Fri Apr 17 2026

Logo

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ફુવારા અને ડ્રીપ ઇરીગેશન પદ્ધતિમાં સબસીડી વધારવા સૈદ્ધાંતિક મંજૂરી આપી

2 weeks ago
Author: Chandrakant Kanoja
Article Image

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના ખેડૂતોના હિતમાં ફુવારા અને ડ્રીપ ઇરીગેશન પદ્ધતિમાં સબસીડી વધારવા  સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે, ફુવારા અને ડ્રીપ પદ્ધતિ જેનાથી ખેડૂતોને પાણીની બચત થાય છે અને ખેડૂતો ઓછા પાણીએ સારું ઉત્પાદન મેળવે છે. આ યોજનામાં સબસીડી વધારવાની આ રજુઆતને રાજ્યના મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સબસીડી વધારવાનો નિર્ણય એ વિભાગો સાથે ચર્ચા કરીને આગામી સમયમાં  રાજ્ય સરકાર કરવા જઈ રહી છે. 

કિસાન સંઘ સાથે બેઠકો યોજીને પરામર્શ

આ ઉપરાંત મંત્રી  વાઘાણીએ જણાવ્યું હતું કે  ખેડૂતોના જે કંઈ પણ પ્રશ્નો હોય એ સંદર્ભે કિસાન સંઘ દ્વારા હર હંમેશ અમારૂ ધ્યાન દોરવામાં આવે છે અને સરકાર કાયમ માટે આ પ્રશ્નોના હકારાત્મક નિવારણ માટે સતત પ્રયત્નો કર્યા છે અને કરતી રહેશે, તેમણે કહ્યું કે, કિસાનોના પ્રશ્નોના નિરાકરણ માટે મારા સહિત ઊર્જા મંત્રી  ઋષિકેશ પટેલ, વન મંત્રી  અર્જુનભાઈ મોઢવાડીયા સહિત અન્ય પદાધિકારીઓની સમિતિ રચી છે જે નિયમિત રીતે કિસાન સંઘ સાથે બેઠકો યોજીને પરામર્શ કરે છે અને તેઓ મુખ્યમંત્રીને પણ મળીને પરામર્શ કરતા હોય છે. 

હાઈ કંટ્રોલ કેનાલને આગળ વધારવા માટે રાજય સરકારે સહમતિ આપી

મંત્રીએ કહ્યું હતું કે  રાજ્ય સરકારે ચેક ડેમો, તળાવો, મોટા ડેમો  પણ ભર્યા છે. જેમાં લગભગ ૦૭ કિ.મી સુધી એ તળાવો અને ડેમો તબક્કાવાર ભરાશે.  જેના પરિણામે પાણીના તળ ઊંચા આવે, ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તેમજ નાગરિકોને પીવાનું પાણી મળે તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે. સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના દ્વારા પાઇપલાઇન થકી વધુમાં વધુ તળાવ ભરાય એવી યોજના બનાવવી  તેમજ  હાઈ કંટ્રોલ કેનાલને આગળ વધારવા માટે રાજય સરકારે સહમતિ આપી છે. 

ટ્રેકટર ટોલીને 5 વર્ષ સુધી આર.ટી.ઓ. પાર્સીંગમાંથી મુકિત 

તેમણે  વધુમાં જણાવ્યું હતું કે, ટ્રેક્ટર અને ટ્રોલી માટે ખેડૂતોને  પાસિંગ કરાવવા આર.ટી.ઓમાં એક સમસ્યા આવતી હતી. તેના નિરાકરણ માટે કિસાન સંઘ સાથે બેઠક કરીને ખેડૂતોને પડતી મુશ્કેલીમાં ટ્રેકટર ટોલીને 5 વર્ષ સુધી આર.ટી.ઓ. પાર્સીંગમાંથી મુકિત આપવા રાજય સરકારે સૈધ્ધાંતિક મંજુરી આપી છે. આ ઉપરાંત વીજ ટાવરના પ્રશ્નોનું કાયમી નિરાકરણ અને જમીનનું યોગ્ય વળતર ચુકવવા માટે સરકાર આગામી સમયમાં યોગ્ય પોલીસી બનાવશે.

ગીર સોમનાથના 14 જેટલા સેટલમેન્ટના ગામોનો રેવેન્યુમાં સમાવેશ

મંત્રીએ કહ્યું હતું કે, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના 14  જેટલા સેટલમેન્ટના ગામોનો રેવેન્યુમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ જિલ્લાના ગામોમાં ઇકોસેન્સીટિવ ઝોન એ પણ એક પ્રશ્ન રહેતો હોય છે, ત્યારે એમની મુશ્કેલીના નિવારણ માટે વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાની સાથે ખેડૂતના પ્રતિનિધિઓ, કિસાન સંઘ વગેરે સાથે ચર્ચા કરીને ખેડૂતને મુશ્કેલી ન થાય એમના માટે રાજ્ય સરકારે હકારાત્મક વલણ દાખવીને ખેડૂતોના હિતમાં ચર્ચા કરશે.