અમદાવાદઃ ગુજરાતમાં હવે રાજ્યમાં હયાત રોડ, બ્રિજ, બિલ્ડિંગ સહિત તમામ સરકારી તેમજ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું રાજ્ય કક્ષાએથી ઇન્ટીગ્રેટેડ મૉનિટરિંગ થશે કે જેથી કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામાન્ય પ્રજાની સલામતી માટે જોખમકારક ન બને. ગુજરાત સરકારે એસેટ સેફ્ટી મૉનિટરિંગ પોર્ટલની જાહેરાત કરી હતી.
રાજ્ય સરકારના આ નિર્ણય અંગે સામાન્ય વહિવટી વિભાગ (જીએડી) દ્વારા તાજેતરમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ રાજ્યના રોડ, બ્રિજ, સરકારી ઇમારતો તથા અન્ય નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત 1.50 લાખથી વધુ જાહેર સંપત્તિઓની હવે એક જ સેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ પ્લેટફૉર્મ પર નોંધણી થશે. જીઆઈએસ આધારિત લોકેશન, ફોટોગ્રાફ્સ, સંરક્ષક અધિકારીની વિગતો તથા ખાસ ડિજિટલ ઓળખ, આ સંપૂર્ણ વ્યવસ્થા મિલ્કતોની આવરદાની વૈજ્ઞાનિક તેમજ સતત દેખરેખ સુનિશ્ચિત કરશે. તેનાથી માત્ર વર્તમાન સુરક્ષા જ મજબૂત નહિં થાય, પણ ભવિષ્યની બાંધકામ પ્રક્રિયા પણ ડેટા આધારિત બનશે.
રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર એસેટ સેફ્ટી મૉનિટરિંગ પોર્ટલના માધ્યમથી એ સુનિશ્ચિત કરવામાં આવશે કે કોઈ પણ મિલ્કતની માળાખકીય નબળાઈ, નિરીક્ષણમાં વિલંબ કે રિપૅરિંગની જરૂરિયાત પ્રત્યે બેદરકારી ન થાય. સ્વચાલિત નિરીક્ષણ કૅલેન્ડર તથા રિયલ-ટાઇમ ઍલર્ટ સિસ્ટમ વહીવટી તંત્રને સમયસર કાર્યવાહી માટે ફરજ પાડશે. આ પોર્ટલ પર ફીલ્ડ ઑફિસર્સ ડિજિટલ લૉગિન વડે નિરીક્ષણ રિપોર્ટ તથા ફોટોગ્રાફ્સ અપલોડ કરશે. જિલ્લા કલેક્ટરો તથા મહાનગર પાલિકા કમિશ્નરોએ સાપ્તાહિક, માસિક તથા ત્રિમાસિક સમીક્ષા કરવાની રહેશે. પ્રભારી સચિવો જિલ્લા પ્રવાસ દરમિયાન જરૂરી નિર્દેશો આપશે.
જીએડીમાં રચાયેલ ડેડિકેટેડ એસેટ સેફ્ટી મૉનિટરિંગ સેલ રાજ્ય કક્ષાએ ડેઈલી મૉનિટરિંગ કરશે તથા મુખ્ય સચિવને નિયમિત રિપોર્ટ સોંપશે.