રેઈલર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મશીનનો લોખંડી હૂક તૂટતા મોત
જ્યારે અન્ય એક અપમૃત્યુનો બનાવ બંદરીય મુંદરાના કુંદરોડી પાસે આવેલી આદિ શક્તિ નામની કંપનીમાં બન્યો હતો. જેમાં 34 વર્ષીય રાજકુમાર વીરશી નામનો યુવક હાઈડ્રો મશીન વડે લોડર લગાવી રહ્યો હતો, ત્યારે અચાનક મશીનનો લોખંડી હૂક તૂટીને સીધો તેના માથા પર પડતાં ગંભીર ઈજાના કારણે રાજકુમારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાગપર પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અજાણ્યા વૃદ્ધના મૃતદેહની ઓળખ કરાઇ
આ દરમ્યાન ભુજના ઐતિહાસિક હમીરસર તળાવમાંથી ગત સાંજે મળી આવેલા અજાણ્યા વૃદ્ધના મૃતદેહની ઓળખ જાદવજીનગરના રહેવાસી ભરત વીરજી સચદે (75 ) હોવાનું બહાર આવ્યું છે. જેમાં ભરતભાઈ છેલ્લા 15-20 વર્ષથી માનસિક અસ્વસ્થ હતા અને ગત 25 માર્ચથી ઘરેથી નીકળી ગયા હોવાનું હતભાગીના પુત્રએ પોલીસને જણાવ્યું હતું.
( ઉત્સવ વૈધ)