રાજકોટ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં મહાનગરપાલિકાનાં રૂ.751.20 કરોડના 45 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. 119.05 કરોડના ખર્ચે નવનિર્મિત EWS-II પ્રકારના આવાસોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે રૂ. 9.78 કરોડના ખર્ચે નિર્મિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને નવા વ્હીકલ ટેસ્ટ ટ્રેકનું પણ લોકાર્પણ કરાયું હતું.
ગુજરાતનું નાણાકીય પ્રબંધન દેશમાં પ્રથમ ક્રમે
રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ઈઝ ઓફ લિવિંગ અને અર્ન વેલ, લિવ વેલની નેમ સાથે આગળ વધતા રાજકોટને આજે રૂ. 751.20 કરોડના વિકાસ કામોની ભેટ મળી છે. ગુજરાત રાજ્યનું વિકાસ મોડેલ અને વિકાસ કાર્યો માટે ગુજરાતનું નાણાકીય પ્રબંધન દેશમાં પ્રથમ ક્રમે છે.
છેલ્લા 15 દિવસમાં જ રૂ. 1100 કરોડથી વધુના કામોનું લોકાર્પણ
આ અવસરે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ આજના કાર્યક્રમને જનસુખાકારી માટેનો ઐતિહાસિક અવસર ગણાવતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસમાં જ રૂ. 1100 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે એક રેકોર્ડ છે.
તેમણે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રથી વિકાસની ધારા ગુજરાતભરમાં વહી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના અવિરત પ્રયત્નોને પરિણામે આજે રાજકોટના દરેક ખૂણાનો વિકાસ થયો છે.
જ્યારે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાએ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં શહેરી વિકાસ વિભાગના રૂ. 543 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ તથા રૂ. 207 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત થયા છે. આ બદલ તેમણે નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.
સૌરાષ્ટ્રના સૌથી મોટા વોટર ફિલ્ટર પ્લાન્ટનો પણ શિલાન્યાસ
સ્વાગત પ્રવચન કરતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરમાં છેલ્લા એક જ માસમાં રૂ. 1100 કરોડના વિકાસ કામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત થયા છે. નળ, રસ્તા, ગટર અને ઘર એમ ચારેય ક્ષેત્રમાં સેચ્યુરેશનનો પાયો નખાયો છે. આજના પ્રસંગે રૂ. 161 કરોડના રોડના કામો તેમજ સૌરાષ્ટ્રના સૌથી મોટા વોટર ફિલ્ટર પ્લાન્ટનો પણ શિલાન્યાસ કરાયો છે.