Fri Apr 17 2026

Logo

ગુજરાતના પંચમહાલ અને દાહોદમાં 1100 કરોડના વિકાસ કામોનું સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

1 month ago
Author: Chandrakant Kanoja
Article Image

ગોધરા : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પૂર્વ પટ્ટીના બે આદિવાસી જિલ્લાઓ પંચમહાલ અને દાહોદ માં એક જ દિવસમાં 1100 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.  મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં પંચમહાલ જિલ્લામાં 732 કરોડ રૂપિયાના 112 કામો તથા દાહોદ જિલ્લામાં 367 કરોડ રૂપિયાના 1200થી વધુ કામોની ભેટ આદિજાતિ પરિવારોને આપી હતી.  પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબાના 79 ગામોના 130 તળાવમાં પાનમ જળાશયનું પાણી પહોંચાડવાની અંદાજે રૂપિયા 406 કરોડની ઉદવવહન સિંચાઈ પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કર્યું હતું. 

86 હજાર હેક્ટર વિસ્તારને સિંચાઈની સુવિધા મળતી થશે

આ યોજનાના પરિણામે અંદાજે 86 હજાર હેક્ટર વિસ્તારને સિંચાઈની સુવિધા મળતી થશે. પાનમ જળાશયમાંથી આ હેતુસર 236 ફૂટ ઊંચાઈથી પાણી લિફ્ટ કરીને 205 કિલોમીટર લાંબી વિતરણ પાઇપલાઇન મારફતે વહેવડાવવામાં આવશે.

આદિવાસી વિસ્તારોમાં સિંચાઈની સગવડ આપવા 485 કરોડ રૂપિયાની જોગવાઈ 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પાણીને જ વિકાસનો મુખ્ય આધાર ગણવાતા આ અવસરે કહ્યું કે, રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં અત્યાર સુધીમાં રૂ. 3160 કરોડના ખર્ચે 11 ઉદવાહન સિંચાઈ યોજનાથી 2 લાખ 23 હજાર એકર જમીનને સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવી છે. 
રાજ્ય સરકારના આ વર્ષના 4  લાખ કરોડ રૂપિયાના ઐતિહાસિક બજેટમાં પણ આદિવાસી વિસ્તારોમાં સિંચાઈની સગવડ આપવા 485 કરોડ રૂપિયાની જોગવાઈ લિફ્ટ ઈરિગેશન માટે સુનિશ્ચિત કરી છે.  એટલું જ નહિ, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત લિફ્ટ ઈરિગેશનથી 18 તાલુકાઓના 51,480 હેક્ટર જમીન વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાનું પ્રાવધાન કર્યું છે. 

દાહોદને  ઇન્સ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ બનાવવા આહવાન 

તેમણે પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં મુખ્યત્વે આરોગ્ય, શિક્ષણ, રોડ નેટવર્ક, પાણીની સુવિધાના વિકાસ કામોની ભેટ આપી હતી.
તેમજ -એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટમાં સમાવેશ થયેલા દાહોદ જિલ્લાને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં લીડ લેનારો ઇન્સ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ બનવાનું મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું હતું. 

વિશાળ સંખ્યામાં આદિજાતિ પરિવારો સહભાગી થયા

આ  લોકાર્પણ અને ખાત મુહુર્ત અવસરે મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્ય મંત્રી રમેશ કટારા અને પી. સી. બરંડા, સાંસદ રાજપાલસિંહ જાદવ, જશવંતસિંહ ભાભોર, રાજ્યસભા સાંસદ  ડૉ. જસવંતસિંહ પરમાર, બંને જિલ્લાના ધારાસભ્યોઓ, સ્થાનિક પદાધિકારીઓ, બંને જિલ્લાના કલેક્ટર સહિતના વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં આદિજાતિ પરિવારો સહભાગી થયા હતા.