Fri Apr 17 2026

Logo

ગુજરાતે સ્પેસ સેક્ટરમાં રચ્યો ઇતિહાસ, પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ

1 month ago
Author: chandrakant Kanoja
Article Image

ધોલેરા: ગુજરાતમાં  ધોલેરાના બાવળીયારી ખાતે અવકાશ સંશોધન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ 'ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ' (OSRE) દ્વારા રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા ખાનગી સંસ્થાઓને આપવામાં આવતા સહયોગ અને 'ગુજરાત સ્પેસટેક પોલિસી (2025 -2030)' ને કારણે આજે ગુજરાતે અવકાશ ક્ષેત્રે ગગનચુંબી ઉડાન ભરી છે. સ્વદેશી સ્પેસ ટેકનોલોજીને પ્રોત્સાહન આપીને યુવા વૈજ્ઞાનિકો માટે નવી તકોનું સર્જન કરવાનો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી  અર્જુન  મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. 

મીની સેટેલાઈટ પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો

ધોલેરાના બાવળીયારી ખાતે નિર્મિત અસ્થાયી લોન્ચિંગ કોમ્પ્લેક્સ પરથી બપોરે  આ સિંગલ-સ્ટેજ સબ-ઓર્બિટલ રોકેટે ઉડાન ભરી હતી. આ રોકેટે અંદાજે ૩ કિલોમીટરની ઊંચાઈ (Apogee) પ્રાપ્ત કરીને પ્રોપલ્શન, એવિઓનિક્સ અને ઓટોનોમસ રિકવરી સિસ્ટમ જેવી જટિલ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ રોકેટ સાથે હવામાનના ડેટા કલેક્ટ કરી શકે તેવો એક મીની સેટેલાઈટ પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો.

સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ 'ઇન્ફિનિટી વનનો માર્ગ મોકળો 

'મેક ઇન ઇન્ડિયા' અભિગમ હેઠળ આ રોકેટનું એરફ્રેમ કાર્બન ફાઈબર અને એડવાન્સ કમ્પોઝિટ મટીરિયલમાંથી ઓમસ્પેસની અમદાવાદ ખાતેની લેબમાં જ તૈયાર કરવામાં આવ્યું છે. ઓમસ્પેસના સ્થાપક અને CEO ડો. રવિન્દ્ર રાજે   જણાવ્યું હતું કે આ સફળતાથી આગામી સમયમાં ભારતના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ 'ઇન્ફિનિટી વન' (Infinity One) ના નિર્માણનો માર્ગ મોકળો થયો છે.

આ મિશન IN-SPACe (ISRO)ની અધિકૃતતા હેઠળ હાથ ધરવામાં આવ્યું 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ લોન્ચિંગ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI), ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને DGCA દ્વારા જરૂરી મંજૂરીઓ અને ટેકનિકલ સહયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો. આ મિશન IN-SPACe (ISRO)ની અધિકૃતતા હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય  કાળુભાઈ ડાભી સહિત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.